ભગવતીકુમાર શર્મા ~ઊભો’તો

ઊભો’તો વૃક્ષ નીચે અને વીજળી પડી;
માળાની સાથે આખી હયાતી ઢળી પડી.

ખોટી જગ્યાએ જ્યારે કોઈ આંગળી પડી,
જે
નાચતી હતી તે કઠપૂતળી પડી.

જીવું છું ઘાસબીડમાં અધ્ધરજીવે સતત;
લે
, જો, મારા હાથથી દીવાસળી પડી.

પોથીની વચ્ચે ટાંપ તરીકે મૂકીશ હું;
સરકી
ગયો સરપ અને કાંચળી પડી.

દર્પણની છોડ દોસ્તી, ચકલી સભાન થા;
તારા
નીડમાંથી ફરી એક સળી પડી.

ફૂલોએ આંખ મીંચી દીધી દુઃખથી તરત,
જેવી
કો ડાળખીથી ગુલાબી કળી પડી.

વાગ્યા ટકોરા તોય ના ઊઘડી શક્યાં કમાડ;
સન્નાટે
સૂતી શેરી ઝબકી છળી પડી.

~ ભગવતીકુમાર શર્મા (31.5.1934 – 5.9.2018)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *