ગુરુદેવ ટાગોર અને ડો. એચ.એલ.ત્રિવેદી : કવિતાનો પ્રભાવ

ડો. એચ.એલ.ત્રિવેદી (IKDRC) – ખૂબ વિખ્યાત નેફ્રોલોજિસ્ટ. કિડની રોગના નિષ્ણાત. કેનેડાની ધીકતી પ્રેક્ટીસ છોડી આપણા દેશના ગરીબ દર્દીઓ માટે એમણે ધૂણી ધખાવી, જીવન ન્યોચ્છાવર કરી દીધું. 

તેઓ MBBS થઈ ગયા પછી તેમને પરદેશ જઈને ઊંડો અભ્યાસ કરવાની તમન્ના હતી. પ્રતિભા અદભૂત પણ પરદેશ જવાના નાણાં ક્યાંથી કાઢવા? ગરીબ શિક્ષક પિતાના પુત્ર. અને પિતાએ એમને ડોક્ટર બનાવવા દેણાનો ડુંગર કરેલો.

એ વખતે અમેરિકાએ મુંબઈમાં એક કેન્દ્ર રાખેલું જ્યાં ભારતીય ડોક્ટર્સનું સ્તર ચકાસવા એક પરીક્ષા લેવાતી, ECFMG. એનું ધોરણ ખૂબ ઊંચું. એમાં ઓછામાં ઓછા 75% આવે તો જ અમેરિકા જવા મળે. ડો. ત્રિવેદીએ આ પરીક્ષા 96% ગુણે પાસ કરી પણ એ પછીયે નાણાંનો પ્રશ્ન જડબું ફાડીને ઊભો હતો.

એમણે અમેરિકાની અલગ અલગ તબીબી સંસ્થાઓ સાથે પત્રવ્યવહાર શરૂ કર્યો. જેમાં પોતાના પરિણામ વિશે તથા પૈસાના અભાવ વિશે જણાવ્યું અને મદદ માંગી. આ પત્રમાં પોતાની માહિતી સાથે એમણે લખ્યું હતું કે

“મારા દેશના મહાન કવિવર નોબલપ્રાઇઝવિજેતા કવિ ગુરુદેવ ટાગોરે એક કાવ્યમાં લખ્યું છે, ‘વ્હેર ધ માઇન્ડ ઈઝ વિધાઉટ ફીઅર, એન્ડ ધ હેડ ઈઝ હેલ્ડ હાઈ – વ્હેર નોલેજ ઈઝ ફ્રી – વ્હેર ધ વર્લ્ડ હેઝ નોટ બીન બ્રોકન ઇન્ટુ સેગમેન્ટ્સ બાય નીરો ડોમેસ્ટીક વોલ્સ – માય ફાધર, લેટ માય કન્ટ્રી બી અવેક.’ હું પણ તમને આવી જ પ્રાર્થના કરું છું……….”   

ત્રણ મહિના પછી અમેરિકાના ક્લીવલેન્ડની વિશ્વવિખ્યાત લેઈક્વૂડ હોસ્પિટલના ડીનનો પત્ર આવ્યો, “ડિયર ડો. ત્રિવેદી……. તમારા માર્ક્સ અમારું દિમાગ ચકરાવી ગયા……. તમે ટાગોરની પંક્તિઓ ટાંકી છે, વ્હાલા મિત્ર, ટાગોર માત્ર તમારા કવિ ન હતા, એ તો પૂરા વિશ્વના કવિ હતા. કવિનો શબ્દ ક્યારેય ખોટો પડી શકે નહીં. અમારા દેશમાં તમારું લાગણીસભર સ્વાગત છે. પૈસાની ચિંતા કરશો નહીં……… (ટિકિટ અને બધી સગવડ અમે કરીશું)  સ્ટાઇપેન્ડ લેખે મહિને…….  આશા છે આટલી રકમ તમને ઓછી નહીં લાગે.”

અને ગુરુદેવ ટાગોર તથા કાવ્યના મહિમાથી દિલ રોમાંચિત થઈ ઊઠ્યું.  

‘એકલો જાને રે…. – શરદ ઠાકર (પુસ્તકમાંથી સાભાર)  

OP 14.10.22

***

છબીલભાઈ ત્રિવેદી

14-10-2022

ત્રિવેદી સાહેબ અેક ઋષિ તુલ્ય મહામાનવ હતા મને ખુબજ નજીક થી મળવા નો અવસર મળેલો હતો મારા ભાણેજ ના કિડની ટ્રાન્સપ્લાન્ટ વખતે હુ અમદાવાદ બે મહિના રહ્યો હતો મુરબ્બી માધવ રામાનુજ પણ ત્યાં માનદ સેવા આપતા હતા આવા મહા માનવ ને શત શત પ્રણામ આભાર લતાબેન

સાજ મેવાડા

14-10-2022

“અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો.” ત્રિવેદી સાહબના પવિત્ર આત્માને વંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: