ઈલા પાઠક ~ કુંદા

સૌ માને પૂછે છે

આ વરવીને કોણ વરશે ?

મા જુએ મારી સામે

મારું નામ કુંદા !

વધતી ગઇ ને વધતી ગઇ

ઊંટ પણ નીચું હોય જાણે !

લાંબી જ થતી ગઇ

સૌ માને પૂછે કે

આ લાંબીને કોણ વરશે ?

મા કહે, ‘હાય ! કુંદા !’

કાળે કરીને આવ્યો એક લાંબો

પડછંદ એની કાય

બોલે તો જાણે સાવજ બરાડે

મને, લાંબીને વરવા માગે

મા કહે, ‘વાહ ! કુંદા !’

જાણે સાવજ સાટે બાંધ્યુ અજબાળ

ડરું, ફફડું, પાછા ડગ દઉં

પણ તે ત્રાટકે, ખેંચે, બરાડે – એય કુંદા !’

ડરું, ફફડું, વિચારું

આ લાંબો ના વર્યો હોત તો !

અરેરે ! તો મા કહેતે, ‘હાય કુંદા !’

એવામાં તે બરાડે, ‘એય કુંદા !’

હું કહું, ‘મર કુંદા !’

~ ઈલા પાઠક  

સ્ત્રીઓ પ્રતિ થતા અન્યાય અને અત્યાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવનાર અને સ્ત્રીઓને સંગઠિત કરનાર ‘અવાજ’ સંસ્થાના સ્થાપક ઈલા પાઠકની આ કવિતા એક સ્ત્રીની આક્રોશભરી લાચારીની વક્રોક્તિ છે. ‘હાય કુંદા, વાહ કુંદા, એય કુંદા’ જેવા લયાત્મક શબ્દ પ્રયોગો અને આખરે ‘મર કુંદા’ કહેતી લાચાર સ્ત્રીની ભયંકર મજબુરી, એમાં રહેલ કટાક્ષ અને એ રીતે સમાજને પૂછાતો અત્યંત વેધક પ્રશ્ન એને કાવ્ય બનાવે છે. ‘મર કુંદા’ શબ્દો એ જ કાવ્યનો સાર અને એ જ એની નિર્મિતિ.

6 thoughts on “ઈલા પાઠક ~ કુંદા”

  1. Jayshree Patel

    ઈલાબેનનાં કાવ્યો સુંદર ને સરળ વાંચવાની ઓર જ મજા

  2. સ્ત્રીઓને થતાં અન્યાય અને અન્ય નૈસર્ગિક – મનુષ્યરચિત સમસ્યાઓ અને મુશકેલીઓ વિશે માનનીય ઈલાબેનનું આ ” કુંદા” કાવ્ય અસરકારક રીતે પ્રકાશ ફેંકે છે.ખરેખર તો એક વિચારપ્રેરક કાવ્ય !

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *