વિજય સેવક

એક કે બે શ્વાસ ~ વિજય સેવક
એક કે બે શ્વાસ છે આ જિંદગી
મોતનો ઇતિહાસ છે આ જિંદગી……
દોડવું ને ભાગવું ને તૂટવું
એ જ તો સંત્રાસ છે આ જિંદગી……
આયનાથી બ્હાર આવી જો જરા
ભાસ, કેવળ ભાસ છે આ જિંદગી…..
આપણે વરસ્યાં અને ભીનાં થયાં
તો જ શ્રાવણ માસ છે આ જિંદગી…..
પોપડાં ખરતાં જતાં વરસો-વરસ
આપણો પરિહાસ છે આ જિંદગી……
ક્યાં સુધી હું શ્વાસને ગણતો રહું !?
આખરી અજવાસ છે આ જિંદગી…..
~ વિજય સેવક
જિંદગી કેવી છે?
કેટલાય લોકોએ એને કેટલી રીતે વર્ણવી હશે !
જે સમયે માનવીનું જેવું મન, એવી જિંદગી !
*****
આ જ કવિની એક બીજી ગઝલ
વ્હેલી સવારે ટ્રેનમાં કચડાય એ પછી
હું કચકચાટ બાંધતો ઇચ્છાને ધૂંસરી…..
પ્હેરીને ડાબલા સતત ઘૂમ્યા કર્યું છે મેં
હાંફી ગયો છતાંય છે આ દોડ વાંઝણી……
તારા ગયા પછી જ હું પામી શક્યો મને
ખાલીપણું જ વિસ્તર્યું ‘તું મારા નામથી…..
ઑફિસ સમી છે આપણી આ જિંદગી વિજય
આખો દિવસ ચહલપહલ પણ સાંજ ઝૂરતી…..
~ વિજય સેવક
વિજય સેવકની બન્ને ગઝલ રોચક છે…
અભિનંદન..
બન્ને ગઝલ ખુબ સરસ માણવા લાયક રહી ખુબ ખુબ અભિનંદન
જિંદગીના વિવિધ આયામોને ખૂબીથી રજૂ કરતી ગઝલ તથા ઇચ્છાને ધૂંસરી બાંધવાની વિચક્ષણ વાત લઇ આવતી ગઝલ-બંને ધ્યાનાકર્ષક છે.
જિંદગીની વાસ્તવિકતા સાથે જોડતી ગઝલો આસ્વાદ્ય બની છે. અભિનંદન.
Naice sir,
જિંદગીનાં દોડની રમતમાં યુવાનીમાં રમતા રમતા શ્વાસ લઈ લઈએ, વરિષ્ઠ બનતા થાક લાગે અને ઝૂકતા ઝૂકતા શ્વાસ લેવો પડે અને અંતિમ શ્વાસ લેતા લેતા લેતા ધરતીની ગોદમાં વિશ્રામ કરવો પડે
જિંદગીની અનુભૂતિ