રમેશ પારેખ ~ છોકરી ~ આસ્વાદ લતા હિરાણી Ramesh Parekh Lata Hirani

એક છોકરીના હાથથી રૂમાલ પડે, એ લેવા આખુંય ગામ વળે નીચે
જુવાન આંખ ફાડે, બુઢ્ઢાઓ આંખ મીંચે…..

નામ કોનું રૂમાલમાં આ છોકરીએ ભર્યું છે, એ બાબત પર ઠેર ઠેર ગરમી
પડ્યા ગામના બગીચાઓ ખાલી કુંજાર અને નાસ્તિકો થઇ ગયા ધરમી
કારણ કે મંદિરે જાય છોકરી તો લોક શું કરવા ટળવળે બગીચે ?

ગંધ છોકરીની આવી જે જીવને, તે જીવની ગંભીરતામાં પડી ગયો ગોબો.
સહુ છોકરાને અરીસાઓ ઠપકો આપે, કે જરા મોઢાઓ માંજો ને શોભો
કારણ કે ફળિયાના હિંચકે આ છોકરી, એકલી બેસીને રોજ હીંચે………

~ રમેશ પારેખ

‘છોકરી’ ત્રણ અક્ષરની દુનિયા  –   લતા હિરાણી

‘ર.પા.’થી જાણીતા આ કવિ માટે શ્રી મોરારિબાપુ કહે છે : ‘આ કવિ કંઈક ભાળી ગયેલો છે’ તો કવિ ડૉ. વિવેક ટેલર કહે છે, ‘દોમદોમ કવિતાની સાહ્યબીથી રોમરોમ છલકાતો માણસ’. અવ્વલ દરજ્જાના અફલાતુન કાવ્યસંગ્રહો આપનાર અમરેલીના વતની આ કવિના શબ્દદેહે જે અમરતા પ્રાપ્ત કરી છે એ બહુ ઓછા કવિઓને પ્રાપ્ય છે. ગુજરાતી સાહિત્યના તમામ મોટા પુરસ્કારો જીવતેજીવ મેળવનાર કવિ રમેશ પારેખ એટલે ‘છ અક્ષરનું નામ’. 

ર.પા.ની આ મદમસ્ત કવિતા જેને ન સમજાય એની સમજણમાં પડી ગયો ગોબો અને વાંચ્યા પછી જેનું મન ખીલે નહીં એની જવાનીમાં પડી ગયો ઘોબો !!  

‘કારણ કે મંદિરે જાય છોકરી, તો લોક શું કરવા ટળવળે બગીચે?’ કવિએ માત્ર આટલું જ લખ્યું હોત તો યે એક ગજબનાક ગીત રચાયું હોત.. બગીચાઓ સુમસામ કરે અને મંદિરે મેળા ધમધમે, એવું જાદુ તો ઉઘડતા જોબનથી છલકાતી છેલછબીલી છોકરી જ કરી શકે !! છોકરીનો જાદુ જુવાન પર જ નહીં, બુડ્ઢાઓનેય ચલિત કરી દે છે. છોકરીની ગંધ ગામની ગલીઓમાં એવી તો મઘમઘે છે કે અરીસાઓ છોકરાંઓને મોઢાંઓ માંજવાનો પડકાર ફેંકે છે !!” ફળિયાના હીંચકે હીંચકતી એકલી છોકરી માટે આખા ગામની જુવાની હવે ટોળે વળવાની છે..

ર.પા.નું આ ગીત હોઠે જ નહીં, હૈયે ચડીને ભાન ભૂલાવે એવું છે. ભાવ અને લયનો પ્રવાહ ગીતના બેય કાંઠે છલકાય છે.  રજૂઆત રોમાન્સની છે, છોકરી પાછળ છાકટી થતી જુવાનીની છે ને વાંચનારનેય ચાર ચાસણી ચગાવે એવી બળુકી છે…. આ ગીતમાં કલ્પનાની જબરાઇ, ભાવકને ઉછાળા મારતા પ્રવાહમાં તાણતી જાય છે ને શબ્દોનો ઇશ્કી ઠાઠ રુંવાડાને રણઝણાવે છે. આખાય ગીતની એકએક પંક્તિ, હાથમાંથી કો’કનું નામ ભરેલા રૂમાલને સરકાવી, ગામને ગાંડુ કરતી ઓલી જુવાનડી જેટલી જ જબરદસ્ત છે !!

‘છોકરી’ આ ત્રણ અક્ષરના શબ્દનું દુનિયાને ઘેલું છે. આખાય સંસારની માયાજાળ આમાં સમાઇ જાય છે. ભલભલા મહારથીઓને મહાત કરતો આ શબ્દ, સમગ્ર કલાવિશ્વ અને ખાસ તો કાવ્યવિશ્વ પર રાજ કરે છે એમ કહેવું જરાય ખોટું નથી !! છ અક્ષરનું નામ ધરાવતા ર.પા.એ આ ત્રણ અક્ષરની કમાલને પોતાની કાવ્યધારામાં ધોધમાર વરસાવી છે.

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ  8 > 1 નવેમ્બર 2011   

12 Responses

 1. સરસ મજાની રચના નો અેટલોજ માણવા લાયક આસ્વાદ ખુબ ખુબ અભિનંદન

 2. સરસ રચના અને મનનીય આસ્વાદ

 3. ઉમેશ જોષી says:

  વાહ સરસ ગીત અને આસ્વાદ.

 4. 'સાજ' મેવાડા says:

  છોકરી, એટલે કે જુવાન અલ્લડ છોકરી, આબાલવૃધ્ધ બધાંયને જોતાં કરી દે. કવિ ર. પા.નીખૂબ જાણીતી રચના અમને પણ માણવા મળી.

 5. DILIP Ghaswala says:

  ર.પા. ના ગીતનો અદભુત આસ્વાદ કરાવ્યો લતા બેન

 6. વહીદા ડ્રાઈવર says:

  અદભૂત

  સુંદર રચના

 7. શ્વેતા તલાટી says:

  ખૂબ સરસ રચના અને આસ્વાદ. અભિનંદન 🌹

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: