રાકેશ હાંસલિયા ~ છોડીને ખાબોચિયું

છોડીને ખાબોચિયું જાતો નથી,
હંસ છે તું, કેમ શરમાતો નથી ?

એવું ક્યાં છે, જીવ વીંધાતો નથી,
એમ કાંઈ શ્લોક સર્જાતો નથી.

મોર છું, ટહુકીશ મારી રીતથી,
કોઈનીયે જેમ હું ગાતો નથી.

જીતવાની ઝંખના છોડી દીધી,
એટલે એ શખ્સ જીતાતો નથી.

કોઈ નીચે સાથે બેસી જાય છે,
આ સમય સ્હેજેય શરમાતો નથી !

એમાં ધિક્કારે છે આખુંયે ગણિત ?
દાખલો જો એક સમજાતો નથી  !

છોડનું દુર્ભાગ્ય, બીજું શું કહું,
વડ કદી જો એને ખીજાતો નથી.

જિન્દગીનો કેટલો છે ત્યાં અભાવ,
ને બધાં ખુશ છે કે કરમાતો નથી.

~ રાકેશ હાંસલિયા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *