સમયનો સ્પર્શ * Lata Hirani
સમયનો સ્પર્શ
તું બાંધ સમયને મુઠ્ઠીમાં, હું પળને ઝાલી લ્હેર કરું
બ્રહ્માંડ સકળ અજવાળી દે એ શબ્દોની હું સ્હેલ કરું. – લતા
એક નવું જોશ લઈને આવે છે મુસીબતો. એક નવી હિમ્મત લઈને આવે છે પહાડ જેવા પડકારો. ઉનાળાનો આકરો તાપ જળભર્યા વાદળ આપીને જાય છે. 2020 વર્ષના દિવસો ક્યારે પૂરા થાય એ ગણીને આંગળીના ટેરવાં થાકી ગયાં હતા, કેલેન્ડરની તરફ જોઈને આંખો પલકારા મારવાનું પણ ક્યારેક ચૂકી ગઈ હતી, કેટલી વીસે સો થાય છે એ કહેવત સમયે બરાબર સમજાવી દીધી, વીસનો આંકડો ભૂલી જઈએ એ હદે !!! કેમ કે આખું વિશ્વ એ દિવસો પૂરા થવાની પ્રતીક્ષામાં હતું અને સૌની નજર સામે મંડાયેલું હતું નવું વર્ષ 2021 !! આખરે એ આવી ગયું, હા…શ મળવાની આશ હતી અને એ ઠગારી નથી જ નીવડી. અલબત્ત ધીરજ એ કેળવવા જેવો ગુણ છે એવું પ્રકૃતિ આપણને સતત શીખવાડી રહી છે.
સ્વાભાવિક છે કે 2020 યાદ કરવું ન ગમે પરંતુ જે મુસીબતે સમાજને ખળભળાવ્યો, સ્વજનોની વિદાયે આંખના આંસુ ન સુકાવા દીધા, એ જ મહામારીએ ચારેબાજુ અનેક પોઝિટિવિટીને જન્મ આપ્યો છે. આ વિશે ઘણું કહેવાયું છે એટલે એ મુદ્દો આપણે છોડી દઈએ. આંતરશક્તિનો વિકાસ એ કોરોનાકાળની ભેટ ગણી શકાય. રસી આવી ગઈ એ હાશનો એક મોટો સંદેશો છે અને ભારત તેના ઉત્પાદનમાં મોખરાના સ્થાને રહેશે એ રાજીપાની બાબત છે. મોટામાં મોટી ઘટના એ કે કાગળો તપાસવા કે ફાઈલો ફેંદવી એ ધીમે ધીમે આર્કાઈવ્ઝ બનતું જાય છે અને કમ્પ્યુટર કે મોબાઇલના કીપેડ પર ફરતી આંગળીઓ આદમીને અવકાશી ઉડાનમાં એંગેજ રાખે એ સમય આંખ સામે જ છે.
દરેક સમયખંડને એની આગવી સુગંધ હોય છે. અભાવ ક્યારેક પ્રભાવ બનીને આવે તો એને વધાવી જ લેવો ને ! કાવ્યવિશ્વ વેબસાઇટ ખુદ કોરોનાકાળની ફળશ્રુતિ છે. વર્ષોથી મનમાં ઘોળાતા રહેતા વિચારનું નક્કર સ્વરૂપે અવતરવું અને વિકસવું એ આ કાળની જ દેણ ! અધવચ્ચ ઓકટોબરે શરૂ થયેલી આ વેબસાઇટની વય 76 દિવસની થઈ છે અને વિઝિટનો આંકડો 3900 પાર કરી ચૂક્યો છે તો પ્રોત્સાહક શબ્દો લખનાર મિત્રોના અભિપ્રાયોની સંખ્યા પણ 470 વળોટી ગઈ છે. વધારે આંકડાઓ ગઇકાલની પોસ્ટમાં છે જ. આ આંકડાઓ મનને સંતોષ અને સધિયારો આપે છે. એ પણ કહીશ કે કાવ્યવિશ્વ, શરૂ થયા પછી તમામ દિવસોએ અપડેટ થયું છે. રજાના દિવસે પોસ્ટ ન મુકાઇ હોય પણ ‘ઉજાસ’ બોક્સમાં જેમના જન્મદિવસ હોય એવા કવિઓની પંક્તિઓ જરૂર મુકાઇ છે.
કાવ્યવિશ્વ માટે અભિપ્રાય લખનારા તમામ કાવ્યરસિક મિત્રો અને મહાનૌભવાઓનો હું દિલથી આભાર માનું છું. ખૂબ આનંદ એ વાતનોય છે કે અનેક વિખ્યાત કવિઓ, સાહિત્યકારોએ કાવ્યવિશ્વની નોંધ લઈને અભિપ્રાય વિભાગમાં સહજ રીતે પોતાના પ્રતિભાવો લખ્યા છે, એમને હું હૃદયથી વંદન કરું છું. એમણે બસ આ કામ જોયું અને લખ્યું ! એનો આનંદ અને ગૌરવ ખરાં જ.
અઢી મહિનાના કાવ્યવિશ્વના આયુષ્યમાં ડિસેમ્બરમાં આપણે કોરોના વિભાગ બનાવ્યો. વીસેક કોરોના કાવ્યો મૂક્યા. પછી બદલાતા સમયે એ વિષમખંડને ભૂલી જવા આદેશ કર્યો, સ્વીકાર્યો. હવે નવા વર્ષે વળી કંઈક નવું વિચારીશું અને કરીશું. દરેક કામમાં એ બાબત મુખ્ય રહેશે કે એ કવિતા સાથે સંકળાયેલ હોય. વેબસાઇટના પ્રારંભે મેં લખ્યું હતું કે કાવ્ય અંગેના તમામ પાસાં આવરી લેતી આ વેબસાઇટ છે, એવો મારો પ્રયત્ન ચોક્કસ રહ્યો છે. આ ગમતાંનો ગુલાલ તો છે જ મિત્રો, પણ હજુ એમાં ઘણું કામ કરવાની જરૂર છે. મનમાં અનેક કલ્પનાઓ છે, જે હજુ સાકાર થવી બાકી છે. સપનાં જોવાની કોઈ ઉંમર નથી હોતી. આમ જુઓ તો ઓસરતી સાંજે આરામખુરશીમાં લાંબા પગ કરીને આકાશ જોયા કરવાનો રોમાંચ એટલો જ છે, તોયે નવું કરવાનો ધખારો ઓછો નથી થયો. અંદર કશુંક એવું ભરાયેલું છે જે જંપવા નથી દેતું ! ભીતર પૂરેલા અવકાશને વિસ્તરવું છે.
કાવ્યવિશ્વનો નકશો મનમાં ચિતરાયેલો છે જ. અલબત્ત એને નકશો કહેવું ખોટું છે કેમ કે એમાં બહારની કોઈ રેખાઓ જ નથી ! નવી નવી રેખાઓ ડાળી પરના પાંદડાની જેમ ફૂટયા કરે છે, વધ્યા કરે છે ને રંગીન ફૂલો લટકામાં ! આ બધું મનથી સ્ક્રીન સુધી પહોંચે એ એક જ એજન્ડા. રોજ એક કવિતા મૂકીને કે વાંચીને સંતોષ લેવાની આ બાબત નથી જ. આ પ્લેટફોર્મને અભ્યાસલક્ષી બનાવવું છે, ભવિષ્યની પેઢીને માટે એ સંદર્ભ પૂરો પાડી શકે એ કક્ષાએ એને લઈ જવું છે. નવી પેઢીને સાહિત્યાભિમુખ બનાવવાના રસ્તે ચાલવું છે. એ માટે નવ્ય કવિઓને પણ જગ્યા આપવી પડશે. વિદ્યાર્થીઓ સુધી પહોંચવું છે. કાર્યક્રમો કરવા છે અને ઘણું ઘણું. તણખલાઓ ભેગા કરીને માળા સુધી પહોંચાયું, હવે મન ઊડ્યા કરે છે. એક એક આંગળી નવા રંગો પૂરી શકે, માળાને વધુ ઘટ્ટ, વધુ હૂંફાળો, વધુ રૂપાળો કરી શકે અને એને આવકારવા અંતર આતુર છે. પળોના બંધનથી પરવારી ગયેલા લોકોના હૂંફાળા હાથ આ કરી શકે.
આપણે જાણીએ છીએ કે હવે નેટવિશ્વ છલકાય છે. ઝોળીમાં ન સમાય એટલું લઈને આવે છે પણ કોઈક ને કોઈક રીતે પસંદગીનો દોર હંમેશા માનવીના હાથમાં રહ્યો છે. આ ઘડીએ આટલું કહેવું જ રહ્યું.
તો મિત્રો, નવા વર્ષનો ઉજાસ અસ્તિત્વમાં પથરાવા તૈયાર છે….. હૂંફ હૈયાવગી રહે, સથવારો હથેળીમાં લીંપાયેલો રહે, ટેરવે નવી દુનિયા ઉપસતી રહે અને પરમની કૃપા સૌના હૃદયસ્ક્રીન પર સતત ડાઉનલોડ થતી જ રહે, એથી વિશેષ શું ઈચ્છી શકાય ?
તમારો સાથ-સંગાથ છે, હૈયામાં અઢળક આનંદ છે. આસમાનથી આપણાં સૌ ઉપર સત્વ અને શુભતા વરસી રહ્યા છે, ઝીલીએ અને ઝીલાવીએ, ભીંજાઈએ અને ભીંજવીએ.
ડગ ભરાતા જાય છે, યાત્રા ચાલતી રહેશે…. આશા, વિશ્વાસ અને સ્વપ્ન પણ.
જોતા રહો www.kavyavishva.com
આભાર સૌનો.
લતા હિરાણીના વંદન.
OP 1.3.2021
પ્રતિભાવો