ભાનુપ્રસાદ પંડ્યા ~ દેખ્યાનો દેશ

દેખ્યાનો દેશ ભલે ~ ભાનુપ્રસાદ પંડ્યા

દેખ્યાનો દેશ ભલે લઈ લીધો, નાથ !

પણ કલરવની દુનિયા અમારી !

વાટે રખડ્યાની મોજ છીનવી લીધી

ને તોય પગરવની દુનિયા અમારી !

કલબલતો થાય જ્યાં પ્હેલો તે પ્હેરો બંધ પોપચામાં રંગોની ભાત,

લોચનની સરહદથી છટકીને રણઝણતું રૂપ લઈ રસળે શી રાત !

લ્હેકાએ લ્હેકાએ મ્હોરતા અવાજના વૈભવની દુનિયા અમારી !

ફૂલોના રંગો રિસાઈ ગયા, જાળવતી નાતા આ સામટી સુગંધ,

સમા સમાના દઈ સંદેશા લ્હેરખી અડક્યાનો સાચવે સંબંધ !

ટેરવાંને તાજી કૈં ફૂટી તે નજરુંના અનુભવની દુનિયા અમારી !

~  ભાનુપ્રસાદ પંડયા (24.4.1932-9.4.2022)

આપણા મૂર્ધન્ય કવિશ્રી ભાનુશન્કર પંડ્યાએ આપણી વચ્ચેથી વિદાય લીધી છે. એમના આત્માને વંદન.

ભાનુપ્રસાદ પંડ્યા ગુજરાતી સાહિત્યના કવિ તથા વિવેચક છે. 114 વિવેચનગ્રંથ તેમણે આપ્યા છે. આ ઉપરાંત તેઓએ સ્વામી વિવેકાનંદના કાવ્યોનો પદ્યાનુવાદ પણ કરેલો છે.

તેમનુ લખેલું ગીત ‘દેખ્યાનો દેશ ભલે લઇ લીધો નાથ, તોય કલરવની દુનિયા અમારી’સંખ્યાબંધ અંધજન સંસ્થાઓમાં પ્રાર્થના તરીકે ગવાય છે. એમનું આ અમર ગીત સદાય કાવ્યપ્રેમીઓના હૃદયમાં રહેશે.

OP 10.4.22

***

છબીલભાઈ ત્રિવેદી

11-04-2022

આજે આપણા મૂર્ધન્ય કવિ શ્રી ભાનુપ્રસાદ પંડયા નુ અવસાન થયું છે તેમના દિવ્ય આત્મા ને પરમ કૃપાળુ પરમાત્મા કરૂણાનિધાન ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર પરમ શાંતિ આપે તેવી પ્રાર્થના ૐશાંતિ શાંતિ

સાજ મેવાડા

10-04-2022

સ્મૃતિ વંદન.

સુધા ઝવેરી

10-04-2022

શ્રી ભાનુપ્રસાદ પંડ્યાએ ચીરવિદાય લીધી- એમની સાથે એક વાર વાત કરવાની મારી ઈચ્છા પૂરી ન થઈ શકી. ખેર. પ્રભુ એમના આત્માને પરમ શાંતિ આપે.
‘દેખ્યાનો દેશ’ મારુ પ્રિય કાવ્ય છે. જોકે મેં એમના બહુ કાવ્યો વાંચ્યા નથી. એમનું પહેલું કાવ્ય મેં કોઈ સામયિકમાં બહુ વર્ષો પહેલાં વાંચ્યું હતું. ‘કેલેન્ડરથી લીલમ લીલા ખર્યા દિવસ ક્યાં શોધું: હવે થાય કે બધી ઋતુને પતઝડ કહી સંબોધુ!’
જીવનના ગંભીર ચિંતનને હૃદયની ઊર્મિઓના તાર સાથે જોડી સૂરીલા કાવ્યો- ગીતો આપનાર દિવંગત કવિને હાર્દિક શ્રધ્ધાંજલિ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: