જિગર જોષી ~ મારે પૂછવા છે * Jigar Joshi 

મારે પૂછવા છે ~ જિગર જોષી ‘પ્રેમ’

મારે પૂછવા છે એક બે સવાલ
મમ્મીને પહેલેથી લાંબો આ ચોટલો ને પપ્પાને માથે કાં ટાલ?
મારે પૂછવા છે એક બે સવાલ.

એવું કાં? પાણીના ભા૨થી આ વાદળાંઓ કોઈ દિવસ થાય નહીં ભફ !
આખો દિ’ પાણીની સાથે એ ૨મે એને થાય નહીં શરદી ને કફ?
પેન્સિલ આ રોવા કેમ મંડતી નહીં હોય જ્યારે સંચો ઉખાડે એની છાલ ?
મારે પૂછવા છે એક બે સવાલ….

ઝાડમાંથી પાંદડાંઓ ખરવા કાં માંડ્યાં? શું પંખીએ કરી હશે કિટ્ટા
રોકેટ પણ નીકળે છે આકાશની પાટી પર કદી-કદી તાણવાને લીટા!
પર્વતથી ખેતરને જોઉં ત્યારે લાગે કે કોણે આ પાથર્યા રૂમાલ?
મારે પૂછવા છે એક બે સવાલ,

મમ્મીને પહેલેથી લાંબો આ ચોટલો ને પપ્પાને માથે કાં ટાલ?
મારે પૂછવા છે એક બે સવાલ…

જિગર જોષી ‘પ્રેમ’ – ‘આખી દીવાલ મારી પાટી’ બાળકાવ્યસંગ્રહમાંથી

કેટલા સરસ બાળસહજ પ્રશ્નો છે ? જિગરભાઈ આ કાવ્યસંગ્રહમાં લખે છે, “દીકરો દાદા પાસેથી તો વાર્તા સાંભળે જ પણ રાત્રે સૂતાં પહેલાં એને એક વાર્તા મારે કહેવાની અને એક એની મમ્મીએ. આ અમારો નિત્યક્રમ.” કાશ બધા માતાપિતાઓ આ સમજે ! બાલમાનસ વિસ્મયથી ભરેલું હોય છે અને એની સાથે વાતો કરવાનો, વાર્તાઓ કહેવાનો સમય કાઢીએ તો એમના મોટપણે ઊભા થતાં ઘણા બધા પ્રશ્નો આવે જ નહીં !

જિગરભાઈ ‘ટમટમ’ નામે સરસ મજાનું બાલસામાયિક ચલાવે છે.

આભાર જિગરભાઈ આ બાળકાવ્યસંગ્રહ મોકલવા બદલ. ‘કાવ્યવિશ્વ’માં આપનું સ્વાગત છે. 

9.2.22

***

અર્જુનસિંહ.કે.રાઉલજી.

14-02-2022

વાહ વાહ જિગરભાઈ .. આપના સવાલો અને સવાલો પૂછવાની સ્ટાઈલ ગમી ગઈ . આપના સવાલોના કોઇની પાસે કોઈ જવાબો નથી .અદભૂત બાળગીત .ગમી ગયું .હાર્દિક અભિનંદન

સાજ મેવાડા

09-02-2022

કવિ શ્રી જીગરભાઈ સારા કવિતો છે જ, પણ બાળ માનસને પરખીને આવી સુંદર કલ્પનાનું ગીત રચે ત્યારે સવિષેસ આનંદ થાય છે.

Dipti Vachhrajani

09-02-2022

મજા પડી વાંચવાની. સરસ બાળકાવ્ય.

છબીલભાઈ ત્રિવેદી

09-02-2022

જિગર જોશીનુ બાલ કાવ્ય ખુબજ ગમ્યું બાળકો ની કુતુહલ વ્રુતી ખુબજ હોયછે તેમના સવાલો ના જવાબ આપવા ઘણી વખત અઘરા હોય છે ખુબ સરસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: