મીનાક્ષી ચંદારાણા ~ છલકતા ફરે * Minaxi Chandarana

છલકતા ફરે ચોક, છત ને છજાં
ગઝલમાં પલળવાની કેવી મજા !

ચુનર આંહી કોરી તો કોની રહે ?
ઝરે રંગ છંદો, ન પૂછે રજા.

નગર બ્હાર જાતાં જડયાં જંગલો
છું હદપાર, કેવી મજાની સજા !

ઊડ્યાં મનભરી અંતહીન આ નભે
અમે છોડી સરહદ, વળોટયાં ગજા !

અદબભેર મસ્તક નમાવો, સુજન
અહીં શબ્દની ફરફરે છે ધજા.

મીનાક્ષી ચંદારાણા   

આખીયે ગઝલ શબ્દની ધજા ફરકાવતી અડીખમ ઊભી છે, અહીં દબદબાભેર શબ્દની પ્રતિષ્ઠા થઈ છે ત્યારે એના સન્માનમાં અદબભેર માથું નમાવવાની મજા કૈંક ઓર છે. કોઇની ચુનર કોરી રહેવાનું સંભવ નથી કેમ કે મહિમાવાન શબ્દની વર્ષાથી ભાવવિશ્વના ચોક, છત ને છજા સુદ્ધાં પલળી ગયાં છે. છંદો રંગ વરસાવે છે. લય નૃત્ય કરે છે. આનંદ અપરંપાર છે અને એ જ વહેંચવાનો છે એટલે કોઇની રજા લેવાની જરૂર રહી જ ક્યાં ? વ્યક્તિ માત્રને પ્રકૃતિ પોતાની ગોદમાં સુખ જ સુખ આપે ! કોઈને લેતાં ન આવડે તો એ એની મર્યાદા છે પણ કુદરત ભેદભાવ રાખતી નથી. ગઝલના ત્રીજા શેરમાં આ શાશ્વત સત્યની રજૂઆત કેવી સરસ રીતે થઈ છે ! નગર બહાર જતાં જંગલોએ રોકી લીધા ! આપોઆપ શહેરથી હદપાર થવાનો આનંદ ! ‘હદપાર’ શબ્દ નકારાત્મક હોવા છતાં અહી ગુલમહોરની માફક ખીલી ઉઠ્યો છે.

સાભાર : ‘સાંજના સૂને ખૂણે’ કાવ્યસંગ્રહ 

7.12.20

Purushttam Mevada, Saaj

13-04-2021

માનનિય મીનાક્ષીબેનની ગઝલ સુંદર રીતે પ્રકૃતિ અને ભાવને સંવર્ધિત કરે છે.

2 Responses

  1. ગુલામ અબ્બાસ નાશાદ says:

    બહુ સરસ

  2. Himadri Acharya Dave says:

    વાહહ.. ખૂબ જ સરસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: