KS : મનોહર ત્રિવેદી ~ કોઈ જાતું * Manohar Trivedi

તું તારી રીતે જા

કોઈ જાતું હળવે હળવે, કોઇ ઘાએ ઘા
તું તારી રીતે જા
તને ગમે તો આ પા જાજે અથવા પેલે પા
તું તારી રીતે જા

બંધ ઓરડા કદી ન ઝીલે કો શ્રાવણની હેલી
ઊલટ થાય તો ખોલી દે તું તારા ઘરની ડેલી
દોટ મૂકજે બજાર વચ્ચે દેહ ઉઘાડો મેલી
ને ફરીફરીને ન્હા…

હોય અજાણ્યાં કે જાણીતાં : છતાંય મલકે હોઠ
રોજ ધુળેટી ઊજવીએ માગી નજરુંની ગોઠ
હળ્યાંમળ્યાં તો ઘેર ઊતરશે અવસરની કૈં પોઠ
રે ઉતાવળો કાં થા?

કોઇ બાળકે ફૂલ ચીતરતાં મ્હોરી ઊઠી ભીંત
પતંગિયાને કોણ શીખવે છે ઊડવાની રીત?
કોયલને ક્યાં કહ્યું હતું કે ગા ફાગણનું ગીત?
તું મન ફાવે તે ગા
તું તારી રીતે જા.

~ મનોહર ત્રિવેદી

ગીત ગાતા ચલ > લતા હિરાણી > કાવ્યસેતુ 454 > દિવ્ય ભાસ્કર > 26.9.23 

ભગવાન કૃષ્ણની વાંસળીનું માધુર્ય અજબ છે. આખું ગોકુળ; માનવી તો શું, પશુ, પંખી, વૃક્ષ, વેલી, નદી, સરોવર પણ એના સૂરે ડોલતા હતા પણ કૃષ્ણે વાંસળીવાદનની ક્યાંય તાલીમ નહોતી લીધી. એમણે શિષ્યોને તાલીમ આપવાનો પ્રયત્ન પણ નહોતો કર્યો! એમનું વાદન સ્વયંભુ હતું. સુદર્શનધારી શ્રીકૃષ્ણ, જે ધારે તો પળમાં પૃથ્વીને પાતાળે ચાંપી શકે, પોતાના પ્રિય શિષ્ય અર્જુનને ઉપદેશ એ જ આપ્યો કે હું તારો રથ યુદ્ધના મેદાનમાં લઈ જઈશ. પછી તારી લડાઈ તારે લડવાની છે.

આજના યુવાનને આ ખપતું નથી. ચારેકોર પર્સનાલિટી ડેવલપમેન્ટના અને બીજા અનેક ક્લાસ ભરવા ફર્યા કરે છે. ક્યાંકથી શોર્ટકટ મળી જાય, કોઈની ટિપ્સ વાંચીને તરત પ્રથમ પંક્તિમાં આવી જવાય કે પછી કોઈના ઉપદેશથી મહાનતાના શિખર સર થઈ જાય એનું ગાંડપણ એને વળગેલું છે. કિશોરોના, યુવાનોના આપઘાતના કિસ્સાઓ ભયાનક હદે વધતા જાય છે એની પાછળના કારણોમાં મહદ અંશે આ ઘેલછા કારણભૂત હોઈ શકે!

પતંગિયું બીજાના રંગ પહેરતું નથી. કોયલ પોતાનો જ ટહૂકો આલાપે છે. નાનકડું ઘાસનું ફૂલ ગુલાબ સામે આનંદથી જોશે કે હવામાં ઊડતી જૂઈની સુગંધને માણશે પણ લહેરાશે તો માત્ર પોતાની નાનકડી સીમામાં જ. રણની રેતી ને દરિયાની રેતી ક્યારેય સ્પર્ધામાં ઉતરતા નથી. પહાડનું ઊંચું શિખર ને તળેટીમાં પડેલો નાનકડો પથ્થર પોતાની રીતે રહે છે. દરેકને પોતાની સ્થિતિ છે, ગતિ છે, પોતાનું સૌંદર્ય છે ને સુવાસ છે. કશું ક્યારેય ક્યાંય એકસરખું નથી.       

સૌરાષ્ટ્રમાં એક કહેવત છે, ‘લાંબા સાથે ટૂંકો જાય, મરે નહીં પણ માંદો થાય’. આમાં ‘જવું’ એટલે ‘વાદ કરવા’. ‘વાદ કરવા’ એય નકરો કાઠિયાવાડી શબ્દ. હવે આ ‘નકરો’ શબ્દ તો તમે સમજી જ જશો. ટૂંકમાં કોઇની જેવા થવા પ્રયત્ન કરવો નહીં. કાગડો હંસની ચાલે ચાલવા જાય તો પકડાઈ જાય. ન ચાલે. દરેકે પોતાની શક્તિ ઓળખવી જોઈએ અને પોતાની મર્યાદાય પારખવી જોઈએ. દરેક માણસ ધીરુભાઈ અંબાણી કે ટાટા-બિરલા ન થઈ શકે. દરેક ચા વેચનારો નરેન્દ્ર મોદી ન થઈ શકે. તકલીફ એ છે કે પોતાનાં અધૂરાં સપનાં પૂરા કરવા સંતાનની પાછળ લાકડી લઈને પડેલા માબાપો અને વ્યક્તિત્વ વિકાસની ધમધોકાર ચાલતી દુકાનો લઈને બેઠેલા વેપારીઓ આ ઉદાહરણો જ દોહરાવ્યા કરે છે જે તદ્દન અવાસ્તવિક છે.

મહાન લોકો એક દીવાદાંડીરૂપ આદર્શ ગણાય એ વાતનો આપણે નતમસ્તકે સ્વીકાર કરીએ. એમના ચરિત્રો આપણને પ્રેરણા પૂરી પાડે એય સો ટકા સાચું પણ પોતાનું કૌવત પોતે જાણવું પડે. એ પ્રમાણે જ ચલાય. આદર્શો નજર સામે રાખીને ચાલીયે તો આગલા વધવું સહેલું પડે પણ પહોંચાય એટલે જ જેટલી આપણી તાકાત! આ વાત જેટલી જલ્દી સમજી લઈએ એટલું સારું નહીંતર સાયકોલોજીસ્ટો ને સાયકીયાટિસ્ટો પાસે ડિપ્રેશનના દરદીઓની પંગત લંબાય. બસ એટલું થાય.

આદર્શ આવકાર્ય છે, પણ ચોપડીઓ વાંચીને કે લેકચર સાંભળીને ઊપડતી ઘેલછા આવકાર્ય નથી. સફર આદરવાની છે પણ પોતાના પગલાંની તાકાત પ્રમાણે. બંધ આંખે કોઈની પાછળ મૂકાતી દોટ મંજૂર નથી. જાતતપાસ બહુ જરૂરી છે. કોઈ વ્યક્તિએ બંધિયાર તળાવ નહીં, ભલે નાનું પણ મુક્ત ઝરણું બનવાનું છે. પોતાની દશા અને દિશા જાતે નક્કી કરવાની છે. પોતાનો નકશો જાતે ચીતરવાનો છે.

બાળકને આપણે ગોખાવી દઈએ છીએ કે કપડાં વગર ન ફરાય. મા સાવ નાના બાળકને નવડાવવા એના કપડાં ઉતારી નાખે ત્યારે જોઈ શકાય છે કે વસ્ત્રવિહીનતાનો આનંદ બાળક કેવું માણે છે! એ સમયે એ મુક્ત સ્થિતિમાં છે. એણે માત્ર આનંદ ઓઢયો છે, પવન પહેર્યો છે. સ્વયં કુદરત એના હોઠ પર મલકે છે. પછી શું? બાળકનું બાળપણ પૂરું થાય એ પહેલાં આપણે એને ઉતરવાની મનાઈ સાથે હરીફાઈમાં ઉતારી દઈએ છીએ અને બિચારા સામે ચાંદ તારાના આદર્શો ખડકી દઈએ છીએ!

ચાલો, આજથી જાતને ઓળખવાનું શરૂ કરી દઈએ. સેલ્ફ એસેસમેન્ટ બહુ જરૂરી છે. દિવસ આખો ભલે જે કરવાનું હોય એ કરીએ પણ રાત પડે ઘડીક વિચારીએ કે આજે શું કર્યું! અંદરનું જે સત્વ છે, પોતાનું જે તત્વ છે, એને પ્રગટાવવા બે-ચાર ડગલાં ભર્યા? તો બસ, બહુ થયું! કોઈની પાસે દરિયો છે તો બહુ સરસ.. હું મારી ગાગર છલકાવીશ. કોઈએ ભલે એવરેસ્ટ આંબ્યું, મને મારી તળેટી મુબારક. મારે તો શ્રાવણની હેલી ને ઉઘાડી ડેલીની મજા માણવાની છે. ઘરની ભીંત પર પતંગિયા દોરી ઊડવાના જલસા કરવા છે….

બોલો, મસ્ત છે ને આ ગીત ?    

13 Responses

 1. ખુબ સરસ ગીત નો ખુબ સરસ આસ્વાદ ખુબ ખુબ અભિનંદન કાવ્ય વિશ્વ

 2. Kirtichandra Shah says:

  બધીજ રચનાઓ ગમી ગઇ

 3. દિનેશ ડોંગરે નાદાન says:

  મનોહરભાઈ ગીતમાં પોતાની અલગ ભાત ઉપસાવતા કવિ છે. પ્રસ્તુત રચના પણ એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. લતાબેને આ ગીતને ખૂબ સુંદર રીતે ઉઘાડી આપ્યું છે. બંને સર્જકોને અભિનંદન.

 4. Minal Oza says:

  જાતને જાણો,જાતને છોડોની વાત કવિએ સરસ રીતે નિર્દેશિત છે. લતાબહેનનો આસ્વાદ સૌને કાવ્યને સમજવામાં ઉપકારક છે. ધન્યવાદ.

 5. ગીત તો સરસ, સુંદર છે જ, પણ આખી કવિતાનો શબ્દે શબ્દ પચાવ્યો હોય એજ આટલો ઊંડાણથી આસ્વાદ કરાવી શકે, આપની કાવ્ય પ્રીતિને સલામ.

 6. રિયાઝ લાંગડા (મહુવા). says:

  સરસ ગીત અને એનો આસ્વાદ..👌

 7. Mayurika Leuva says:

  સુંદર ગીત. અનાયાસ લખાયું હોય એવું સહજ. બહુ ગમ્યું.

 8. ઉમેશ ઉપાધ્યાય says:

  ખુબ સરસ ગીત 👌🏽👌🏽👌🏽

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: