સંજુ વાળા ~ મસ્ત મિજાજી મોજી * Sanju Vala

અમે અમારા મનના માલિક મસ્ત મિજાજી મોજી.
જૂઈ મોગરા પ્હેરી-બાંધી
ભરી બજારે નીકળવામાં શું લાગે બટ્ટો જી?

કરું વાયરા સાથે વાતો
ચડે અંગ હિલ્લોળ તો થોડું હીંચું,
કિયા ગુનાના આળ, કહો
ક્યાં લપસ્યો મારો પગ તે જોવું નીચું ?
તેં એને કાં સાચી માની
વા-વેગે જે ઉડતી આવી અફવા રોજબરોજી.
અમે અમારા મનના માલિક મસ્ત મિજાજી મોજી.

મંદિરના પ્રાંગણમાં
ભીના વાળ લઈને નીકળવાની બાબત.
રામધૂનમાં લીન જનો પર
ત્રાટકતી કોઈ ખૂશબૂ નામે આફત.
સાંજે બાગ-બગીચે નવરાધૂપ બેસતા
નિવૃતોની હું એક જ દિલસોજી
અમે અમારા મનના માલિક મસ્ત મિજાજી મોજી.

~ સંજુ વાળા

મસ્ત મિજાજી અલ્લડ યૌવનાનું ગીત. નાયિકા ભીના વાળની ખુશબુ ફેલાવતી બગીચે કે મંદિર પાસેથી પસાર થતી દેખાય એનું અદભૂત શબ્દચિત્ર કવિએ આલેખ્યું છે. પોતાની મરજીની માલિક આ સ્ત્રીને કોઈ શું કહે એની પડી નથી. પોતાની વ્યક્તિ અફવાઓથી દોરાઈ જાય તેની સામે પણ નારાજ છે. પણ નારાજગી બસ વ્યક્ત કરી દીધી, એના માટે જાતને ગુનેગાર અનુભવવાની કોઈ જ વૃત્તિ નથી જ નથી. હવે તું જાણ ને તારું ગામ ! હું તો આ ચાલી, જૂઈ મોગરા પહેરી…. KV

4 Responses

  1. Minal Oza says:

    સંજુ વાળાનું આ ગીત દરેક નવયૌવનાના ભાવનું પ્રતિનિધિત્વ કરે છે. અભિનંદન.

  2. 'સાજ' મેવાડા says:

    વાહ ખૂબ જ સરસ ગીત છે, મજા.

  3. વાહ સરસ ગીત ખુબ ગમ્યુ

  4. ઉમદા રચના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: