ચંદ્રા શ્રીમાળી ~ બે કાવ્યો * આસ્વાદ : Lata Hirani

અમારો એક અંગૂઠો તમે કાપી લીધો તો શું થયું ?
અમારી આંગળીઓ નર્યા વજ્રની બનાવી દીધી છે
તમે જ ઓ નરાધમો
વર્ષો વેઠ કરાવી કરાવી
આભડછેટ ને અત્યાચારના દલદલમાં ફસાવી
તેથી જ સ્તો હવે,
અપમાન સહી સહીને
અમારા સમગ્ર અસ્તિત્વની ચેતના
આવીને અટકી ગઇ છે
અમારી આંગળીઓમાં
કરી લો પૂરી નવ્વાણું ગાળ
એથી આગળ હવે, એકેય ગાળ નહીં જાય
સો નો આંકડો ક્યારેય પૂરો નહીં થાય
વછૂટશે અમારી આંગળીએથી હવે
સુદર્શનચક્ર
જેટની ઝડપે ને શિશુપાળનું શીશ ?
ધડથી અલગ, ખર્ ર્ ખચ્ચ.. 

~ ચંદ્રા શ્રીમાળી (મિજાજ)

ઓ પામર પુરુષ !
મિથ્યા કરે ગુમાન તું તારા બુંદ પર
એ તો હવે સ્પર્મબેંકના સેફ ડિપોઝીટ વૉલ્ટમાં
છૂપાઇને બેઠા છે ચૂપચાપ

ને રાહ જોઇ રહ્યા છે કોઇ દાતાર નારીની
જેની કૂખે – ભાડૂતી કૂખે અવતરવાનું તારું ભાગ્ય !

ક્યારે જાગશે કોને ખબર? ને તોયે તું કરે અભિમાન !
કહે તો ખરો કઇ બહાદૂરી ઉપર ?
હે મૂરખ, હવે તો સુધર !
કર અત્યાચાર-અનાચાર બંધ ઓ સુવર !

અખિલ બ્રહ્માંડમાં તુંય છે એક પામર જંતુ
સ્ત્રીને ના સમજીશ તું, શૈયાનો તંતુ
જોઇશ જ્યારે તું એને માત્ર માનવી તરીકે
ત્યારે જ તારી મનશલ્યાનો
થશે ઉદ્ધાર ઓ અર્વાચીન અહલ્યા !

હજીયે સમય છે સુધરવાનો
નહીં સમજે તો સબડવું પડશે,
સ્પર્મબેંકના સેફ ડિપોઝીટ વૉલ્ટમાં…  

~ ચંદ્રા શ્રીમાળી

દલિત ચેતનાના કવિ ચંદ્રા શ્રીમાળીના આ અછાંદસ કાવ્યમાં વિદ્રોહનો મિજાજ વર્તાય છે. દલિતોની પીડા સદીઓ સુધી ધરતીમાં ધરબાયેલી રહી. પેઢીઓ અને પેઢીઓ સુધી દલિત વર્ગે વૈતરા સિવાય કંઇ જોયું નહીં અને એ પછીયે પેટ ભરીને બે ટંકની રોટી એના નસીબમાં નહોતી. આભડછેટ અને બીજા અત્યાચાર જુદા. અંતે એણે માથું ઉંચક્યું. ગાંધીજીએ એમને હરિના જન ‘હરિજન’ કહ્યા. એમણે વેઠવી પડતી ગંદકીથી એમના છૂટકારાનો રસ્તો ચીંધ્યો. બાબાસાહેબ આંબેડકર તો એમને માટે જીવન સમર્પીને ઊભા રહ્યાં.

દલિત જાતિ હવે એ એકલવ્યની જેમ અંગૂઠો ધરી દેવા સહેજે તૈયાર નથી અને હોવું પણ ન જોઇએ. જરૂર પડ્યે અંગૂઠો લેવા માટેય એણે શસ્ત્ર ઉપાડવાનું છે. જો કે અહીં કવિ એથીયે ઘણું આગળ જાય છે અને એ જ જવાબ છે. એમની આંગળીઓ વેઠ કરી કરીને, વજ્ર જેવી કઠોર બની ગઇ છે. એ હવે કંઇ પણ કરી શકે છે. અંગૂઠો ન હોય તોય એ અત્યાચારનો સામનો કરવા, વળતો પ્રહાર કરવા સક્ષમ છે. કહેવાતા સભ્ય સમાજે એમની ઉપર વીતાડવામાં, એમનું શોષણ કરવામાં કંઇ બાકી નથી રાખ્યું એટલે જ એને ‘નરાધમ’ કહીને સંબોધે છે.

ભગવાન કૃષ્ણે શિશુપાલની નવ્વાણું ગાળ સહી લીધી અને પછી હદ વટાવતાં એનો વધ કર્યો એમ જ આ દલિત સમાજની સહનશીલતાની હદ આવી ગઇ છે. નવ્વાણું ગાળ તો ક્યાંય ઓછી પડે એટલી હદે એમણે અત્યાચાર અને અપમાન સહ્યાં છે. ત્રીજું લોચન ખુલી ચૂક્યું છે. હવે જેટની ઝડપે એમનું સુદર્શનચક્ર છૂટશે અને એમને પીડનારનું માથું ખચ્ચ કરતું ઉતારી લેશે.. કવિનો અસલી મિજાજ આ વિદ્રોહી કવિતામાં હુંકાર બની ફરી વળ્યો છે..

આ કે આવી કવિતા હવે ‘દલિત સમાજ’ના લેબલની બહાર છે. કોઇપણ શોષિત વર્ગની વેદનાને એ વાચા આપે છે. એક સમય એવો હતો જ્યારે જ્ઞાતિપ્રથાને કારણે સવર્ણ અને અસ્પૃશ્યોના ભેદને કારણે આવી મોટી ખાઇ નિપજી હતી. હજીયે ખાઇઓ તો છે, અત્યાચાર અને લાચારી પણ છે. નામ બદલાયાં છે, રૂપ બદલાયાં છે. જ્યાં સુધી એક માનવી બીજા માનવીને સમજવામાં માત્ર માનવીય અભિગમ નહીં અપનાવે ત્યાં સુધી જુદાં જુદાં નામો હેઠળ દિવાલો અને ખાઇઓ જન્મતી રહેવાની..

કવિએ માત્ર દલિતો માટે જ કલમ નથી ઉઠાવી. સ્ત્રી પણ દલિતસમાજનો જ એક ભાગ છે અને એ માટે પણ એમણે આક્રોશ અને કટાક્ષ વેર્યા છે. જુઓ એમનું બીજું કાવ્ય.

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 137 > 20 મે 2014

4 Responses

  1. બન્ને કાવ્ય ખુબ સરસ

  2. Minal Oza says:

    વિદ્રોહ વ્યાજબી છે. માણસની વ્યક્તિત્વનો સ્વીકાર હોવો જોઈએ.લતાબહેન કહે છે એમ પછી એ રચનાને કોઈ ચોકઠામાં મૂકવાની જરૂર જ નથી રહેતી. ધન્યવાદ.

  3. Kirtichandra Shah says:

    સ્ત્રી પણ દલિત સમાજ no એક ભાગ છે:Ohh Ohh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: