ઉમા પરમેશ્વરન ~ કોને ખબર – અનુ. નીતા રામૈયા * Uma Parmeshvaran * Nita Ramaiya

તારાની સાસુ

કોને ખબર કેવી જગ્યાએ તું મને લઇ આવ્યો છે, બેટા ?

અહીં બધી જ બારીઓ હંમેશા બંધ રખાય

ને આગલે બારણે હંમેશા તાળું વાસ્યું હોય ?

ભલે પધાર્યા કહેવા માટે

ઉંબરામાં કોઇ જ રંગોળી નહીં ?

લક્ષ્મીજી ક્યાંથી પધારે, બેટા ?

જ્યાં એની એ જ હવા ગોળગોળ ફરતી હોય ત્યાં

લક્ષ્મીજી પધારવાની પરવા કરે ખરાં, કહે તો બેટા ?

કમળ પર જે બિરાજમાન છે અને

આદિકાળના દૂધના સમુદ્રમાં જેનો વાસ છે તે દેવની પત્ની

તું શું એમ ધારે છે કે ડબ્બામાં ને બરફમાં સંઘરેલું

ત્રણ દિવસનું વાસી ખાવાનું આરોગશે ?

બેટા, હું ખૂબ રાજી છું, બેટા

તને સારી રીતે ઠેકાણે પડેલો જોઇને

બાળકો ને પત્ની ને બધું જ,

જો કે તારી પત્ની અન્ય પુરુષોના હાથ પકડે

કે તું અન્ય પુરુષોની પત્નીના હાથ પકડે ત્યારે

ઊભાં થઈ થઈ જાય છે મારાં રુંવાડાં.

પણ હું રાજી છું બેટા, ખરેખર રાજી છું

એ વાતે કે તું ઠેકાણે પડી ગયો, સારું થયું સારું

અને મને લઇ આવ્યો છેક આટલે દૂર

આ તારું રૂપકડું ઘર, તારી કાર અને બધું જોવા.

પણ આ વાસી હવા મારાથી શ્વાસમાં લેવાતી નથી.

ગઇ કાલની રસોઇની વાસ

હવામાં ગોળગોળ ફર્યા કરતી

બેટા, રસોઈ તો રોજ કરવાની બાબત છે.

માત્ર રવિવારે કરવાનું કામ નથી

બેટા, રસોઈનો મઘમઘાટ મજાનો હોય

સોડમ ઉછળતી હોય,

હળદર ને લીલી કોથમીરની

અને ગરમ તેલમાં રાઇનો તડતડાટ

જમણમાં સોડમ લાવે, હવાને ગંધવી મારે નહીં

બધી બારી ખોલી નાખ બેટા

મને ટેવ છે જીવંત વસ્તુના ધ્વનિ સાંભળવાની

સવારે પંખીનો, રાત્રે વરસાદ ને પવનનો.

ફર્નેસ ફેનનો ઘરઘરાટ નહીં

અને ગરમ હવાના સુસવાટા નહીં

અને વોશિંગ મશીનનું વ્હૂશ વ્હૂશ નહીં

બધી બારીઓ ખોલી નાખ બેટા

અને મને પાછી જવા દે

સૂર્ય અને હવા તરફ

અને પરસેવો અને માખી ને એવું બધું

પણ આ તો નહીં જ, ના નહીં જ…  

~ ઉમા પરમેશ્વરન  – અનુ. નીતા રામૈયા

વિદેશ પહોંચેલી મા કેવો મુંઝારો અનુભવે છે !! દીકરો ઠેકાણે પડ્યો છે, એની ખુશી જરૂર છે પણ એની રહેણીકરણીથી એના જીવને જરાય શાંતિ નથી. સમયના ટુકડાઓમાં બંધાઇને, સંઘરાઇને ફ્રીઝાયેલું આ વાસી જીવન એને કેમેય મંજુર નથી.  એ પોતાના દેશમાં, તાજગી અને અજવાળાના દેશમાં ફરી પાછા આવવા ઝંખે છે એનું એકદમ સરળ અને સ્પર્શી જાય એવું  વર્ણન છે !! તમે જ વાંચો અને અનુભવો…. 

4 Responses

  1. વાહ એક માં નો વ્યથામિશ્રીત આનંદ કાવ્ય મા બખુબી રજુ થયો છે રસોઈ રોજ કરવા ની વસ્તુ છે ખુબ ચોટદાર રચના આસ્વાદ પણ એટલોજ ઉત્તમ અભિનંદન કાવ્ય વિશ્વ

  2. આ કાવ્યાનુવાદ, કદાચ બધા જ વયસ્કોને લાગું પડતો હશે.

  3. મેવાડાજી ની વાત ખુબજ સાચી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: