ગદ્યકાવ્ય ~ નલિની માડગાંવકર Nalini Madgavkar Gadyakavya

સૌ પ્રથમ ગદ્યકાવ્ય શબ્દોમાંના ‘કાવ્ય’નો વિચાર કરવો આવશ્યક છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં કાવ્યની સંજ્ઞા ખૂબ વ્યાપક આપવામાં આવી છે, જેમાં ગદ્ય, પદ્ય અને મિશ્ર એમ ત્રણેયનો સમાવેશ કરવામાં આવ્યો છે.  કાવ્યની કલ્પનામાં ફક્ત પદ્યની જ ગણના નથી થઈ, પદ્યને જ કાવ્યનું ઘટક માનવામાં નથી આવ્યું. વળી આપણા પ્રાચીન સાહિત્ય વિમર્શકોએ કાવ્ય ગદ્યમાં લખી શકાય એ વિચારણાનું સમર્થન કર્યું છે. ‘ગદ્યમ કવીનાં નિકસમ વદંતી’ કહીને ગદ્યમાં કાવ્યરચનાને કવિ-કસોટી માની છે. જેમ ગદ્ય કવિની કસોટી છે તેમ ગદ્યકાવ્ય પણ કવિની કસોટી છે. ગદ્યનું ભયસ્થાન ગદ્યાળુ થઈ જવામાં છે તો નર્યા અને નકરા ગદ્ય લખનારે એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે એમાં કેવળ કવિતાવેડા ન થવા જોઈએ. ‘કાદંબરી’ લખીને પણ બાણભટ્ટ તો કવિ જ કહેવાયા. આમ પ્રાચીન કાળથી જ ગદ્ય અને કાવ્યનો સમન્વય આપણે માટે અપરિચિત નથી છતાં આજના ગદ્યકાવ્યના સ્વરૂપે ઘણી નવી શક્યતાઓ તરફ અંગુલી નિર્દેશ કર્યો છે.

વાસ્તવમાં ગદ્ય અને પદ્ય એ કાવ્યદેહની ગતિના બે પ્રકાર છે કવિ રવિન્દ્રનાથ ટાગોરે પોતાની આગવી શૈલીથી ગદ્ય અને પદ્ય કાવ્યનો ભેદ સ્પષ્ટ કરતા કહ્યું છે,

“ગદ્યમાં મુખ્યત્વે અર્થપૂર્ણ શબ્દને વ્યુહબદ્ધ બનાવી વ્યવહાર થાય છે જ્યારે પદ્યમાં મુખ્યત્વે ધ્વનિપૂર્ણ શબ્દને વ્યુહબદ્ધ  બનાવી પ્રયોજાય છે.” આપણા આલંકારિકોએ રસાત્મક વાક્યને જ કાવ્ય કહ્યું છે આ રસાત્મક વાક્ય પદ્યમાં હોય તો એ પદ્યકાવ્ય થાય અને ગદ્યમાં હોય તો એ ગદ્યકાવ્ય થાય. ગદ્યકાવ્યમાં પણ એક બંધનહીન છંદ છે રસ જ્યાં રૂપ લેવા ઈચ્છે છે ત્યાં શબ્દો પોતે જ સજ્જ થઈ જાય છે.

પદ્ય એ લયબદ્ધ અક્ષરરચના છે એમાં નિયમોનું બંધન છે જ્યારે ગદ્યમાં વાક્યની લંબાઈ કે અક્ષરોની સંખ્યા માટે કોઈ નિયમ નથી. અર્થપૂર્તિની દૃષ્ટિએ એમાં નાનાં મોટાં વિરામસ્થાનો આવતાં હોય છે. ઉચ્ચારમાં સ્વરોનો ઉતાર-ચઢાવ હોય છે પણ ગદ્યના સરખી લંબાઈના ટુકડા પાડી એને એક થી નીચે એક એમ ગોઠવી દેવાથી સાચું પદ્ય બનતું નથી તેમ પદ્યને વાક્યની જેમ ગોઠવવાથી ગદ્ય બનતું નથી. એનું કારણ છે બંનેની ભિન્ન અંતર્ગત લયબદ્ધતા. શબ્દવ્યવહારમાં સમતોલપણું આવતા આ લયનું સૌંદર્ય આપોઆપ પ્રગટે છે. ગદ્યકાવ્યમાં સુંદર છતાં અનિયમિત આંદોલન હોય છે. ગદ્યકાવ્ય ગદ્ય અને પદ્યના એવા મિલનબિંદુ પર છે કે જેથી બંનેની સ્વરૂપગત વિશેષતાઓનો લાભ એને મળે છે.

નલિની માંડગાંવકરના લેખ ‘મરાઠી ગદ્યકાવ્ય’માંથી ટૂંકાવીને * સૌજન્ય : ગદ્યકાવ્ય ~ સં ધીરુ પરીખ

OP 8.3.23  

4 Responses

 1. વાહ ગદ્ય કાવ્ય ખુબ ગમ્યું અભિનંદન કાવ્યવિશ્ર્વ

 2. 'સાજ' મેવાડા says:

  ટૂંકમાં ખૂબ જ જરૂરી માહિતી આપી છે.

 3. Minal Oza says:

  પદ્યકાવ્ય ને ગદ્યકાવ્યનું તુલનાત્મક અધ્યયન આપવા બદલ આભાર.

 4. ઉમેશ જોષી says:

  ઘણું જાણવા મળ્યું છે.
  અભિનંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: