રમેશ પારેખ ~ તારા સ્મરણને * Ramesh Parekh
કરી જોઉં
તારા સ્મરણને મારામાંથી બાદ કરી જોઉં,
કોશિશ હું આપઘાતની એકાદ કરી જોઉં.
શા માટે બાંધી રાખવા સગપણના પાંજરે?
લાવો, તમામ શ્વાસને આઝાદ કરી જોઉં.
કોનામાં લીલો મોલ લચી પડશે, શી ખબર
સર્વત્ર મારા જીવનો વરસાદ કરી જોઉં
આ ખાલી ઘરમાં હોતું નથી કોઈ આજકાલ,
રહેતુ’તું કોણ, લાવ, જરા યાદ કરી જોઉં
છું હું કોઈક માટેની સાષ્ટાંગ પ્રાર્થના ,
મંદિરમાં કોણ છે, હું કોને સાદ કરી જોઉં?
જાઉં ને મૃત્યુ નામના રાજાધિરાજને
પેસેન્જર રમેશની સોગાદ કરી જોઉં.
~ રમેશ પારેખ
પ્રતિભાવો