મજાનાં શેર
તારે લાયક થાવા એણે ઘણું સહયું છે
હૈયું ચારે બાજુ થાપ્યું, સમર્પયામિ ! **
જીંદગીભર લેશ ના વરસે ભલે
શ્યામ જો વાદળ હશે તો ચાલશે **
કોઈ દર્પણમાં હજી દેખાયાં અપલક્ષણ નથી
દોસ્ત, આનંદો ! જગતમાં એક પણ રાવણ નથી ! **
કૈં બળ્યા જેવું કશે ગંધાય છે
આંખની પાછળ કશું રંધાય છે. **
વેદના વાંચી શકે, સમજી શકે છે પંખીની
માણસોની અણસમજ પર પાંજરાને ગુસ્સો છે. **
હું નથી રહેતો, ત્યજયું તેં ઘર પછી
ત્યાં હવે તારી પ્રતીક્ષા રે’ ફકત ! **
~ ગિરિરાજ બ્રહ્મભટ્ટ ‘સરળ’
‘તો લખજે કાગળ’ લઈને આવેલા કવિ ગિરિરાજ બ્રહ્મભટ્ટનું ‘કાવ્યવિશ્વ’માં સ્વાગત છે. આ કવિ ગઝલકાર અને હઝલકાર બંને છે એટલે આ સંગ્રહમાં કવિ મુખ્યત્વે ગઝલકાર છે પરંતુ ક્યાંક ક્યાંક હઝલકારની પણ હાજરી ખરી. ગઝલસંગ્રહમાં હળવાશના સૂરથી ગંભીર ચિંતન સુધી ભાવવિસ્તાર લંબાયો છે અને સહજ રીતે.
ઉપનામ જ જેમણે ‘સરળ’ પસંદ કર્યું છે, એમણે જ ‘સમર્પયામિ’, ‘ૐ સ્વાહા’ જેવા અઘરા રદ્દીફ પણ પસંદ કર્યા છે અને એને નિભાવ્યા પણ છે. એમ છતાં સમગ્રપણે એમની ગઝલોની બાની સરળ છે અને છતાંય અસરકારક બની છે.
‘કાવ્યવિશ્વ’ને આ ગઝલસંગ્રહ મોકલવા બદલ કવિનો આભાર.
OP 8.4.22
***
સાજ મેવાડા
08-04-2022
કવિ મિત્ર ‘સરળ’ની ગઝલોમાં હળવાસ અને મૂંછમાં હસ્યા કરો એવું સરળ કવિ કર્મ હોય છે.
છબીલભાઈ ત્રિવેદી
08-04-2022
ગિરીરાજ બ્રહ્ર્મભટ્ટ નુ કાવ્ય ખરેખર ખુબજ સરસ કવિ નુ ઉપનામ સરળ એટલુજ કાવ્યપણ સરળ