હે સ્નેહમૂર્તિ
મેં ભૂલો કરી છે
તેં એમને ભૂંસીને સિદ્ધિ બનાવી છે
હું ભૂલતો રહ્યો છું
તેં યાદ કરીને ભૂલોના ઈતિહાસમાં
યાદશક્તિની તવારીખ લખી છે
મેં ગુનાઓ કર્યા છે
તેં ન્યાયાધીશ બન્યા વિના માફ કર્યા છે.
હું જુઠ્ઠું બોલ્યો છું
તેં એને સાચું માનવાનો દેખાવ કર્યો છે.
જ્યારે જ્યારે હું ઉશ્કેરાઈ ગયો છું
ત્યારે ત્યારે તેં શાંતિનું પાણી છાંટ્યું છે.
મેં અહમને પોષ્યું છે
તેં એને છોડ્યું છે
મેં તને મારી બનાવી છે
તેં બધું આપણું બનાવ્યું છે
મેં ક્યારેક તારી ઉપેક્ષા કરી હશે
તેં મારા સ્વીકારની પ્રતીક્ષા કરી છે
મારી ઊણપો તું જાણે છે
પણ
તારા બધાં જમાં પાસાંને હું હજી જાણતો નથી….
~ હર્ષદેવ માધવ
સરળ અને સચ્ચાઈથી ભરેલું કાવ્ય. કવિ ડો. હર્ષદેવ માધવનો આ સંગ્રહ ‘પૃથ્વીના પ્રેમનો પર્યાય : પત્ની’ કદાચ એક યુનિક કાવ્યસંગ્રહ હશે જે પત્ની માટે લખાયેલો છે. દરેક કાવ્યના શબ્દે શબ્દે એક પતિનો પ્રેમ અને સચ્ચાઈભર્યો એકરાર છલકે છે.
સંગ્રહના શરૂઆતના થોડાં પાનાંઓમાં પત્ની વિશે જેમાં કહેવાયું છે એવા સંસ્કૃત શ્લોકો ગુજરાતી ભાષાંતર સાથે આપ્યા છે. પછીથી બીજા ભાગનું શીર્ષક છે ‘નામ દઈ શકાય એવા સંબંધના કાવ્યો’. જેમાં 23 કાવ્યો પત્નીને સંબોધીને છે અને ત્રીજા ભાગમાં વિવિધ કવિઓ દ્વારા આ વિષયને અનુલક્ષીને લખાયેલાં કાવ્યો તથા બે-ચાર ગદ્યખંડો પણ છે.
પ્રેમિકા-માશૂકા પર કવિતાઓના દરિયા છલકાય છે ત્યારે પત્નીને સંબોધાયેલા કાવ્યો અને આ પ્રકારના સાહિત્યનું સંપાદન જોતાં આ એક અનોખો સંગ્રહ તૈયાર થયો છે. કવિ હર્ષદેવ માધવને અભિનંદન.
OP 14.3.22
***
Varij Luhar
14-03-2022
વાહ.. સુંદર કાવ્ય
સાજ મેવાડા
14-03-2022
ખરી વાત છે, પત્ની પર બહું ઓછું લખાયું છે. જોકે ઘણા લેખકોના પુસ્તકો પત્નીને અર્પણ થયેલા જોયા છે. કવિ શ્રી હર્ષદવની રચના ખરેખર અનોખી જ છે.
છબીલભાઈ ત્રિવેદી
14-03-2022
ડો. હર્ષદેવ માધવ નુ કાવ્ય ખુબજ સરસ કવિ સંસ્કૃત રચનાઓ પણ ખુબજ સરસ લખે છે ખુબ સરસ