હરઘડી જે ટોચ દેખાડે મને,
ખીણમાં એ ક્યાંક ના પાડે મને !
યાદ આવે આભ ઓઢેલા બધાં,
એવી ચાદર કોઈ ઓઢાડે મને.
પ્રાર્થના આવી ગઈ હોઠે તરત,
ક્યાં પહોંચાડી દીધાં ખાડે મને !
હું પડ્યો છું ગામમાં તારા ભૂલો,
કોઈ હવે મારગ ન સૂઝાડે મને.
જેમણે ઘરનો ખૂણો જોયો નથી,
ક્યાંથી એ સંસાર દેખાડે મને.
સૌ ઊભાં છે ધૂળના મુઠ્ઠા ભરી,
કોણ અહીંયા રંગ ઉડાડે મને.
~ રાકેશ હાંસલિયા
