George Orwell અને કવિતા 

જેમને કલમ પોકારતી હોય એમને શરૂઆતમાં કવિતાનું ખેંચાણ કેટલું હોય છે ! અનેક વિખ્યાત વાર્તાકારો, નવલકથાકારો, નિબંધકારો વિશે જાણીએ તો એમાંના ઘણાની શરૂઆત કવિતાથી થઈ હોય છે ! પછીથી એમાં નિષ્ફળ જતાં તેઓ ગદ્ય તરફ વળ્યા હોય છે. મને આવા કિસ્સાઓમાં રસ પડે છે.

વાંચો જ્યોર્જ ઓરવેલની વાત.

જ્યોર્જ ઓરવેલ (25 જૂન 1903 – 21 જાન્યુઆરી 1950) એ એમનું લેખક તરીકેનું જાણીતું નામ. એમનું મૂળ નામ Eric Arthur Blair. ઈંગ્લેન્ડના આ લેખક ‘એનિમલ ફાર્મ’થી જગમશહૂર બન્યા જે એક રાજકીય કટાક્ષકથા (Political satire) છે. તેઓ એક નવલકથાકાર, નિબંધકાર, વિવેચક અને પત્રકાર તરીકે જાણીતા છે પણ એમણે લેખનની શરૂઆત કવિતાથી કરેલી.  

તેમણે લખ્યું છે કે મારી પાસે ન ગમતી હકીકતોનો સામનો કરવાની ક્ષમતા છે, જે સફળ થવામાં ખૂબ ઉપયોગી બને છે.

બાળપણમાં એટલે કે તેઓ જ્યારે ચાર કે પાંચ વર્ષના હતા ત્યારે એમણે એમની પ્રથમ કવિતા લખીને માતાને સંભળાવી હતી. એ વાઘ વિશેની કવિતા હતી. તેઓ કબૂલે છે કે એ બ્લેકની કવિતા ટાઈગરની નકલ હતી. એ પછી જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું હતું અને એમની અગિયાર વર્ષની વયે એક દેશભક્તિની કવિતા લખી હતી. જે સ્થાનિક અખબારમાં પ્રકાશિત થઈ હતી. બે વર્ષ પછી એમની બીજી કવિતા પ્રકાશિત થઈ હતી. જેમ જેમ તેઓ મોટા થતા ગયા, એમણે જ્યોર્જિયન શૈલીમાં પ્રકૃતિ કાવ્યો લખ્યા જે એમના જ શબ્દોમાં નબળા કાવ્યો હતા. ત્યાર બાદ તેમણે હાસ્યકવિતાઓ પર હાથ અજમાવ્યો. એક ગીતનાટક પણ લખ્યું. પછી કદાચ એમને લાગ્યું હશે કે કવિતા કરતાં ગદ્ય એમને વધુ અનુકૂળ રહેશે અને એ તેઓ વાર્તા અને પત્રકારત્વ તરફ વળ્યા. પછીની વાતો તો જગજાહેર છે….

યોગાનુયોગ આજે આ વિશ્વવિખ્યાત સાહિત્યકારનો જન્મદિન છે ! એમની ચેતનાને વંદન. 

OP 25.6.2022

છબીલભાઈ ત્રિવેદી

25-06-2022

ખુબ સરસ માહિતી જુદા જુદા લેખકો અને તેની લેખન સ્રુષ્ટી ની અદભૂત માહિતી આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: