‘કાવ્યવિશ્વ’ની સફર – લતા હિરાણી * Lata Hirani
‘કાવ્યવિશ્વ’ની સફર – લતા હિરાણી
મૌન ઉંચકતી આંગળીઓ ને ટેરવાં ચૂપચાપ
જામ્યો ‘તો જીવમાં જાણે કેટલો ઉત્પાત !
હળવે હળવે પ્રગટયાં એ, જે અંદરના મંતર
રગ રગ મારી બાજયા રાખે, રણઝણનાં જંતર.
કાવ્યની કેડી ક્યાંક મારા આગલા જનમથી કોતરાયેલી હશે, નહીંતર આગળ પાછળ ક્યાંય, કાવ્ય તો શું, સાહિત્ય સાથેય નિસ્બત ન હોય એવા વાતાવરણમાં જન્મ્યા ને જીવતા હોઈએ એવામાં કવિતાને ઝંખ્યા કરવું, એ અંદર ઊંડે દટાયેલા બીજ હશે, સમય આવતા જેના અંકુર ફૂટી નીકળ્યાં!
સમજણ આવી ત્યારથી કવિતા પ્રિય છે. કવિતા સાથેની દોસ્તી શ્વાસના પ્રવાસને નર્યા આનંદથી ભરી દે છે. મારા આ પ્રવાસમાં સંગાથ પણ એવો જ હૂંફાળો ! દિવસે ઝાંખરાંથી બચાવે ને રાતે દીવો ધરે. સતત મારી સંભાળ લીધા કરે. મારા પોતાનો પરિવાર, પતિ-સંતાનો અને મિત્રો, હંમેશા સૌનો સાથ-સહકાર હું પામી છું. એક જાહેર મુલાકાતમાં મેં કહ્યું હતું કે ‘ઈશ્વરની મારા ઉપર વિશેષ કૃપા રહી છે. મારે કોઈ સંઘર્ષ નથી કરવો પડ્યો. મને લગભગ બધું જ ઇચ્છ્યા પ્રમાણે વહેલું-મોડું પણ મળ્યું છે. I am a blessed lady ! એમાં જ લો, આ ‘કાવ્યવિશ્વ’ મારી સામે ઉઘડી આવ્યું. હવે એ યાત્રા શરૂ થાય છે.
થોડીક મારી પોતાની વાત કરું. જીવનમાં કવિતાની શરૂઆત કંઈક આમ થઈ હતી. મારી કોલેજ – પોરબંદર આર્ય કન્યા ગુરુકુળ મહિલા કોલેજના પ્રો. અરવિંદ પટેલસરે મને કોલેજના મેગેઝીન માટે લેખ લખવા કહ્યું. મેં લેખની સાથે કવિતા પણ આપી. સોળ વર્ષની મુગ્ધ વયે પહેલી કવિતા હિંદીમાં લખાઈ ! એને ઈનામ પણ મળ્યું. આમ લેખનની શરૂઆત આ બંનેથી થઇ. લગ્ન પછી પૂરા અઢી દાયકાનો વિરામ આવ્યો. યાત્રા ફરી શરૂ થઇ 1998માં અને ત્યારથી આજ સુધી ગદ્ય-પદ્ય સાથે જ ચાલે છે.
ગૃહિણીની ભૂમિકામાંથી જરાક મોકળાશ મળી અને બહાર ડોકિયું કર્યું ત્યારે ‘કાંઇક કરવું છે’ એટલું જ મનમાં રમે. એટલે જ્યાં રસ્તો દેખાયો ત્યાં ચાલવા માંડ્યું. શરૂઆતના અનેક પુસ્તકો પણ ગદ્યમાં જ થયાં. 2000માં પ્રકાશિત થયેલું પુસ્તક ‘ઉજાસનું પ્રથમ કિરણ’, જે ત્રણ એવોર્ડથી પુરસ્કૃત થયું. ‘સ્વયંસિદ્ધા’ ડો. કિરણ બેદી વિશેનું પુસ્તક ખુદ કિરણ બેદીજીએ વધાવ્યું. ‘ધનકીનો નિર્ધાર’ રાષ્ટ્રીય કક્ષાએ પોંખાયું. બાળવાર્તાઓના ચાર પુસ્તક અને બે કાવ્યસંગ્રહ થયા, ‘ઝળઝળિયાં’ અને ‘ઝરમર’. આજે આ લખી રહી છું ત્યારે, મારી લગભગ બાવીસ વર્ષની સાહિત્યયાત્રાના પડાવે, મારા પ્રકાશિત પુસ્તકોની સંખ્યા અઢાર થઈ છે અને છ પુસ્તકોનું મેટર પ્રેસમાં જવા માટે તૈયાર છે. સંતોષ અને આનંદથી મન ભર્યું છે.
દિવ્ય ભાસ્કરમાં 2007માં લઘુકથાની કૉલમથી નિયમિત લખવાનું શરૂ કર્યું હતું. 2011થી ‘કાવ્યસેતુ’ કૉલમમાં કાવ્યના આસ્વાદો લખવાની તક મળી, જે જૂન 2020 સુધી ચાલી. ગદ્યમાં સારું એવું કામ કર્યા પછીયે મારું મૂળ જોડાણ કાવ્ય સાથે રહ્યું છે કેમ કે કવિતાએ જે આનંદ આપ્યો છે એ કંઈક અલગ જ છે. એટલે મનમાં જાગ્યું કે આ ક્ષેત્રમાં કંઈક કરવું છે.
સહૃદયતા એ સર્જનનું બળ અને સર્જકનો ગુણ છે. માત્ર કોરોના મહામારી જ નહીં, પણ મૂલ્યહ્રાસને કારણે માનવજાતનું ભવિષ્ય શું હશે એ કલ્પી શકાય એમ નથી. આજે ભૌતિક સમૃદ્ધિ વધી છે અને આંતરસત્વ ઘટ્યું છે. આ આંતરસત્વનું પોષણ-સંવર્ધન પરોક્ષ રીતે કલા દ્વારા થતું રહે છે. કોઈપણ સમયે સમાજની સંવેદનાને સંકોરવામાં સાહિત્યકલા અગ્રસ્થાને રહી છે. ક્યારેક કથાસાહિત્યનું પ્રાધાન્ય રહ્યું તો ક્યારેક કવિતાનું. થોડા દસકાઓ પહેલાં ટી. એસ. એલિયટે એમ કહ્યું હતું કે નવલકથા મૃત્યુ પામી રહી છે. એ પછી એડમંડ વિલ્સને કવિતા માટે આવી જ વાત કરી. આપણે જાણીએ છીએ કે આવું કશું થયું નથી. આ યુગ કવિતાનો કહી શકાય. આપણા ઋષિમુનિઓએ કાવ્યને ‘બ્રહ્માનંદ સહોદર’ સાચું જ કહ્યું છે. એક સુંદર કાવ્ય અદભૂત આનંદ નિપજાવે છે. કાવ્યકલા ઉત્કૃષ્ટ હોય તો પીડાનું કવન પણ ઊંડે સુધી સુખ પ્રસારે. થોડા શબ્દોમાં હૃદયની આરપાર ઉતરી જવાની કે જીવનનું સત્ય સચોટ રીતે સમજાવવાની તાકાત માત્ર કાવ્ય પાસે છે. આજે આપણે એ પણ જોઈએ છીએ કે કવિતાના વિષયો પણ અત્યંત વ્યાપક બન્યા છે. માત્ર રોમાંટીસીઝમમાંથી બહાર નીકળી કવિતા અનેક ફલક પર પથરાઈ છે. લોકો પાસે મોટાભાગે લાંબુ વાંચવાનો સમય નથી અને કોરોના મહામારીએ મીડિયાને ખૂબ વ્યાપક રૂપ આપ્યું છે ત્યારે આ માધ્યમમાં પણ કવિતા એ સૌથી લોકપ્રિય કલા બની ગઈ છે.
કવિતા ક્ષેત્રે શું કરવું એના અનેક વિકલ્પોને અંતે આ કોરોના અવકાશે દિશા સ્પષ્ટ કરી. નેટજગતની અનેક મુલાકાતો પછી, કાવ્ય સંબંધિત તમામ બાબતો આવરી લેવાઈ હોય એવી ગુજરાતી વેબસાઇટ મને મળી નહીં. સંસ્થાઓની વેબસાઇટમાં કવિઓનો પરિચય, એમના પુસ્તકો વગેરે માહિતી મળે પણ એમાં એમનાં કાવ્યોનો સમાવેશ ન હોય. એને અપડેટ કરવાની બાબતમાં અત્યંત નિરાંત જોવા મળે. જેમ કે એક જાણીતી વેબસાઇટ પર એક કવિના ચાર પુસ્તકો મને મળ્યા. વધુ તપાસ કરી તો જાણવા મળ્યું કે એમના કુલ ચાલીસ પુસ્તકો પ્રકાશિત થયેલાં છે ! વળી આવી વેબસાઇટ માત્ર સુપ્રસિદ્ધ કવિઓને જ આવરે. આ સિવાય અન્ય જાણીતી વેબસાઇટ પર – ક્યાંક જાણીતા અને નવ્ય કવિઓના સરસ કાવ્યો અને આસ્વાદો મળે. ક્યાંક માત્ર અનુવાદિત કવિતાઓ રજૂ થાય. ક્યાંક કવિતા સાથે સંગીત પણ પ્રાપ્ત થાય. કવિઓની પોતાની વેબસાઇટમાં સ્વાભાવિક રીતે, એમની પોતાની જ રચનાઓ હોય. એ સિવાય નેટવિશ્વ અને બ્લોગ જગત કાવ્યોથી છલકાય છે, જેમાં જે તે લોકો પોતાની પસંદગીના કાવ્યો પીરસે છે. આમ આ શોધયાત્રાનું સુફળ એ આવ્યું કે મારે જે કરવું હતું એ દિશામાં આગળ જવા માટે મારો ઉત્સાહ વધી ગયો. જેમાં કાવ્ય સંબંધી લગભગ તમામ ગતિવિધીઓનો સમાવેશ હોય એવી વેબસાઇટ બનાવવાની મારી તૈયારી શરૂ થઈ.
વેબસાઇટનું નામ ‘કાવ્યવિશ્વ’ નક્કી કર્યું, ડોમેન ખરીદ્યું. એના વિભાગો નક્કી કર્યા. વેબસાઇટ ડેવલપરને કામ સોંપી આયોજન અને તૈયારી શરૂ કર્યા. એકલાં પહોંચી વળવું અઘરું હતું પણ જ્યાં સુધી આ કામ લોકો સામે રજૂ ન થાય ત્યાં સુધી કોઇની મદદ લેવી તો કેવી રીતે લેવી ? લગભગ બે-ત્રણ મહિના એકલાં મહેનત કરી. થોડોક આકાર આપી શકાયો પછી કોઈ નામ પાડ્યા વગર થોડા લોકો પાસે મદદ માંગી. મળી જ. ડો. પ્રવીણ દરજીએ અછાંદસ સ્વરૂપ પર એક લેખ લખી આપ્યો. ડો. જવાહર બક્ષીએ નરસિંહ મહેતા પરના લેખ માટે વિસ્તૃત વિગતો આપી. કવિ સંજુ વાળાએ ગીતસ્વરૂપ પર લેખ આપ્યો. મીનાક્ષી ચંદારાણા, સંધ્યા ભટ્ટ અને કાલિંદી પરીખ આ ત્રણેય સખીઓએ અનુક્રમે ગઝલ, સોનેટ અને પ્રાચીન ભક્ત કવયિત્રીઓ પર લેખ આપ્યા. કવિઓના કવિકર્મ અંગે લેખો તૈયાર કરવામાં જાણીતા સન્માનનીય કવિઓએ તરત સહકાર આપ્યો. હજુ તો થોડા કવિઓ સુધી જ હું પહોંચી શકી છું. હવે કામ આગળ ચાલ્યા કરશે. આ સૌનું હું દિલથી ઋણ સ્વીકારું છું.
આ વેબસાઇટ માટે શીર્ષકફોટો ફોટોગ્રાફર શ્રી સત્યદેવ હિરાણીની સુંદર ક્લિક છે.
હવે એના પૃષ્ઠો વિશે વાત કરું જેમાં નીચેની બાબતો સમાવવામાં આવશે (કાવ્ય, લેખ, ફોટા, ઓડિયો, વિડીયો)
- સંવાદ : સમસામયિક લેખો. અન્ય ભાષાના ખ્યાતનામ કવિઓ તથા કાવ્યજગતમાં બનતી નોંધપાત્ર ઘટનાઓ અંગે,
- સેતુ : A. કાવ્ય સંબંધિત રસપ્રદ અને નોંધપાત્ર બાબતો
- સર્જન : નિયમિત એક કવિતા. પ્રાપ્ય હશે તો સાથે કવિનો ફોટો અને કાવ્યગાયન
- અનુવાદ : ગુજરાતીમાંથી અન્ય ભાષામાં અને અન્ય ભાષાઓમાંથી ગુજરાતીમાં અનુવાદિત કાવ્યો
- આસ્વાદ : પસંદગીના કાવ્યોના આસ્વાદો
- સર્જક : કવિઓના પરિચય લેખો, મુલાકાત અને કવિકેફિયત
- સ્વરૂપ : અછાંદસ, છાંદસ તથા અન્ય કાવ્યસ્વરૂપો
- સંચય : સુપ્રસિદ્ધ કવિઓના હસ્તાક્ષર, એમના હસ્તાક્ષરમાં એમનું કાવ્ય, સ્મરણીય ફોટાઓ…
- સંગ્રહ : કાવ્યવિશ્વને ભેટ મળેલા કાવ્યસંગ્રહોની યાદી
- સાંપ્રત : સમયાનુસાર
- સંપર્ક : સંપાદક વિશે
તો મિત્રો આ છે ‘કાવ્યવિશ્વ’નું સ્વરૂપ. મનમાં એટલું સ્પષ્ટ છે કે આ કામ સહિયારું બનાવવું છે. ટીમવર્ક વધારે ઉપયોગી બને અને આશા છે જ કે મિત્રો આ યજ્ઞકાર્યમાં જોડાશે. બધા જ વિભાગ સમયાંતરે અપડેટ થતા રહેશે.આ આખો પ્રોજેકટ કોઈપણ રીતે વ્યવસાયી નથી. માત્ર કવિતા માટેના પ્રેમથી આ તૈયાર કર્યું છે.
આપ આ વેબસાઇટની મુલાકાત લેતા રહેશો અને પ્રતિભાવ આપતા રહેશો તો એ પણ અમારો ઉત્સાહ વધારવા માટેનું આપનું યોગદાન જ છે. નીચેના ઈમેઈલ પર આપના સૂચનો અને પ્રતિભાવની અપેક્ષા છે.
‘નવગુજરાત સમય’, ‘ગુજરાત ટુ ડે’ તથા ‘અનન્ય સીટી’ સુરત દ્વારા અમારા આ સાહસની નોંધ લેવાઈ છે એનો ખૂબ આનંદ અને ગૌરવ છે. ત્રણેય દૈનિકના તંત્રી અને ટીમનો હૃદયપૂર્વક આભાર.
સૌનો ખૂબ ખૂબ આભાર.
લતા હિરાણી
OP 9.10.2020 & 1.3.2021


‘ગુજરાત ટુ ડે’ દૈનિક 21.10.2020

*****
Rasila Kadia
06-05-2021
લતાબેન,
કાવ્યો વાંચવા કરતા મને એનું પઠન સાંભળવું વધુ ગમે .હા,પણ તમે મને વાચનરસિયણ બનાવી દીધી,હં.
બહુ ગમ્યું તો એ કે તમે કવિઓના હસ્તાક્ષર સાચવ્યા છે અને કાવ્યોને અપાયેલો કંઠ પણ સાચવ્યો છે.
અનુવાદમાં અસલ કવિતા સાથે હોવાથી મઝા બેવડાય છે.
રસીલા કડીઆ
પૂર્વી નીસર
31-10-2020
ખૂબ ખૂબ શુભકામનાઓ, લતાબહેન!! વિરાટ કાર્ય હાથ ધર્યું છે!!
Mansukh Salla
31-10-2020
કાવ્ય વિશ્વનો નકશો વિશાળ છે અને સંભાવનાઓ અનેક છે. તમે અંતરના ઉમળકાથી આ શરૂ કર્યું છે અને હજી ખૂબ ખીલવશો તેવી આશા છે. કંઈક લખાશે તો ક્યારેક મોકલીશ.
Kalindi Parikh
24-10-2020
કાવ્યશાસ્ત્રવિનોદેન કાલોગચ્છતિનું સ્મરણ થઈ આવ્યું.આમળાને જેમ ચગળ્યા કરીએ તેમ જ ઉત્તમ સાહિત્યને ચગળતાં રહેવાથી તેની રસચર્વણા થાય છે. અભિનંદન શુભેચ્છાઓ…
Jitendra Desai
23-10-2020
હાલ ના સંદર્ભમાં માતૃભાષા ની સેવા જેવું ઉત્તમ કામ આપે હાથમાં લીધું છે તો કરતા રહેશો.ખુબ ખુબ શુભેચ્છાઓ
Parul Barot
23-10-2020
ખૂબ સરસ ઉપક્રમ સાધ્યો છે…સરાહનીય છે લતાબહેન
ડૉ. અર્જુન ગઢવી
22-10-2020
વાહ સરસ કાર્ય..તૂટતો સાહિત્ય સેતુ બાંધી આપવા આપનું આ કાર્ય ઉત્તમ લેખાશે..ખૂબ ખૂબ શુભેચ્છાઓ..
Dr.Arjun Gadhavi
22-10-2020
વાહ સરસ કાર્ય..તૂટતો સાહિત્ય સેતુ બાંધી આપવા આપનું આ કાર્ય ઉત્તમ લેખાશે..ખૂબ ખૂબ શુભેચ્છાઓ..
Rekha Sindhal
22-10-2020
Wonderful site! Wish you all the best. Proud to be your friend.
Bhupendra Mody
22-10-2020
its verynice Lataben, Congratulations. amar rahe Gujarati Kavita- gujarati Bhasha…….
Jayant Dangodara
19-10-2020
sarahniy karya…vandan lataben
કિશોર બારોટ
19-10-2020
આપની કાવ્ય સાધનાનું આ વામન પગલું વિરાટમાં પરિણાશે તેવી શ્રધ્ધાભરી શુભેચ્છાઓ
રસીલા કડીઆ
18-10-2020
રંગ રંગ તારી બાજયાહતા રણઝણતા જંતર
હળવે લીધું નક્કર રૂપ એ જે અંદરના મંતર
નિત નવા પ્રદેશે ખેડ તારી સદા હો બાહ્યાભ્યંતર
સખી પછી તું કરીલે એનું ભવ્યાતિભવ્ય ચણતર
એવી શુભેચ્છા સાથે
મણિલાલ હ પટેલ
18-10-2020
સરસ કાર્ય ! મોટું કામ છે ! મહેનત માગશે !
નિયમિતતા જળવાશે તો વાચકો વધશે ને વધુ લોકોને લાભ થશે ???? યોજના સારી છે ! ખૂબ શુભેચ્છાઓ ???? મદદ ને માહિતીની ક્યારેક જરૂર પડે તો જણાવશોજી ! ઓલ દ બેસ્ટ
પંકજ પરમાર
18-10-2020
ગુજરાતી સાહિત્યમાં કવિતા ક્ષેત્રે આ ખૂબ જ સરાહનીય કાર્ય છે. વંદન લત્તાબેન.
મારી શુભકામના.
સરલા સુતરિયા
18-10-2020
એવું સુંદર કાવ્ય વિશ્વ
અહીં મેં ઈમોજીસ મૂક્યા હતા એના ક્વેશ્ચન માર્ક્સ થઈ ગયા…
સરલા સુતરિયા
18-10-2020
ખૂબ આભાર લતાબેન કે કાવ્ય વિશ્વ સમક્ષ મને દોરી લાવ્યાં.
કાવ્ય વિશ્વનું સ્વરૂપ એટલું સ્પષ્ટ અને સહજ છે કે વાંચતા જ મનમાં સમાઈ ગયું. જે આઠ વિષયો તમે નિયત કર્યાં છે તે પણ કાબિલેદાદ છે. નિયમિત મુલાકાત લેવી ગમે એવું સુંદર કાવ્ય વિશ્વ
Prof. Kaladhar Arya
18-10-2020
સ્વયંસ્પષ્ટ સંકલ્પના સાથે આરંભ પામેલું “કાવ્યવિશ્વ” વિશ્વપટલ પર પદચિહ્નો અંકિત કરે તેવી અનેકાનેક શુભકામનાઓ,…
દક્ષા બી.સંઘવી
18-10-2020
ખુબ જ સુંદર ઉપક્રમ લતાબહેન. સમયોચિત પણ ખરું.તમે પસંદ કરેલા વિભાગોમાં તમારા કવિતા પ્રેમની સાથોસાથ આયોજન-સંપાદન ની સૂઝ નજરે ચડે.ખુબ ખુબ ધન્યવાદ શુભકામનાઓ
Bharti Rane
18-10-2020
તમારું સપનું સાકાર થઈ રહયું છે, તેના અભિનંદન અને અંતરની શુભેચ્છાઓ
Gunvant Vyas
18-10-2020
તમારા આ ગમતા સાહસ માટે અઢળક શુભેચ્છાઓ
ડૉ. કનૈયાલાલ ભટ્ટ
13-04-2021
લત્તાબહેન, ખૂબ સારું કામ કરી રહ્યા છો. ઈન્ટરનેટ યુગ પહેલાના કવિઓ ને એમની કવિતાઓને સોશિયલ મીડિયા ઉપર લાવીને તમે નવી ફેવૉ (ફેસબૂક-વૉટ્સપ ) પેઢીને પણ સાચા કાવ્યની સમજ આપી રહ્યા છો એ રીતે આ સરસ કાર્ય છે.
ડૉ. કનૈયાલાલ ભટ્ટ
સુધીર પટેલ
13-04-2021
ખૂબ સુંદર અને રસપ્રદ સાહિત્ય અને સ્વરાંકન પીરસતી વેબ-સાઈટ! અઢળક અભિનંદન સાથે શુભેચ્છાઓ!
પ્રફુલ્લ પંડ્યા
13-04-2021
કાવ્ય વિશ્વ એક વૅબસાઈટ બની ગ ઈ છે અને એ પણ અતિ ટૂંકા ગાળામાં !કારણ એમાં પીરસાતી ગુણવત્તાસભર અને ઉચ્ચ પસંદગીની સાહિત્ય કૃતિઓ ! ટપાલ યુગ પૂરો થયો.વાયર યુગ પૂરો થયો.લેન્ડલાઈન ટેલિફોન યુગ પણ પૂરો થયો.હવે મોબાઈલ અને ડિજિટલ યુગમાં આ વેબસાઈટ ગણતરીની મિનિટોમાં કે કલાકોમાં એક આખ્ખું સાહિત્ય સામાયિક વાંચી લેવાની તક-સુવિધા પૂરી પાડે છે.પ્રિન્ટ મિડિયા ” નિરાંતે વાંચીશું ” અને “અરે! એ તો વાંચવાન રહી ગયું ” જેવી સ્થિતિ સર્જે છે પરંતુ અહીં બધું ફટાફટ વંચાય છે અને ડિલીટ થાય છે. અને એ પણ સાપ્તાહિક, પખવાડિક કે માસિક ધોરણે નહીં પણ રોજેરોજ !કાવ્યવિશ્વ એ રીતે એક અનોખો ડિજિટલ રીડીંગનો અનેરો અનુભવ કરાવે છે.આવા સુંદર સાહસ માટે શ્રી લતાબેન આપને હાર્દિક અભિનંદન ધટે છે !
ઉર્વી પંચાલ
13-04-2021
ખુબ સરસ રચનાઓ માણવા મળી.લતાબેન અભિનંદન આપને આટલા સરસ કવિઓ અને તેમની રચનાઓને માણવાનું એક સરસ પ્લેટફોર્મ પૂરુ પાડ્યું..સાભાર વંદન🙏
સુચિતા કપૂર
13-04-2021
“કાવ્ય વિશ્વ” એકલ વિરની જેમ, દિવસના દસ બાર કલાકો નું અવિરત કાર્ય, દિવસો નો અથાક પરિશ્રમ, શિસ્ત બધ્ધ અને પ્લાન્ડ રોજનીશી, એક મક્કમ નિર્ધાર સાથે થયેલું સુંદર સર્જન એટલે લતા તારું આ કાવ્ય.
આ કહી શકું કેમકે આ સર્જન ની ક્ષણોની સાક્ષી છું.
અત્યંત સુંદર વિભાગો, તારી વિચારશીલતા ના પરિપાક.
સાહિત્ય રસિકો સાહિત્યના ખેરખાંઓ સિવાય આગળ જતા સાહિત્યના વિદ્યાર્થીઓ અને રસિકો માટે કાવ્ય વિશ્વ માહિતીનો ખજાનો બની જશે એમાં કોઈ શક નથી…
નામ સાર્થક થયું છે…. સુચિતા કપૂર
બકુલેશ દેસાઇ
13-04-2021
વવાહ.. કાવ્ય સાહિત્યનાં વિવિધ પ્રકારોની ખૂબ જ સરસ ને વિશદ છણાવટ થઈ છે.સહુ કોઈ કાવ્યઉપાસકો ને ભાવકોને ઉપયોગી વાત અહીં થઈ. છે. આ આખા પ્રકલ્પ સાથે જોડાયેલ સહુ કોઈને ધન્યવાદ…શુભેચ્છાઓ
પ્રફુલ્લ પંડ્યા
13-04-2021
કાવ્ય વિશ્વ એ અનેક રીતે વિશિષ્ટ અને વિશ્વ સ્તરની વિશ્વસનીય વેબસાઈટ બની રહી છે અને તેમાં સંપાદિત થતી ઉચ્ચ કક્ષાની સાહિત્ય સામગ્રીને કારણે અત્યંત વાંચનપ્રદ અને આસ્વાદ્ય બની રહે છે.ગુજરાતી સાહિત્યની પ્રશસ્ત કૃતિઓ સાથે વર્તમાન સર્જનવિશેષો અને નવોદિત સર્જકોને આવરી લેતી આ વેબસાઈટ એક સંપૂર્ણ મેગેઝિનની ગરજ સારે છે.નિતનવી સર્જનાત્મક કૃતિઓનાં સંપાદન માટે શ્રી લતાબેન હીરાણીને હાર્દિક અભિનંદન ધટે છે
સંધ્યા ભટ્ટ
13-04-2021
જુદાં જુદાં સ્વરુપ વિશે તમે સરસ અને ઉપયોગી માહિતી આપો છો.બરાબર એ જ રીતે કવિઓની કવિતા અને તેમના સ્વરાંકનોને પણ આપો છો.આભાર આપનો…
કિરણ ભાટી
13-04-2021
પહેલા મને લયસ્તરો, ટહુકો.કોમ વાંચન માટે ખૂબ ઉપયોગ નિવડતું. ને હવે એમની સાથે આ કાવ્યવિશ્વનો પણ ઉમેરો થયો છે. બધાને એકસાથે ને બધા જ કાવ્યપ્રકારોને સમાવતું આવું કાર્ય ખરેખર કાબિલે તારીફ છે. આપનો દિલથી આભાર લતા હિરાણી મેમ કે તમારું મંથન ને અધ્યન અમને પણ એટલું જ મંથન ને અધ્યન કરાવા ઉપયોગી નીવડે છે. હું કાયમ આપ શ્રીના શબ્દોનો ચાહક રહ્યો છું. મેં આપના સંગ્રહ વાંચ્યા નથી. પણ ઇચ્છા છે ખરી એ પણ હવે પુરી કરીશું. આપની રચના પણ મેં નહિવત વાંચી છે. પણ, મેં દિવ્ય ભાસ્કરમાં આવતી આપની કોલમ કાવ્યસેતુ નિયમિત વાંચું છું. એમાં આવતી કાવ્યરચના ને આસ્વાદ બહુ ગમે છે ને એ હવે અહીં અલગ જ માધ્યમે સાંપડે છે એનો અતિ અતિ આનંદ છે.
બસ આમ જ મારા જેવા શબ્દ-ચાહકને શબ્દો પીરસતા રહો એવી કામના.
ડો. કેશુભાઈ દેસાઇ ગાંધીનગર
13-04-2021
આશ્ચર્યની વાત એ કે એક પણ રચના ક્લિષ્ટ નથી.બધી જ સાંગોપાંગ આસ્વાદ્ય અને સંતર્પક. પેલો દીકરો એના પપ્પાએ રચેલી સંઘેડાઉતાર ગઝલ કેટલી સરસ રીતે રજૂ કરે છે! લતાબેન, તમે માતૃભાષા માટે એક ખરેખર કરવા જેવું કામ કરી રહ્યાં છો.અભિનંદન તો ચવાઈ ગયેલો શબ્દ છે.વંદન જ કરવાં રહ્યાં… કેશુભાઈ દેસાઈ ગાંધીનગર
સમીર ભટ્ટ
13-04-2021
સરસ ઉપક્રમ છે….રચનાઓની પસંદગી સર્જક અને વાચક બન્નેને ગૌરવ અપાવે એવી છે.
Meenakshi Chandarana
13-04-2021
ગુજરાતી કાવ્યસાહિત્ય માટે એક ભગીરથ કહી શકાય એવું કાર્ય તમે ઉપાડ્યું છે. કાવ્યો વિશેની સ્વરૂપગત માહિતી, સુંદર કાવ્યો, કવિઓ વિશેના લેખો, આસ્વાદ અને સંગીત-કાવ્યની લીંક…. શું જોઈએ બીજું
દેવિકા રાહુલ ધ્રુવ
13-04-2021
આજે ઘણી શાંતિથી ‘કાવ્યવિશ્વ’ના તમામ વિભાગો માણ્યા. સુંદર કામ થઈ રહ્યું છે,લતાબહેન. ખૂબ ખૂબ શુભેચ્છા.
સ્નેહા પટેલ
13-04-2021
ખૂબ મહેનત માંગી લેતું કામ તમે ખૂબ જ ખંતપૂર્વક કરી રહ્યા છો એ ખરેખર પ્રસંશનીય કાર્ય છે. ગુજરાતી સાહિત્યને ખૂબ જ ઉપયોગી નીવડે એવું કામ થઈ રહ્યું છે. પ્રભુ આપણે અઢળક શક્તિ,સ્ફૂર્તિ અને આનંદ આપે ને આ કામ ખૂબ જ સરસ રીતે આગળ ધપતું રહે એવી શુભેચ્છાઓ !💐
નેહા સુનીલ યાજ્ઞિક
13-04-2021
લતાબેન,
આપ સાહિત્યને ધબકતું રાખવાના જે પ્રયાસ કરો છે તે માટે દિલથી સલામ.
Vipul Acharya
13-04-2021
Lataben hats off to you for this initiative. Every postings bring excellent literary content.Paresh Naik
13-04-2021
I took a tour of all your losts. Very good selection, very well edited and rather creatively presented. Keep it up, Lataben.
Dr Nisha joshi
13-04-2021
बहुत ही सुंदर कार्य, अद्भुत रचनाएँ।🙏बहुत ही सुंदर कार्य, अद्भुत रचनाएँ।🙏
કિશોર બારોટ
13-04-2021
કાવ્યવિશ્વની દરેક મુલાકાતે રાજીપો સાંપડ્યો છે.
આપની ચીવટભરી ધગશને સલામ.
રક્ષા શુક્લ
13-04-2021
કાવ્યવિશ્વ ખૂબ ઉત્તમ..રોજેરોજનું આવું ભાથું નિયમિત લભ્ય બને..રોજ કૈક અવનવું સીંચે..એ તો અદભુત વાત..સલામ,લતાબેન..🌷🌷🌷👍🏻🙏🏻
જશવંત મહેતા
13-04-2021
કોઈ રજવાડી ઝરૂખામાં નવોઢા બેઠી હોય ને એ દૃશ્યમાં રજવાડી ઝરૂખો કાયમ યાદ રહી જાય તેમ અહીંયા પસંદ
થયેલી કવિતા કાયમ બની રહેશે,કવિતા પોતેજ પરિચય ને પ્રમાણ છે,કવિનું પેલી નવોઢાની જેમ સાશ્વત પણું નથી .કવિતા જ આ ‘ કાવ્યવિશ્વ ‘ નો પ્રાણ છે.– જશવંત મહેતા
કશ્યપ મહેતા
13-04-2021
રસપ્રદ માહિતી સરસ સંચયન.
હરજીવન દાફડા 09 Dec 2020
13-04-2021
ખૂબ સરસ કાવ્યો…
આસ્વાદ વિભાગ પણ સુંદર અને આસ્વાદ્ય છે
તમે સાહિત્યની ઉમદા સેવા કરી રહ્યા છો
અભિનંદન
કીર્તિદા બ્રહ્મભટ્ટ
13-04-2021
ખુબ સરસ કાવ્યો અને સુંદર આસ્વાદ. આભાર આ રસથાળ પીરસવા બાદલ
રેખા ભટ્ટ
13-04-2021
કાવ્યવિશ્વ માં રજુ કરેલા કાવ્યો વાંચવાની મજા આવી. એક જ પ્લેટફોર્મ પર આપણા પ્રતિષ્ઠિત કવિઓની રચનાઓ વાંચવા મળે એ કેટલું સારું? બધો વખત આપણે બધું જ ગમતું ખરીદીને લાવી શકતા નથી. ત્યારે ખૂબ કાળજીપૂર્વક અતિસુંદર કવિતાઓનો તૈયાર ગુલદસ્તો મળી રહે એ કોને ના ગમે?હૃદયપૂર્વક આભાર લતાબેન🙏🙏
અનિતા તન્ના
13-04-2021
કાવ્ય વિશ્વની મુલાકાત લીધી. વર્ષા દાસ, પન્ના નાયક, અનિલ ચાવડાની કવિતાઓ હૃદય સ્પર્શી. બીજા શીરમોર કવિઓની કવિતાઓ પણ વાંચી. આનંદ આવ્યો.
જયંત ડાંગોદરા
13-04-2021
રોજ રોજ સુગંધિત ફૂલો સમી કાવ્યછાબ લઇને આપ પધારો છો અને અમારાં મનાંગણને પણ મહેકાવી રહો છો. ધન્યવાદ
સુધા ઝવેરી
13-04-2021
‘કાવ્યવિશ્વ’ના પ્રારંભે મારો પ્રતિભાવ મેં સુ.શ્રી લતાબેનને લખેલ અંગત post માં આ શબ્દોમાં વ્યક્ત કરેલ:
આજે ‘કાવ્યવિશ્વ’ ની ‘બારી’ સહેજ ખોલી તો સામે તારકોમંડિત એક આખું આકાશ ઉઘડી ગયું! વિસ્મિતભાવે એ નિહાળતાં લાગ્યું કે આ આકાશદર્શન હવે મારી બધી રાતો લઈ લેશે!(દિવસે એટલી નિરાંત અને આસાયેશ ભાગ્યે જ હોય!)
લતાબેન, હાલત હજુ એ જ છે! લગભગ રોજ રાત્રે ‘કાવ્યવિશ્વ’ નું આકાશ-દર્શન કરું છું ને રોજ નવા નવા તારકો- નક્ષત્રો ને નવી નવી આકાશગંગાનો નજર સમક્ષ ઉઘાડ થતો રહે છે! એ આનંદમાં તન્મય થયા પછી કોઈ પ્રતિભાવ માટે જાણે કોઈ અવકાશ રહેતો નથી!
..ધન્યવાદ!
એ સિવાય બીજો કોઈ શબ્દ અત્યારે સૂઝતો નથી!
Naresh K. Dodia
13-04-2021
ખૂબ ખૂબ શુભેચ્છાઓ
ગુજરાતી સાહિત્યની માનદ સેવા કરી રહ્યા છો
શૈલેષ પંડયા નિશેષ
13-04-2021
ખુબ સરસ….. સાહિત્યની વાતો… મને ગમતી ગઝલોની રસલ્હાણ…… અને નામી કવિશ્રીઓની રચનાઓ માણવાનું એક સરસ પ્લેટફોર્મ આપવા માટે આપ સૌનો ખોબલે ખોબલે આભાર… આપ આ રીતે જ અમને ઉત્કૃષ્ટ સાહિત્ય પીરસતાં રહેશો એવી અભિલાષા…
રીંકું રાઠોડ
13-04-2021
વાહ.. અતિ સુંદર .કાવ્ય વિશ્વ દ્વારા સ્તુત્ય કાર્ય થઈ રહ્યું છે.આભાર લતા મેમ.
છાયા ત્રિવેદી
13-04-2021
વાહ લતાબહેન, ખૂબ મહેનતથી કાવ્યવિશ્વ સરસ સજાવ્યું છે… અભિનંદન અને શુભેચ્છાઓ 🌹🙏
હરીશ ખત્રી
13-04-2021
બહુ જ ટૂંકા સમયમાં કાવ્ય અને સાહિત્યપ્રેમીઓનો અભૂતપૂર્વ આવકાર ‘ કાવ્યવિશ્વ’ને પ્રાપ્ત થયો છે તેનો હરખ પ્રગટ કરું છું. તમારી મહેનત, ચીવટ અને સંપાદકીય સૂઝ રંગ લાવે છે. ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા!
સુધા ઝવેરી
13-04-2021
શબ્દ, સૂર, સંવાદનું સમ્યક synchronization થાય ત્યારે ‘શબ્દ’ ‘શબદ’ કે ‘સબદ’ બને. અહીં કાવ્ય-વિશ્વમાં રોજ શબ્દોને સબદ રૂપ આપવાનો અનાયાસ ઉપક્રમ ચાલે છે જે મનને મુગ્ધ કરે છે. આ ઉપક્રમ ચાલતો રહે!
Purushottam Mevada, Saaj
13-04-2021
સંચય વિભાગ નું સંકલન ખૂબજ સરસ છે.
jayant Dangodara
13-04-2021
રોજ રોજ નવી સામગ્રી શોધીને આપ પીરસી રહ્યાં છો તે આવકારદાયક છે. શુભેચ્છા. 18.12.20
કિશોર બારોટ
13-04-2021
હરરોજ ઉત્તમ કાવ્યો પીરસવા બદલ વંદન 🙏
Purushottam Mevada, Saaj
13-04-2021
ખૂબ જ ગમે આપનું સંપાદન. ગઝલો કાયમ હજારી, શૂનય કે મુકુલ ચોકસી, ભગા.ચારણનું ભક્તિ ગીથ તો અમારા સત્સંગનું જ કાયમી સંભારણું, કોરોના કાવ્યો ઠીક છે.
Sudha Maheta
13-04-2021
Gujarati sahityama ek navi kedi kandaravaa maate abhinandan ane khuub shubhechchhaao
દિનેશ ડોંગરે નાદાન
13-04-2021
એક થી એક ચઢિયતા કાવ્યો પ્રસ્તુત કરવામાં આવે છે. મજા પડે છે. વાહ
નંદિતા ઠાકોર
13-04-2021
‘કાવ્યવિશ્વ’ હવે રોજિંદા જીવનનો હિસ્સો થઈ ગયું છે. અહીં વહેંચાતાં કાવ્યો માણવાનો આનંદ છે. આ ઉપક્રમ બદલ અભિનંદન અને ભવિષ્ય માટે શુભેચ્છાઓ. 🌺
રમણીક અગ્રાવત
13-04-2021
કાવ્યવિશ્વનું સંકલન બહુ સરસ રીતે થાય છે. કાવ્યો માણવાનો રોમાંચ જળવાઈ રહે છે. સંવેદનાને સંવર્ધિત કરતી આયોજના.
રક્ષા શુક્લ
13-04-2021
કાવ્યવિશ્વનું સાતત્યપૂર્ણ કામ..અતિ ઉત્તમ…
બધું જ બધું સુંદર…વાહ, લતાબેન..
હિના મોદી
13-04-2021
જેમ જેમદિવસો ચડતા એમ – એમ કાવ્યવિશ્વનો રંગ ધૂંટાતો જાય છે. ક્યા કવિને વાંચુ અને ક્ઇ કવિતા વાંચુ ? એ દ્વિદ્યા વધની જાય છે.
કાવ્યવિશ્વ બ્રહ્માંડની કવિતા બની રહ્યું છે.અને જાણે મારા માટે તો મન વિશ્વ .હવે તો જાણે વ્યસન થઈ ગયું છે. સવાર ઉગવાની રાહ જોતી હોઉ છું. કંઈક નવી ને નવી લાગણીની લહેરખીમાં ઝૂમવા માટે
દીપ્તિ વછરાજાની
13-04-2021
ખૂબ સરસ. વાંચવાનો આનંદ લઉં છું. વિવિધતા વાળા કાવ્યો એટલે વળી ઓર મજા પડે.
કીર્તિ શાહ
13-04-2021
હસ્તાક્ષર વાળી કવિતા માં યાદગાર અને ચોટ આપનાર લીટી ઓ ઘણી છે આભાર યોર efforટ્સ are worth while
કિશોર બારોટ
13-04-2021
આદરણીય, લતા બહેન.
2020ના અંત ભાગમાં આપે ‘કાવ્ય વિશ્વ’નું બીજ વાવ્યું હતું તે ટૂંક સમયમાં જે રીતે અંકુરિત થયું છે તે જોઈ આંખો ઠરે છે.
2021માં તે વટવૃક્ષ સ્વરૂપે ફાલેફુલે તેવી શુભકામનાઓ.🌹
Heena modi
13-04-2021
હવે તો કાવ્યવિશ્વ જ મારું ભાવવિશ્વ બની ગયું છે.
દરરોજ નીતનવું સાહિત્ય પીરસાય છે.અને, દિવસ
સુમધુર બની જાય છે.
આજે પત્રો વાંચ્યા.અને કવિનાં અંતરમન સાથે જાણે સીધો સંવાદ થયો.
Parul Barot
13-04-2021
ખૂબ સુંદર અને ઉત્તમ કાર્ય થઈ રહ્યું છે….વાચકોને ખૂબ આનંદ અને શીખવા પણ મળે છે…વાહ
કાલિન્દી પરીખ
13-04-2021
લતાબેન, આપને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ સરસ અને ઉત્તમ સાહિત્ય પીરસી રહ્યા છો.
કિશોર બારોટ
13-04-2021
લતા બહેન, કાવ્ય વિશ્વને જે ઊંચાઈ બક્ષવાની તમારી સંકલ્પનાઓ છે તે જરૂર સાકાર થાય તેવી શુભકામનાઓ
Sudha maheta
13-04-2021
Lataben, tamara man ki baat bahu anand aape tevii chhe ane te maaTe tamane abhinandan and ghanI shubhechchaao.
Purushottam Mevada, Saaj
13-04-2021
આપનો ‘સંવાદી’ લેખ ગમ્યો. જે ઉમદા વિચારોથી કાવ્યવિશ્વ આપ લાવ્યાછો, એની સકારાત્મક ઉર્જા નવોદિત અને વડિલ સાહિત્યકારોને મળશે. શીખવાનું તો કદી પૂરુ ના થાય. આવા પાયાના કામમાં અમે તમારી સાથેજ છીએ.
જુગલકિશોર વ્યાસ
13-04-2021
થોડા સમયમાં ઘણું કાર્ય થયું. ઉંચી ગુણવત્તા ધ્યાન ખેંચે છે. આનંદ.
Parul Barot
13-04-2021
ખૂબ મજા આવે છે. નવી નવી રચના વાંચી આપણાં ઉત્તમ કવિઓ માટે ગૌરવ થાય છે.
રૂપલ અશ્વિન મહેતા.
13-04-2021
નમસ્તે…લતાબેન🙏🏻
કેમ છો?
હું ફરી લખવાની તક જતી નહીં કરું કે ખરેખર…આપના દ્વારા જે કાવ્યરચનાઓ પોસ્ટ કરવામાં આવે છે..મને એક નવા જ કાવ્ય વિશ્વમાં લઇ જાય છે..જે મારા મનોભાવજગતને ઝળહળાવે છે…Thank u very much..Lataben..આપની સાથે જોડાયા નો મને ગૌરવ છે.
રૂપલ અશ્વિન મહેતા.
Sarita vasava
13-04-2021
ખુબજ સુંદર ગુણવત્તાસભર કવિતાઓ. આભાર.
Niva Joshi
13-04-2021
Nava bhav jagat ma pravesh akathya chhe.aanandsah aabhar mam.
કુણાલ શાહ
13-04-2021
કાવ્યવિશ્વમાં આવતા કવિતા, આસ્વાદ વાંચવાની મજા આવે છે. આ કામ અઘરું છે પણ કાવ્યવિશ્વની ટીમ ખૂબ સારી રીતે કરી રહી છે. આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન… આ જ ચીવટ અને પ્રતિબદ્ધતા સાથે કાયમ કામ ચાલતું રહે તેવી શુભકામનાઓ…
Kirti Shah
13-04-2021
તમે આ chhpan ભોગ નો રસ થાળ મોકલાવો છો તે માટે હું ઋણી છું
કિશોર બારોટ
13-04-2021
કાવ્ય વિશ્વ સુંદર કાવ્યથી હરરોજ સવારને વધુ સુંદર બનાવે છે.
હરદ્વાર ગોસ્વામી
13-04-2021
સુખ્યાત સાહિત્યકાર લતા હિરાણીની સંકલ્પના,સંકલન અને સાધનાનું સુફળ એટલે ‘કાવ્યવિશ્વ’.
અહીં ગઝલનું ગામ છે તો સોનેટની શેરી ય છે. ગીતનો ગુલમહોર અને અછાંદસની આંબલી ય છે… અહો…શબ્દની સુગંધને માણ્યા જ કરીએ…
સુધા ઝવેરી
13-04-2021
‘કાવ્યવિશ્વ’ ના પ્રારંભથી જ એની સાથે જોડાયેલી છું ને મુગ્ધાવસ્થામાં જેમ કોઈ પ્રિય દૈનિક ધારાવાહિકના નવા episode ની ઉત્સુકતાપૂર્વક રાહ જોતા એમ કાવ્યવિશ્વના નવા અંકની રોજ રાહ જોઉં છું ! એમાં જે કાંઈ પીરસાય છે એ સરસ જ હોય છે પણ જે સ-રસ રીતે પીરસાય છે એમાં caterer ની પણ ખૂબીના દર્શન થાય છે, કારણ પીરસનાર જાતે રસશાસ્ત્રી છે, રસજ્ઞ પણ છે!
આ ‘સદાવ્રત’ સદા ચાલતું રહે એ જ શુભેચ્છા!!
મનોહર ત્રિવેદી
13-04-2021
આજે અથથી અંતપર્યંતની રચનાઓ,રચનાકારો,એમનાં સર્જનને સાંપડેલા કંઠનું વૈવિધ્ય ઉપરાંત તમારું સમતોલ અવલોકન,બધાં બારીબારણાં ખોલીને મજા લૂંટી ને આ લખું છું ત્યારે જ બહાર નીકળ્યો.
શો પરિશ્રમ,શી કવિતાની માયા
અમે તો રોમેરોમ ભીંજાયા
ધન્યવાદ,લતાબેન.
મનોહર ત્રિવેદી
Harshida deepak trivedi
13-04-2021
સાહિત્યની ઉમદા સેવા સાથે સફર તે માટે ખુબ ખુબ શુભેચ્છાઓ લતાબહેન….. 💐
Darshak acharya
13-04-2021
Tame saras kam karo cho Lataben .abhinandan
રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
13-04-2021
લતાબહેન, કાવ્યવિશ્વ જોયા કરું છું. એકાંતમાં ફરીફરી વાંચ્યા કરું છું. તમે બહુ સુંદર કામ કરી રહ્યા છો. કાવ્યની પસંદગી કરીએ ત્યારે કાવ્યનું સ્તર અને પસંદગી કરનારનું સ્તર બંનેની ઓળખ થતી હોય છે અને તે તમે ખૂબીથી નિભાવી રહ્યા છો. બહુ મોટું કામ થઈ રહ્યું છે. ખૂબ ખૂબ શુભેચ્છાઓ. – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
અમુલ વ્યાસ
13-04-2021
લતા બેન હિરાણી
આપની આ કાવ્ય વિશ્વ વેબસાઇટ ઉપર અદ્ભૂત અને અદ્વિતીય કાવ્યો રજૂ કરવામાં આવેલ છે. અત્યંત પ્રશંશનીય કામગીરી કરેલી છે. આપને મારા ખૂબ ખૂબ ધન્યવાદ🙏🙏
રૂપલ મહેતા
13-04-2021
100 માં દિવસ ની અપ્રતિમ.. ખુશી…તમારી અથાગ મહેનત,યોગ્ય દિશામાં નિરંતર ગતિ અને અમને ઘેર બેઠા,હાથમાં મળતું શબ્દોનું સુંદર વૈભવીશિલ્પ રૂપ ‘કાવ્યવિશ્વ’……ખૂબ ખૂબ આભાર સાથે…ધન્યવાદ.💐💐
Varsha L Prajapati
13-04-2021
ખૂબ ઉમદા કાર્ય હાથ ધર્યું છે. પ્રતિદિન કૃસાહિત્ય જન્મદિન પ્રમાણે સાહિત્યકાર વિશે વિચારવું, લખવું અને પ્રગટ કરવું એ સાધના છે. ઈ-સાહિત્યનના પડાવને સત્કારું છું.
Shirish kapadia
13-04-2021
Very happy with your untiring efforts to open a very wide vistas for those who are interested in literature. Congratulations
કિશોર બારોટ
13-04-2021
કાવ્ય વિશ્વને ફૂટેલાં બીજાંકુર જોઈ રાજીપો અનુભવું છું.
આપની ધગશ અને ચીવટ જોતાં આ અંકુર વટવૃક્ષમાં પરિણમશે તેવી આશા બંધાઈ છે.
શુભકામનાઓ 🌹
વિવેક ટેલર
13-04-2021
બહુ સરસ કામ થઈ રહ્યું છે… કાવ્યવિશ્વની સફર માણવાની મજા આવી રહી છે…
ખૂબ ખૂબ અભિનંદન અને સ્નેહકામનાઓ…
કીર્તિ શાહ
13-04-2021
અત્યાર લગી જે કંઈ ઊદગારો આવ્યા એવું તો હું લખી શકું તેમ નથી. પરંતુ અહીં રજૂ થયેલી કવિતા અને રસદશઁન અમારા જેવાઓ ને સાંત્વના આપે છે
રન્નાદે શાહ
13-04-2021
ખુબ સુંદર…લતાબેન અહી મુકાયેલી પ્રત્યેક કૃતિ સરસ છે.તમે મુકેલી ઓડિયો ક્લિપ્સ પણ…વાહ ક્યા બાત…એમાય ગાલિબની વિડીયો ક્લીપ…..લોકગીતથી લઈને ગઝલ,ગીત..બધું જ અહી પિરસાયુ છે.
મઝા પડી ગાય…..
અમુલ વ્યાસ
13-04-2021
આજના કાવ્ય વિશ્વ ની રચના ઓ ખૂબ સુંદર અને ભવ્ય જણાઈ.
લતા બહેન ખરેખર ખૂબ અદભૂત સંગ્રહ ની રજૂઆત કરતાં રહે છે. હદયપૂર્વક ના ધન્યવાદ🙏🙏
જસુબેન બકરાણિયા
13-04-2021
ખુબ જ મજા પડે છે કાવ્ય વિશ્વ ની મુલાકાત લઈ ને ઘણી સુંદર રચના ગીતો અને ગઝલ વાંચવા મળે છે. લતા બેન આપનો આભાર🙏🏻🙏🏻
પ્રશાંત સોમાણી
13-04-2021
કાવ્યવિશ્વ દ્રારા ખૂબ સરસ કાર્ય થઈ રહ્યું છે તેનો આનંદ છે… વાંચવાની ખૂબ મજા પડે છે..
આવું જ ઉત્તમ કાર્ય કરતા રહો તેવી શુભકામના.
Vipul Acharya
13-04-2021
Excellent literary work carried out by You Lataben , kudos .
મનહર શુક્લ
13-04-2021
ખૂબ જ સરસ કામ થયું છે. ભાષા અને સાહિત્ય એ બંન્ને માટે પ્રસાર અને પ્રચાર બહુ જરૂરી છે આ સમયમાં. આપ જે કરી રહ્યાં છો તે એક પરમાર્થ કાર્ય છે. હજુ હું બધું વાંચી નથી શક્યો પણ વાંચતો રહીશ. આ યજ્ઞ સતત ચાલુ જ રહેશે એવી મને શ્રદ્ધા છે. હું આપ અને આપ સાથે જોડાયેલ સૌ સાહિત્ય મિત્રોને વંદન સાથે અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું.
— મનહર શુક્લ.
પ્રતિમા મસિયાવા
13-04-2021
એક થી એક ચડિયાતી કવિતા,ગીતો નો રસીલો આસ્વાદ માણ્યો, બહુજ મઝા પડી લતાબેન
ઈશિતા દવે
13-04-2021
ખુબ સુંદર અને ઉત્તમ કવિતાઓનું ચયન. સુંદર અને માર્મિક આસ્વાદ. …
Purushottam Mevada, Saaj
13-04-2021
10/0૨/2021 નો ‘સંવાદ’ નો આપનો લેખ તમારી કાવ્યનિષ્ઠા ને ખૂબજ સરસ રીતે રજૂ કરે છે. તમારુ આ ઉમદા કામ સાહિત્ય માં સીમાચિન્હ.બનશે જ.
ડો. મુકેશ જોશી
13-04-2021
આમ તો શરૂઆતથી જ “કાવ્ય વિશ્વ” સાથે જોડાયેલ રહ્યો છું. માત્ર કાવ્ય જ નહીં પરંતુ કાવ્યતત્વને પ્રકાશિત કરવાના ધ્યેય સાથે “કાવ્ય વિશ્વ” ખૂબ જ ટૂંકા ગાળામાં લોકપ્રિય વેબસાઈટ બની ચૂક્યું છે. અહીં Quantity નહીં પરંતુ Qualityને પ્રાધાન્ય આપવાનો સભાન પ્રયત્ન સતત થઈ રહ્યો છે. વિષય વૈવિધ્ય પણ વખાણવા લાયક. દરરોજ વોટ્સએપ ઉપર માહિતી મળી જાય છે કે નવો ઉમેરો શું કરવામાં આવ્યો છે? આદરણીય બહેનશ્રી લતાબેન હિરાણી તથા સમગ્ર ટીમને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું.
જિત ચુડાસમા
13-04-2021
‘કાવ્યવિશ્વ’ – આ સાઇટ પર પહેલી વખત આવ્યો છું
એક સાહિત્યિક સામયિક નિષ્ઠાપૂર્વક સાહિત્યની જે સેવા કરી શકે એટલી જ નિષ્ઠાથી અહીં પણ કામ થઈ રહ્યું છે એનો આનંદ છે. આવા સુંદર કાર્ય બદલ ખુબ ખુબ અભિનંદન…
ગીતા પંચાલ
13-04-2021
કેટલાક જૂના તો કેટલાક નવા કાવ્ય બધાની ગુંથળી એટલી સરસ કરી છે જેમ અંબોડે મોગરાની વેણી.
લતા બેન આપની મહેનતે આ બગીચો મઘમઘી રહ્યો છે.
તેની સુવાસ ચારેકોર વાયુવેગે પ્રસરી ગઇ છે
સુરેશચંદ્ર રાવલ
13-04-2021
લતાબેન…કાવ્ય વિશ્વ નિખરતુ જાય છે…કવિતાને માણવાની ખૂબ મજા આવૈ છે… રાધિકાબેનનુ કાવ્ય હદયને સ્પર્શી ગયો…
વાહ કાવ્ય વિશ્વ …તને ઓલ ધી બેસ્ટ…
પારૂલ બારોટ
13-04-2021
કાવ્યવિશ્વ એક ઉત્તમ શિખરે પહોંચી રહ્યું છે…
Dr. Shashikant D Patel
13-04-2021
કાવ્યવિશ્વની સફર માણી… મન આનંદથી ઝૂમી ઉઠયું… ગીત, સોનેટ, લોકગીત,અછાંદસ કાવ્યો તથા અનુવાદિત અને અન્ય રચનાઓ ખૂબ જ ઉત્કૃષ્ટ… સૌને ખૂબ ખૂબ અભિનંદન… વિશેષ અભિનંદન આદરણીય લતાબહેન
દિનેશ ડોંગરે નાદાન
13-04-2021
રોજેરોજ એક નવો સર્જક, નવું સર્જન અને નવો રોમાંચ. ખૂબ સુંદર કામ થઈ રહ્યું છે. આપને ખૂબ ખૂબ અભિનંદન લતાબેન
Niva Joshi
13-04-2021
Ghanu badhu gamyu .shena vishe kahu asmanjas ma chhu.pan kavya na vishwa ma khovai gau chhu.pachha Jadi javani ichha pan nthi .sunder Anubhuti lataben
Dr. Shirish kapadiya
13-04-2021
Superb collection. Encyclopedia of Gujarati Kavita. Excellent work.
પ્રફુલ્લ પંડ્યા
13-04-2021
પ્રિય લતાબેન,
” કાવ્ય વિશ્વ”ને રોજેરોજ નાવિન્ય સાથે શણગારવાની તમારી માવજત ગમે છે અને તે અનેક રીતે નોંધપાત્ર પણ છે.ગ ઈ કાલે અવિનાશ વ્યાસની રચના અને આજે ભાસ્કર ભટ્ટની રચના મૂકીને તમે મને એક ભાવક તરીકે નવી દિશામાં ખેંચી ગયાં. ગુજરાતી સુગમ સંગીતના આરંભથી અત્યાર સુધી સંકળાયેલાં અનેક કવિઓ આજે પણ મોટાં ભાગે લોકોથી અજાણ કે દૂર રહ્યાં છે.તેમના ગીતો તો લોકહૈયે વસેલાં જ છે અને લોકજીભે ગવાતાં જ રહ્યાં છે.આવા ગીતો લોકપ્રિય થયાં છે પણ એવાં ગીતોનાં અનેક રચયિતા કવિઓ ગુમનામીમાં સરી પડ્યાં છે.તેઓને યાદ કરીએ તો આ કવિઓની એક શ્રેણી પણ થઈ શકે ! આપે આ દિશામાં દ્રષ્ટિ દોડાવી છે તે બીના અભિનંદનીય છે.આ દૌર ચાલુ રાખશો તો ગમશે.” કાવ્ય વિશ્વ”ની જય હો !
પ્રફુલ્લ પંડ્યા
ગુણવંત ઉપાધ્યાય
13-04-2021
સરસ, સુંદર અને દીર્ઘજીવી કાર્ય… કેટલા બધા કવિ, કવિતાઓ અને આસ્વાદો…. મોજ કરાવી ગઈ. અનેક શુભકામનાઓ.
તેજસ દવે
13-04-2021
લતાબેન તમે ખૂબ સરસ કામ કરી રહ્યાં છો …કાવ્ય વિશ્વના કેટલાંક કવિઓને આજે કાવ્યવિશ્વમાં માણ્યા ..ખૂબ ઉત્તમ કામ થયું છે…
આપને કાવ્યવિશ્વ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ …રાજીપો.
Raksha Shukla
13-04-2021
સાતત્ય સાથે ચાલી રહેલું સુંદર કામ …કાવ્યવિશ્વ એટલે કવિતા, સાહિત્ય નો જયજયકાર….વાહ, લતાબેન
દિનેશ ડોંગરે નાદાન
13-04-2021
એક થી એક ચઢિયાતા સર્જકો અને એમના સર્જન મજા પડે છે. અભિનંદન
ગુણવંત ઉપાધ્યાય
13-04-2021
ગજબનાક કાર્ય આરંભ્યું… વિષય વૈવિધ્ય તો ખરું જ ગુણવત્તા સભર… ધન્યવાદ.
Devika Rahul Dhruva
13-04-2021
લતાબહેન અને સૌ કવિતા પ્રેમી મિત્રોનો ખૂબ આભાર.
ખંત અને ચીવટપૂર્વક સતત ચાલતા આ સુંદર કામ માટે લતાબહેનને દિલથી વંદન.
Purushottam Mevada , Saaj
13-04-2021
‘સંવાદ’માં નો આપનો લેખ આપના વિષે આદરપૂર્વક વાચ્યો.
દાન વાઘેલા
13-04-2021
આપની સાહિત્યિક પ્રવૃતિ સાત્વિક અને સબળ છે. ગમે છે. અનુકૂળતાએ સઘળું માણી લઉં છું. શુભેચ્છાઓ.
::દાન વાઘેલા :
Dr Nishendu Vasavda USA
13-04-2021
What a great web site! Wonderful articles about various poets. Thanks for posting.
1 Response
[…] લેવાયેલી નોંધ :‘કાવ્યવિશ્વ’ની સફર http://www.kavyavishva.com/?p=848 […]