કલાપી ~ પડ્યા જખમ

પડ્યા જખમ સૌ સહ્યા ~ કલાપી

પડ્યા જખમ સૌ સહ્યા, સહીશ હું હજુયે બહુ,
ગણ્યા નવ કદી, ગણું નવ કદી, પડે છો હજુ ;
અપાર પડશે અને જિગર હાય ! આળું થયું,
કઠિન ન બનો છતાં હૃદય એ જ ઇચ્છું, પ્રભુ !

પડી વીજળી તે પડી સુખથી છો, બળું છું સુખે !
અનન્ત ભભૂકા દહે, દહો, ગળું છું સુખે !
ન દાહ વસમો કદી, જિગર બૂમ ના પાડતું,
કઠિન બનજો નહીં હૃદય, એ જ ઇચ્છું પ્રભુ !

બહુય રસ છે મને, હૃદય છે હજુ તો, અહો !
અરે ! હ્રદય જો ગયું, ૨સ ગયો પછી તો બધો;
ભલે મૃદુ રહી સહી જખમ છેક ચૂરો થતું,
કઠિન ન બનો કદી હૃદય એ જ ઇચ્છું, પ્રભુ !

~ કલાપી

અત્યંત ઋજુ હૃદયના કવિ અને રાજવી કલાપીના જન્મદિવસે સ્મૃતિવંદના સહ.

OP 26.2.22

***

છબીલભાઈ ત્રિવેદી

27-02-2022

કવિ કલાપી ના જન્મદિવસ પર તેમની રચના ખુબસરસ રાજવી કવિ ને વંદન. આભાર

સાજ મેવાડા

26-02-2022

કવિ કલાપીની ગઝલો અને કાવ્યો વાંચીને કવિતામાં રસ જાગ્યો હોય એવા કવિઓમાં હું છું. સ્મૃતિવંદના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: