શૂન્ય પાલનપુરી ~ સુરાહીમાં ખાલી

અમો પ્રેમીઓના જીવનમાં વસી છે આ સૌંદર્ય સૃષ્ટિની જાહોજલાલી
ધરા છે અમારા હ્રદય કેરો પાલવ, ગગન છે અમારા નયન કેરી પ્યાલી
અમે તો કવિ, કાળને નાથનારા, અમારા તો આઠે પ્રહર છે ખુશાલી
આ બળબળતું હૈયું, આ ઝગમગતા નૈનો, ગમે ત્યારે હોળી, ગમે ત્યાં દિવાળી
મને ગર્વ છે કે અમારી ગરીબી અમીરાતની અલ્પતાઓથી પર છે
સિકંદરના મરહુમ કિસ્મતના સૌગંદ, રહ્યા છે જીવનમાં સદા હાથ ખાલી
તને એકમાંથી બહુની તમન્ના, બહુથી મને એક જોવાની ઇચ્છા
કરે છે તું પ્યાલામાં ખાલી સુરાહી, કરું છું હું પ્યાલા સુરાહીમાં ખાલી
~ શૂન્ય પાલનપુરી
‘કરે છે તું પ્યાલામાં ખાલી સુરાહી, કરું છું હું પ્યાલા સુરાહીમાં ખાલી’ – અદભૂત અદભૂત !
ખૂબ જ માર્મિક અર્થો સભર ગઝલ. વાહ.