ભાગ્યેશ જહા ~ આ વાયરાના & અમે દરિયો જોયો * Bhagyesh Jaha  

આભ સાથે વાર્તા જોડી

આ વાયરાના તોફાને આવેલા વરસાદે
ઉબંરની મર્યાદા તોડી
;
એક બિંદુ ઝીલી ને આંખ એવી કુદી કે
એણે આભ સાથે વાર્તા જોડી.

આ બારીમાં ટપકે છે ભીનું આકાશ
અને ચોમાસું છલકે ચોપાસ
;
અહીં શેરીનાં દિવામાં એકલતા સળગે છે
ઉપર છે કાળું આકાશ.

આ પાણીનાં બાણ બધાં વીંધે ગુલાબને,
ને આભે પણ કળીઓને તોડી.
એક બિંદુ ઝીલી ને આંખ એવી ઉગી કે
એણે આભ સાથે વાર્તા જોડી.

વૃક્ષોની નજરોનું પાથરણું પાથરીને
ધરતી એ ઓઢી’તી લીલાશ,
આ વરસાદે પલળેલું એકાકી ઝાડ,
એમાં આજે પણ કોરું આકાશ.
આ ધોધમાર પાણીનાં વહેતાં પ્રવાહમાં
પગલાં એ કેડી એક છોડી.

એક બિંદુ ઝીલી ને આંખ એવી ઉગી કે એણે
આભ સાથે વાર્તા જોડી.

~ ભાગ્યેશ જહા

હૈયે વળગેલા વરસાદની વાર્તા…

ને તમે યાદ આવ્યાં
અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યાં
અમે દરિયો ખોયો ને તમે યાદ આવ્યાં

અમે દરિયાને તીર એક રેતીનો ઢગલો
તમે રેતીમાં સળવળતું પાણી
તમે દરિયાને વળગેલી ખારી ભીનાશ
અમે માછલીના સ્પર્શની વાણી
અમે રેતી જોઇ ને તમે યાદ આવ્યાં
અમે વાણી ખોઇ ને તમે યાદ આવ્યાં

અમે દરિયામાં ડુબેલી નદીઓના નામ
તમે નદીઓના ડુબેલા ગાન
અમે ડુબવાની ઘટનાનું ભુરું આકાશ
તમે વાદળમાં સાગરનું ભાન
નામ ડુબતું જોયું ને તમે યાદ આવ્યાં
આભ ઉગતું જોયું ને તમે યાદ આવ્યાં

~ ભાગ્યેશ જહા

યાદ આવવાની ઘટના દરેક માનવીના જીવનમાં બનતી જ રહે છે પણ એને આમ આકારે એ કવિ!

3 Responses

  1. વાહ ખુબ સરસ બન્ને રચનાઓ ખુબ ગમી

  2. હરીશ દાસાણી.મુંબઈ says:

    સરસ ગમી જાય તેવી રચનાઓ.

  3. વાહ, ઝ્હઆ સાહેબની રચનાઓ મનભાવન હોય છે. ખૂબ જ સરસ.

Leave a Reply to 'સાજ' મેવાડા Cancel reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: