ચંદ્ર પરમાર ~મધરો મધરો પાયો કલાલણ

મધરો મધરો

મધરો મધરો પાયો કલાલણ!
અંકાશે હું ના માયો રે લોલ,
મુંને નેણકટોરો ઉલાળી કલાલણ!
ચંઈનો ચંઈ ઉછાળ્યો રે લોલ.

આંખે આભલિયું આંજ્યું કલાલણ!
પગલે પતાળ મેં દાબ્યું રે લોલ,
સૂરજમાં મુખ મેં ધોયું કલાલણ!
ચાંદલામાં મુખડું જોયું રે લોલ.

બત્રી કોઠે દીવા ઝળકે કલાલણ!
રૂંવેરૂંવે તારા લળકે રે લોલ,
રગેરગે તે રંગ છલકે કલાલણ!
અણસારે મેઘ-ધજા ફરકે રે લોલ.

મધરો મધરો પાયો કલાલણ!
અંકાશે કૈં ના માયો રે લોલ,
આવડું અંકાશ ભલે ઓછું પડે તું મારી
બાંધણીની ગાંઠે બંધાયો રે લોલ….

~ ‘ચંદ્ર’ પરમાર (26.6.1920 – 16.9.1994)

*કલાલણ – દારૂ વેચનાર સ્ત્રી

જન્મદિવસે કવિને સ્મૃતિવંદના

મૂળ નામ રામચંદ્ર પથુભાઈ પરમાર, તળપદી બાનીનો ઉપયોગ, કાવ્યસંગ્રહ ‘તમાં ઘરે આવશાં પરા’

(કાવ્યસંગ્રહ માહિતી આધાર : બૃહદ ગુજરાતી કાવ્યસમૃદ્ધિ – સં. સુરેશ દલાલ P 227 * ‘ગુજરાતના સારસ્વતો’ ખંડ 2 માં આ કવિના કાવ્યસંગ્રહની કોઈ વિગત નથી. ‘તમાં ઘરે આવશાં પરા’ એ ગીત ‘રેખ્તા’ વેબસાઇટ પર છે. પૂરક માહિતી માટે કવિ શ્રી અનંત રાઠોડનો આભાર.

આપને મારી આ મજ્જાની વાત વાંચવી ગમશે. આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *