એકલાં ચાલો રે – પ્રીતિ શાહ સેનગુપ્તા

મને મારગ પર મન મૂકી ચાલવા દેજો.
મને એકલાંયે આનંદે મ્હાલવા દેજો….
પ્રીતિ શાહ સેનગુપ્તા જાણીતા કવયિત્રી અને સાહિત્યકાર છે. તેઓ વિશ્વપ્રવાસી છે જ અને દુનિયાભરમાં એકલાં જ ફરે છે આથી એકલપ્રવાસી તરીકે એમની ઓળખ છે.
પોતાનો પરિચય તેઓ આમ આપે છે, “મૂળ ભારતીય, થડ ગુજરાતી, શાખા બંગાળી, પાંદડા અમેરિકન અને ફૂલ ખીલે તે સમય અને સ્થળ પ્રમાણે રંગરંગના. વતન અમદાવાદ, વસવાટ ન્યુયોર્ક અને વહેવાર આખી દુનિયા સાથે. આચાર પૌર્વાત્ય, વિચાર આધુનિક અને વર્તન વટેમાર્ગુ જેવું.”
ભ્રમણ એ ભક્તિનું જ સ્વરૂપ છે એમ તેઓ માને છે. પોતાના વિશે પ્રીતિબહેન લખે છે,
“બહુ વર્ષોથી અમે અમેરિકાના મહાનગર ન્યૂયોર્કમાં વસ્યાં છીએ. ગુજરાત તથા ગુજરાતી ભાષા સાથે મારો સંપર્ક કદીયે ઘટ્યો નથી. માતૃભાષાના વાતાવરણથી દૂર રહીને પણ ગુજરાતીમાં મારું લેખનકાર્ય ચાલુ જ છે.
હું ગદ્ય તેમજ પદ્યમાં લખું છું, અને બંનેનાં લેખન તથા વાંચનનો અનુભવ નાનપણથી માણતી આવી છું. કુટુંબમાંથી જ મને આ શોખ મળ્યો, ને ત્યાંથી જ મને ઊંડા સંસ્કાર તેમજ વિવિધ કળા પ્રત્યેનો પ્રેમ વારસામાં મળ્યા. મારા પિતા પાસેથી હું આદર્શવાદ પામી, અને માતા પાસેથી સૌંદર્ય-દૃષ્ટિ, એમ કહી શકું છું.
સાહિત્યનાં સર્જન માટેની પ્રેરણા ક્યાંથી મળી, તે તો બહુધા કહી કે જાણી શકાય તેમ હોતું નથી. એવું બધું કૈંક અંશે લલાટ-લેખન હોય, કે ઇશ્વરીય સંકેતથી બનતું હોય, તેમ સાંભળ્યું છે. સર્જનની પ્રક્રિયા મને તો ખૂબ ગૂઢ લાગે છે. એની રહસ્યમયતા મને હંમેશાં વિસ્મયવિભોર કરી રાખે છે.
વ્યક્તિ તરીકેનાં મારાં બે પાસાં બહુ વર્ષોથી સ્થાયી થયેલાં છે – મુસાફર અને શબ્દકાર. એક પ્રવૃત્તિ મને વિશ્વમાં દૂર દૂર ખેંચી જાય છે, ને બીજી મને ઘરમાં રહેવાનું કારણ આપે છે. પ્રવાસ કરતી હોઉં ત્યારે નોટબૂકમાં દરરોજ નોંધ કરતી રહું, ને એ રીતે રાતના કલાકો એકલતામાં નહીં, (હું એકલી જ પ્રવાસ કરતી હોઉં છું) પણ સભરતામાં જતા લાગે. પ્રવાસ દરમ્યાન લાંબા લેખ ભાગ્યે જ શક્ય બને. લાંબા પ્રવાસ-નિબંધ લખવાનું કામ તો ઘેર આવ્યા પછી, ટેબલ પર સરખું બેસીને જ થાય. જો કે પ્રવાસ દરમ્યાન કાવ્યો પૂરેપૂરાં લખાઈ જાય. સાતેય મહાખંડો પરનાં અનેક સ્થાનોને લગતાં કાવ્યો “સાત ખંડ, સાતસો ઇચ્છા” નામના પુસ્તકમાં સંગ્રહિત થયેલાં છે.
પ્રવાસી તરીકે સાહસ કર્યાં, દુઃસાહસ નહીં. એકલ પ્રવાસી તરીકે નકશાની બહારનાં, નિયમની બહારનાં લાગે તેવાં સાવ ભિન્ન માર્ગે ગઈ. પહેલી વાર ઇજિપ્તના સહરા રણમાંથી પસાર થવાની મુસાફરી ખૂબ અઘરી અને મુશ્કેલીથી ભરેલી બની હતી.”
ગજબની હિમ્મત ધરાવતાં પ્રીતિબહેને લગભગ 113 દેશોના પ્રવાસ કર્યાં છે. એમાંના ઘણાં દેશોમાં તેઓ એકથી વધુ વાર ગયાં છે. પૃથ્વી પરનાં સાતે ખંડોમાં તેઓ ફર્યાં છે. આ ઉપરાંત મેગ્નેટિક નોર્થ પોલની સફર પણ ખરી જ કે જેને તેઓ ‘સાડા સાતમો ખંડ’ તરીકે ઓળખાવે છે.
એમણે ગુજરાતી ઉપરાંત હિન્દી, ઉર્દુ અને અંગ્રેજીમાં પણ કવિતા લખી છે. “અકારણ હર્ષે” નામના સંગ્રહમાં આ ચારેય ભાષા પરનાં કાવ્યો છે. બંગાળી ભાષા માટે તો રીતસરનો પ્રેમ જ. એમાંથી એમણે ગુજરાતીમાં અનુવાદો કર્યાં.
પ્રીતિબહેનને કુમાર સુવર્ણચંદ્રક 2006માં મળ્યો. વિશ્વગુર્જરી પુરસ્કાર પણ એમને એનાયત થયો છે. એમનાં પુસ્તકોને સાહિત્ય પરિષદ તથા સાહિત્ય અકાદમીનાં થઈને આઠેક ઇનામ મળ્યાં છે. એમનાં પ્રવાસ-પુસ્તકો પર વિદ્યાર્થીઓ દ્વારા Ph.D ની ડિગ્રી માટે અભ્યાસ થઈ રહ્યો છે.
પ્રીતિબહેને અછાંદસ, ગીત, સોનેટ, ગઝલ જેવાં સ્વરૂપોમાં કામ કર્યું છે. કવિતામાં એમના સંસ્કૃતપ્રેમનું એક સરસ ઉદાહરણ જોઈએ,
પ્રતાપી અશ્વોના અગણિત સમૂહો હણહણે
મનસ્વી તોફાને, હિમધવલ ફીણાગ્ર વદને. (‘સમુદ્ર-સ્પર્શ’ – ઓ જુલિએટ)
કે પછી
અહો, અનુપમા રમા નયનરમ્ય, સ્રોતસ્વતી
મહાનદ સુમંગલા ચ યમુના ચ ભાગીરથી (‘ન્યૂયોર્કની નદી હડસન’ – ઓ જુલિએટ)
તેઓ અછાંદસમાં વધુ ખીલ્યાં છે. તેમની કેટલીક સરસ પંક્તિઓ
મનમાં અચાનક / ફૂલોનું ખીલી જવું / વાયરા કે વરસાદની જેમ / લાગણીઓનું સ્પર્શી જવું
ત્યારે જાણું કે / હું ભાગ્યવાન છું.
**
હવાને થતાં આ હશે છુંદણાં / કે ધવલ રૂપ લઈને / તૂટ્યાં તારા-ખંડો ? (‘હિમવર્ષણ’ – એજન)
**
ને આકાશ / તું જરા નીચે ઊતરી આવે તો / મુખોન્નત ફૂલ થઈ ચૂમી લઉં (‘આમંત્રણ’ – ઓ જુલિએટ)
**
લ્યો, આ ઊભાં અમે / વનની વાટે થોર થઈ
ઊગી ગયાં ‘તાં કેવાંયે / આવળ-બાવળ-બોર થઈ
વૈશાખી બપ્પોરે પણ / પાણીનો શોષ ના પડ્યો
અમને વળી મીઠા શબ્દની / તરસનો કેવો કેફ ચડ્યો ! ( એજન)
*****
પ્રીતિ શાહ સેનગુપ્તાનું સર્જન
કાવ્યસંગ્રહો
1. જૂઈનું ઝૂમખું 2. ખંડિત આકાશ 3. ઓ જુલિએટ 4. અકારણ હર્ષે
અન્ય પુસ્તકો
બે વાર્તાસંગ્રહ, બે નવલકથા
આખા ભારતમાં ફરીને એમણે કુલ 480 જેટલા ફોટોગ્રાફ્સ લીધેલા, એનું પુસ્તક ‘Our India’
રાષ્ટ્રીય પ્રકાશન ગૃહે પ્રકાશિત કરેલું પુસ્તક ‘Women who Dared’ જેમાં દેશમાંથી વીસ મહિલાઓને પોતાના અનુભવો લખવા આમંત્રણ અપાયેલું, પ્રીતિબહેન એમાંના એક.
ત્રેવીસ પુસ્તકો પ્રવાસનિબંધોના
આમ કાવ્યસંગ્રહો, વાર્તા, નવલકથા, પ્રવાસ નિબંધ અને બંગાળી નવલકથાઓના અનુવાદ સહિત અંગ્રેજી અને ગુજરાતીમાં કુલ પચાસ પુસ્તકો છપાયાં છે.
*****
પ્રીતિ શાહ સેનગુપ્તા
જન્મ : 17 મે 1944 અમદાવાદ
માતા-પિતા : કાન્તાગૌરી રમણલાલ
જીવનસાથી : ચંદન સેનગુપ્તા
*****
લ તા હિરાણી
OP 7.2.2023
સર્જક વિભાગ ની ખુબજ સરસ માહિતી જાણવા મળી અભિનંદન
આભાર છબીલભાઈ
પ્રીતિ શાહ સેનગુપ્તાને અભિનંદન.
પ્રીતિબેનના જીવન અને સર્જન વિશેની માહિતી ખૂબ સરસ છે. એક વિરલ વ્યક્તિત્વનો આ પરિચય આપણને મુગ્ધ કરે છે.
બહુ આયામી વ્યક્તિત્ય ધરાવતાં સાહિત્યકાર પ્રીતિ સેનગુપ્તા વિષે સરસ માહિતી.
પ્રીતિબેન વિશે ખૂબ સુંદર માહિતી મળી,અભિનંદન..આભાર🙏
પ્રીતિબેન, જાણવા જેવી પ્રતિભા. સરસ પરિચય. “મનમાં અચાનક / ફૂલોનું ખીલી જવું / વાયરા કે વરસાદની જેમ / લાગણીઓનું સ્પર્શી જવું
ત્યારે જાણું કે / હું ભાગ્યવાન છું.”