જુદી જિંદગી છે
જુદી જિંદગી છે મિજાજે મિજાજે;
જુદી બંદગી છે નમાજે નમાજે.
છે એક જ સમંદર, થયું એટલે શું ?
જુદા છે મુસાફર જહાજે જહાજે.
ભલે હોય એક જ એ અંતરથી વહેતા,
છે સૂરો જુદેરા રિયાજે રિયાજે.
જુદા અર્થ છે શબ્દના બોલવા પર,
છે શબ્દોય જુદા અવાજે અવાજે.
જીવન જેમ જુદાં છે કાયામાં જુદી,
છે મૃત્યુય જુદાં જનાજે જનાજે.
હઠી જાય ઘૂંઘટ, ઢળી જાય ઘૂંઘટ,
જુદી પ્રીત જાગે મલાજે મલાજે.
તમે કેમ ‘ગાફિલ’ હજીયે છો ગાફિલ ?
જુઓ, બદલે દુનિયા તકાજે તકાજે.
~ મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’ (1914-1972)
રાજકોટના વતની મનુભાઈ ત્રિવેદીએ ગાફિલ’ અને ‘સરોદ’ બંને ઉપનામથી લખ્યું છે. આટલી મધુર લોકપ્રિય ગઝલ આપનાર કવિએ ભજનરસમાં જાત વહેવડાવી છે. ‘બંદગી’ એમનો ગઝલસંગ્રહ તો સૌરાષ્ટ્રની ભજન પરંપરામાં એમણે ‘રામરસ’ અને ‘સુરતા’ બે ભજનસંગ્રહો આપ્યા છે.
આજે એમની પૂણ્યતિથિએ સ્મૃતિવંદના સહ.
OP 9.4.22
કાવ્ય : મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’ સ્વર : સીમા ત્રિવેદી સ્વરાંકન જયેશ નાયક
આભાર
17-04-2022
‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ અવ્વલજી, દીપકભાઈ, છબીલભાઈ, મેવાડાજી અને સૌ મિત્રોનો આભાર
સાજ મેવાડા
10-04-2022
લાહ, ગઝલ અને ગાયન વીડીયો પણ ખૂબ સરસ, ખૂબ ગમ્યો.
દીપક વાલેરા
10-04-2022
ખૂબ સુંદર રચના
Avval Sadikot
09-04-2022
ફરી ફરી ને મમળાવવી ગમે તેવી સદાબહાર રચના..
છબિલભાઈ ત્રિવેદી
09-04-2022
મનુભાઈ ત્રિવેદી નીરચના તેમની પુણ્યતિથિ નિમિત્તે યથાયોગ્ય રહી ખુબજ જાણીતી રચના તેઓ ભકિતરસ પણ અેટલોજ સરસ આપે છે કવિ શ્રી ને વંદન આભાર