ભાવેશ સોલંકી ~ સૂના ઘરમાં Bhavesh Solanki

કાવ્યસેતુ 439. ભાવેશ સોલંકી ~ સૂના ઘરમાં 6.6.23  

સૂના ઘરમાં બેઠાં બેઠાં બહુ માણી છે,
એકલતાને સાવ નજીકથી મેં જાણી છે!

ભમરાની વાતોમાં આવી ભ્રમિત થયો તું,
ફૂલોની કઠણાઈ તને ક્યાં સમજાણી છે?

એમ તને દેખાશે નહીં એ, બહુ ભૂંડી છે,
ભૂખ અમારી કોઠી પાછળ સંતાણી છે!

ગમ્મે તેવા દુઃખને પણ એ પી જાણે છે,
એ માણસ તો દુઃખનો પાકો બંધાણી છે!

વેકેશનમાં બીજે ક્યાંક જવાની છે એ,
બે દી પૂરતી સુખ- શાન્તિ અહીં રોકાણી છે!

પ્યાર-મહોબતમાં મેં બહુ રોકાણ કર્યું છે,
સઘળી મૂડી મારી એમાં સલવાણી છે!

લાગે છે એ શાયર અમને સાચા બોલો,
સાફ નિયત હર શબ્દે શબ્દે ડોકાણી છે!

~ ભાવેશ સોલંકી

આ જ વાત છે! ~ લતા હિરાણી

ગઝલ કાવ્યસ્વરૂપ અત્યંત લોકપ્રિય બની ગયું છે. ગઝલની ગલીઓ ક્યારની રાજમાર્ગ થઈ ગઈ છે! કેટકેટલી નવી કલમો! આમ જોઈએ તો આજે રોકડિયા પાક જેવી બની ગઈ છે ગઝલ. એટલે એવું યે બને કે ક્યારેક આખા ગઝલસંગ્રહમાં એકાદ શેર પણ હૈયાને ન અડે! તો ક્યાંક કોઈક નવા નામમાં તણખો પણ જડે!

પ્રથમ શેરમાં કવિએ શબ્દ ‘એકલતા’ વાપર્યો છે પણ વાત એકાંતની છે. એકલતા તોડી નાખે છે પણ એકાંત ‘અંદર’ સાથે જોડી આપે છે, ચિંતનની ટેવ હોય તો. કવિને અહીં એ જ અભિપ્રેત છે પરંતુ ગઝલના બંધારણને જાળવવા માટે ‘એકલતા’ શબ્દ વાપર્યો હશે કેમ કે એમણે સૂના ઘરમાં એકલા જીવવાની પરિસ્થિતિને માણી છે! અથવા કવિને પોતાની એકલતા માટે કટાક્ષ કરવો હોય!

કવિ ભૂખ માટેનું કલ્પન સરસ લાવ્યા છે તો દુખ સહન કરવાની માણસની શક્તિને એમણે એક અલગ અંદાઝમાં સલામી છે. દુખ ન આવ્યું હોય એવો માણસ આ પૃથ્વી પર તો ન મળે. ત્યારે એને લઈને રડ્યા કરવું એ એક વિકલ્પ છે. અમુક લોકોની એવી ટેવ જ હોય છે. દુખ રડવામાં જાણે એમને સુખ મળતું હોય છે. આવા લોકો ફરિયાદોના હોલસેલ વેપારી બની જતા હોય છે. અને એમ જ સામે સુખની પરિસ્થિતિને કવિએ હળવાશથી સરસ રીતે નિરૂપી છે. કાયમી ડેરા દુખના હોય જ્યારે સુખ શાંતિ બસ ઉડતા પંખીની જેમ આવે-જાય!     

પ્રેમ એ માણસમાત્રની સદાયની ઝંખના. માણસ તો શું પશુ-પંખી, આ જગતમાં જીવતા તમામ જીવોને પ્રેમ જોઈએ છે. જો કે અહીં વાત સ્ત્રી-પુરુષના પ્રેમની છે… અને નાયક હવે નાદારી તરફ જઈ રહ્યો છે…. ચલો, ફના થઈ જવું એય પ્રેમની એક રીત જ છે!  

14 Responses

  1. ખુબ સરસ કાવ્ય નો ખુબ ઉમદા આસ્વાદ ખુબ ગમ્યો અભિનંદન કાવ્યવિશ્ર્વ

  2. Renuka Dave says:

    વાહ વાહ.. ખૂબ સરસ ગઝલ..
    સીધા સરળ શબ્દો અને સચોટ તર્ક…
    લખતા રહેજો, ભાવેશભાઈ.!

  3. Renuka Dave says:

    ખૂબ સરસ ગઝલ..
    સીધા સરળ શબ્દો અને સચોટ તર્ક…
    લખતા રહેજો, ભાવેશભાઈ.!

  4. સરસ ગઝલ પણ એક ભાષાકીય ભૂલ તરફ નિર્દેશ કરવો મને અનિવાર્ય લાગે છે:

    બે દી પૂરતી સુખ- શાન્તિ અહીં રોકાણી છે!

    વ્યાકરણની દૃષ્ટિએ બે દી પૂરતાં સુખ- શાન્તિ અહીં રોકાણાં છે – આ રીતે લખાશે. કેવળ શાંતિની વાત કરી હોત તો કાફિયો બરાબર હોત પણ સુખ અને શાંતિ બંનેનો સહિયારો ઉલ્લેખ થાય ત્યારે શાંતિ એકવચન સ્ત્રીલિંગ ન રહેતાં બહુવચન થઈ જાય. અન્યથા ગઝલ સરસ અને આસ્વાદ્ય

  5. ઉમેશ જોષી says:

    વાહ સરસ ગઝલ એવો જ ઉત્તમ આસ્વાદ.
    અભિનંદન.

  6. 'સાજ' મેવાડા says:

    ખૂબ સરસ ગઝલ. આદરણીય લતાજી આપનો સરસ આસ્વાદ.

  7. સુરેશ 'ચંદ્ર'રાવલ says:

    લતાબેન નવાં ગઝલકારોની હદયને સ્પર્શી જતી ગઝલ અને તેમાં પણ આપનું વિશ્લેષણ ખૂબ ગમ્યું…. બન્નેને અભિનંદન….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: