મનોહર ત્રિવેદી ~ તમા રાખે વખતસરની* Manohar Trivedi

નિરાંતે એ જ ઊંઘે છે

તમા રાખે વખતસરની નિરાંતે એ જ ઊંઘે છે,
કરે પરવા ન બિસ્તરની નિરાંતે એ જ ઊંઘે છે.

અહીંથી ત્યાં, ઉતારો ક્યાં? નથી ચિન્તા થતી જેને-
હતી ના યાદ પણ ઘરની નિરાંતે એ જ ઊંઘે છે.

ક્ષણો જેવી મળી એવી સહજભાવે જ સ્વીકારી –
પ્રથમની હો કે આખરની, નિરાંતે એ જ ઊંઘે છે.

તમે ઈશ્વર વિશેના વાદમાં જાગ્યા કરો પંડિત!
ખબર રાખી ન ઈશ્વરની, નિરાંતે એ જ ઊંઘે છે.

કબીરે શાળ પર બેસી કહ્યું : મંદિર કે મસ્જિદને –
ગણે જે કેદ પથ્થરની નિરાંતે એ જ ઊંઘે છે.

પ્રશંસા કે પ્રતિષ્ઠાના નથી ઉદગાર બે માગ્યા
મજા જે લે છે અંદરની નિરાંતે એ જ ઊંઘે છે.

~ મનોહર ત્રિવેદી

મનોહરભાઈના ગીતો જેવી જ મનોહર આ ગઝલ ! ‘આજની ક્ષણમાં જીવો તો બસ નિરાંત જ નિરાંત છે’, આવી સરસ વાત પૂરી કાવ્યાત્મકતા સાથે કહી છે! કવિ ભલે પ્રશંસા ન માગે પણ આપ્યા વગર આપણને નિરાંતની ઊંઘ ન આવે!

8 Responses

  1. Anonymous says:

    મનોહર ત્રિવેદીનાં તમામ ગીતો અને ગઝલ ગમી જાય એવાં. નિરાંતે એ જ ઊંઘે છે…. આટલી હળવાશથી કરેલી વાતમાં જાણે બધી ફિલોસોફી આવી ગઈ.💐💐💐આપને વંદન sir..

    • અરવિંદભાઈ દવે, ગારિયાધાર says:

      મનોહરદાદા….ગીત હોય કે ગઝલ….સીધો હૃદયને જ સ્પર્શ…
      જીવન જીવવાની જડીબુટ્ટી….
      ‘શૂન્ય’ યાદ આવે….
      ‘જેમ પડતા જાય પાસા, એમ રમવું જોઈએ’…

  2. કુમાર જૈમિનિ શાસ્ત્રી says:

    ગીતકારની ગઝલ. તેમની અસલ લયમુદ્રા પ્રગટ કરે છે. સુંદર કાવ્યશિલ્પ. રાજીપો

  3. ખુબ સરસ મજાની ગઝલ કવિ શ્રી ને અભિનંદન

  4. ખુબ સરસ ગઝલ, ગમી.

  5. Minal Oza says:

    સરલ બાનીમાં વહેતી ગઝલે કવિનો ઉદ્દેશ પાર પાડ્યો છે. અભિનંદન.

  6. મસ્ત મજાની ગઝલ…

    આજે તો વળી કવિનો જન્મદિવસ પણ! કવિશ્રીને જન્મદિવસ પર અઢળક મબલખ વધામણાં…

  7. ભદ્રેશ વ્યાસ"વ્યાસ વાણી" says:

    વાહ ભૈ વાહ,
    ખરેખર મન હરી લીધું.
    ઊંઘવા ટાણે ગણગણવા જેવી ગઝલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: