
ગોઝારી વાવ
હા, હા, એ માણસ જીવે છે હજી,
એના ઘ૨માં, સુખેથી.
પણ મરી ગયો છે એ મારા માટે.
અને એટલે જ હું રોજ એના નવા નવા
મૃત્યુની કલ્પના કરું છું.
રસ્તા પર ચાલતા ટ્રકનાં પૈડાં
એના પર ફરી વળે છે
અને હું બાજુમાં
શાંત રાહદારીની જેમ પસાર થતી હોઉં છું.
તો ક્યારેક એની લાશ
રેલવેના પાટા વચ્ચે મળી આવે છે
અને હું
એના મૃતદેહ ૫૨થી પસાર થતી ટ્રેનમાં
મુસાફરી કરતી હોઉં છું.
ક્યારેક હું મારી સાડીના પાલવને
ગાંઠ મારતી હોઉં છું
અને એના ગળામાં ફાંસો હોય છે.
હું મંદિરમાં દીવા પ્રગટાવતી હોઉં છું
અને એનું આખું શરીર સળગતું હોય છે.
ક્યારેક એ
કોઈ ગોઝારી વાવના તળિયે પડ્યો હોય છે
અને હું
એ વાવમાંથી પાણી ભરતી હોઉં છું.
રોજ રાત્રે યમરાજ આવે છે
પેલા કાળમુખા પાડા પર બેસીને.
કરગરે છે, એને લઈ જવા માટે,
પણ હું એને રજા નથી આપતી.
~ મનીષા જોશી
સ્ત્રી હદથી વધારે પીડાય ત્યારે એ પુરુષને છેલ્લા શ્વાસ સુધી માફ નથી કરી શકતી…. કદાચ….. આ નાયિકા પુરુષને જુદી જુદી રીતે મરતો જોવાની કલ્પના કરીને સંતોષ મેળવે છે. અહીં સંતોષ જરા જુદી રીતનો છે. પુરુષની અત્યંત રિબામણી અને એ દૃશ્ય નાયિકાએ શાંતિથી જોવાનું. આવું એને વારંવાર જોઈએ છે એટલે જો પુરુષ ખરેખર મરી જાય તો વાત પૂરી થઈ જાય એટલે એ યમરાજ કરગરે તો પણ નાયિકા એને સોંપવા તૈયાર નથી.
થોડી બીજી વાત. કવિતા સિવાયની. મનોવૈજ્ઞાનિકો કહે છે કે બીજાને પીડા આપવાના વિચાર તમને પીડયા વગર રહે નહીં. ઊલટુ એ તમને પહેલાં પીડે. એટલે ભૂલી જાઓ અને માફ કરો. એની સામે એ પણ ખરું જ ને કે ‘જેણે વેઠયું હોય એ જાણે કે કેમ ભૂલાય !!’
આપણે તો કવિતા જ જોઈએ……. અને ખાસ તો કવિના કલ્પનોની તીવ્રતા જોઈએ….

બન્ને રચના જીવન દર્શન કરાવે છે.
એક સ્ત્રીની અભિવ્યક્તિ આટલી તિવ્ર વેદનામય હોય છે, આને એ કવિતા માં ઉતરે ત્યારે ચોંકી જવાય! બંને રચનાઓ અદ્ભૂત છે.
મનીષા જોષીની રચનામાં Ecxe||ent વિરોધાભાસી સહોપસ્થિતી – – ખૂબ મર્મગામી મનોવિશ્લેષણ – – બંને રચનાઓમાં મર્મગામી અભિવ્યક્તિ
પીડિત વ્યક્તિની વેદનાને વાચા આપતી બંને રચનાઓ છે.
કવિતાની શૈલીની દૃષ્ટિએ જ તપાસવી રહી.
બંને રચના અત્યંત હ્રદયસ્પર્શી 👌👌
બંને શિરમોર રચના
પરાવાસ્તવવાદની રચનાઓ