ઘણાં ચાલ્યાં ગયા છે
ઘણાં ચાલ્યાં ગયા છે અધવચાળે સાથ છોડીને,
અમે પણ કોઈને રોક્યા નથી બે હાથ જોડીને.
જરા એને ઘસી તો ચમકી ઊઠ્યા ચિત્રના રંગો,
પ્રથમ નજરે મેં બે કોડીની સમજી’તી જે કોડીને.
હું હાર્યો દોડવામાં એ તો સૌની આંખમાં આવ્યું,
સિતમ છે કોઈએ ના જોઈ મારી કાખઘોડીને.
હતો ગમગીન એક ચહેરો, હજારો થઈ ગયા એના,
કરી છે ખૂબ મોટી ભૂલ ઘરમાં કાચ ફોડીને.
ભલા એક ભીંત ને ફોટાનું મિલન શું કરાવ્યું’તું,
કરી દીધી બહુ બદનામ ખીલીએ હથોડીને.
અહીં શક્તિની સાથે એક બે પીડાય આવે છે,
કદી આડી પડીને ઊંઘતી જોઈ છે ઘોડીને?
‘વિકી’ અંદર કશું છે એટલે દુનિયા નડે છે બસ,
સમંદર કંઈ નથી કરતો કદી પણ ખાલી હોડીને.
~ વિકી ત્રિવેદી
એક તેજભરી કલમ એટલે વિકી ત્રિવેદી….
એક સીધીસાદી વાત લઈ પ્રથમ શેર મુકાયો, ત્રીજે ચોથે તો એ જબ્બર ઊંચકાયો….વાહ… ને અંત એક ખાલી હોડીના ચિંતનથી કેવો સરસ સૂચવાયો !!!
Op 17.4.22
છબીલભાઇ ત્રિવેદી
17-04-2022
વિકી ત્રિવેદી ની રચના ખુબ સરસ બધા શેર ખુબ ગમ્યા આવા નવા નવા કાવ્યનો ખજાનો કાવ્યવિશ્ર્વ મા માણવા મળે છે તેનો ખુબ આનંદ છે આભાર