ખલીલ ધનતેજવી ~ તમે મન મૂકી વરસો * Khalil Dhantejavi

તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,
અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.

કહો તો માછલીની આંખમાં ડૂબકી દઇ આવું,
પણ આ છીછરું ખાબોચિયું આપણને નહીં ફાવે.

તું નહીં આવે તો એ ના આવવું પણ ફાવશે અમને,
ઘરે આવી, તારું પાછું જવું, આપણને નહીં ફાવે.

તને ચાહું, ને તારા ચાહનારાઓને પણ ચાહું ?
તું દિલ આપી દે પાછું, આ બધું આપણને નહીં ફાવે

તમાચો ખાઈ લઉ ગાંધીગીરીના નામ પર હું પણ,
પણ આ પત્નીને બા સંબોધવું, આપણને નહીં ફાવે.

~ ખલીલ ધનતેજવી

માત્ર સભાને ડોલાવતી જ નહીં, સદાય સૌના દિલ ડોલાવતી ગઝલ….

આજે કવિના જન્મદિવસે એમની સ્મૃતિવંદના સાથે….

12.12.21

***

સુરેશ ચંદ્ર’ રાવલ

13-12-2021

ખલિલસાહેબની ગઝલ વિષે કહેવું જાણે સૂરજને દીવો ધરવો. ચાસણીમાં ઝબોળેલી આખી ગઝલ… ગાંધીને પણ લપેટી લીધાં શેરમાં… તેમનાં રદીફ કાફિયા જાણે બોલચાલની ભાષા….ખૂબ સુંદર ગઝલ

છબિલભાઈ ત્રિવેદી

13-12-2021

આજે ખલીલસાહેબ ના જન્મદિવસ પર તેમની રચના ખુબસરસ તમાચો ખાઈ લવ ગાંધી ગીરી ના નામ પર પણ પત્ની ને બા કહેવુ આપણ ને નહી ફાવે,,, વાહ ભાઇ વાહ હેલી ના માણસ ને માવઠુ કયાંથી ફાવે અદભુત રચના ખુબ ખુબ અભિનંદન

સાજ મેવાડા

13-12-2021

મા. ખલિલજીની આ ગઝલ મુશાયરામાં કેટલી તાળીઓ ઊઘરાવતી એ જાતે હાજર હોય એને જ ખબર હોય. હાર્દિક શ્રધાંજલિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: