દેવેન્દ્ર પાલેજા ‘ઉશના’ ~ આડા નડયા, ઊભા નડયા * Devendra Paleja

રસ્તા નડયા

આડા નડયા, ઊભા નડયા, ના તો કોઈ અવળા નડયા;
તારી ગલીના સાવ સીધા ને સરળ રસ્તા નડયા.

મારે તો ભીંજાવું હતું તરબોળ તારા નેહમાં,
ગાજ્યા ઘણા, વરસ્યા નહીં, આ મેહના ચાળા નડ્યા.

વહેતી નદીને જોઈને દરિયાના જાગ્યા ઓરતા,
એક ખીણની મૂંગી ચીસોના એમને પડઘા નડ્યા.

કાંટાની સાથે બે ઘડી અમથી કરી જો દિલ્લગી,
તો લો, હવે ફૂલો તણાં આ કાયમી રૂસણાં નડ્યાં.

અમૃત મળ્યું કે વખ મળ્યું, કોને ખબર કે શું મળ્યું,
પીધા કરું છું મોજથી, ક્યાં કોઈના વાંધા નડ્યા.

સર્વત્ર તારી હાજરી ને ક્યાંય તું દેખાય ના,
શું આંખને મારી નજરના ધુમ્મસી પડદા નડ્યા.

છે આમ તો બહુ બોલકા શબ્દો ગઝલના શે‘રના,
બે-ચાર એમાંના મને મૂંગા અને બહેરા નડ્યા.

~ દેવેન્દ્ર પાળેજા ‘ઉશના’ (9.4.1930 )

કાવ્યસંગ્રહ ‘લાગણીના મૃગજળ’

2 Responses

  1. ખુબ સરસ રચના

  2. વાહ, સરસ ગઝલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: