રન્નાદે શાહ ~ આ હવામાં

રન્નાદે શાહ : આ હવામાં ક્યાંક તારી ગન્ધ છે

આ હવામાં ક્યાંક તારી ગન્ધ છે
તું નથી એ પણ સમયનો રંગ છે.

હું શ્વસું કેવળ તને પાગલ થઇ
શ્વાસમાં એથી ધબકતો છંદ છે.

આ પ્રતીક્ષાને મળે લાંબી ક્ષણો
ઓ સમય ! બદનામ તારો વંશ છે.

આંખના ઝાકળ હવે ક્યાં બેસશે ?
પાનખરની ચાલમાં પણ કંપ છે.

ભીડમાં દોડ્યા કરું છું એકલી
આ વિરહ તારા સુધીનો પંથ છે…

~ રન્નાદે શાહ

પ્રેમમાં સણકા અને સુખ વચ્ચે એક અળવીતરો સંબંધ છે. જે પીડે એ જ સુખ પણ દે. વિરહના દર્દમાં સુખનીય એક ધીમી આંચ હોય…. એ જ તો પ્રેમની ખૂબી છે.

પ્રેમ, વિરહ અને મિલન વિશે એટલું બધુ સુંદર લખાઈ ચૂક્યું છે કે એ વિશે લખવું એ સાગરમાં બુંદ ભેળવવા જેવું લાગે. સાથે સાથે એ સવાલ પણ જાગે કે, એકસાથે બે-ત્રણ ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડને ચકાસતા રહેતા કે જરાક વાંધો પડતાં ફટ દઈને પાર્ટનર બદલી નાખતા આજના યુવાનો ! ઘરનાનો વિરોધ અવગણીને ભાગીને લગ્ન કરતું યુગલ ત્રણ મહિનામાં ડિવોર્સ પેપર સહીઓ કરીને નવી શોધમાં નીકળી પડે એમાં હવે કોઈને નવાઈ લાગતી નથી. લોકો કહે કે જુઓને, કેવો સમય આવ્યો છે ! સમય બિચારો શાંતિથી પહેલાંય એનું કામ કરતો હતો, આજે પણ કરે છે અને કહે છે આમાં મારી કોઈ ભૂમિકા નથી. એટલે જ જે કલ્પન વધુ ગમ્યું એ આ – ‘આ પ્રતીક્ષાને મળે લાંબી ક્ષણો, ઓ સમય ! બદનામ તારો વંશ છે’.

અને બીજી વાત એ કે કવિએ શા માટે વિચારવું કે આ કઈ પેઢીને સ્પર્શશે ? જ્યારે કશું પણ લખાતું હોય ત્યારે એ સ્વાન્ત: સુખાય જ હોય છે.

Repeat post

OP 22.8.22

***

આભાર

27-08-2022

આભાર મેવાડાજી, છબીલભાઈ

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનાર સૌનો આભાર.

છબીલભાઈ ત્રિવેદી

22-08-2022

વાહ ખુબ સરસ આ પ્રતિક્ષા ને મળે, ઓ સમય બદનામ તારો વંશ છે સમય તો સમય નુ કામ કરે છે માણસ ના મનોભાવ બદલાય છે આભાર લતાબેન

સાજ મેવાડા

22-08-2022

ખૂબ જ સરસ ગઝલ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *