વિક્રમ સંવત 2077ના સત્કારમાં એક વિચાર * Lata Hirani

નવા વર્ષે પહેલાં આપ સૌનો આભાર અને આનંદ વ્યક્ત કરી લઉં છું કેમ કે ‘કાવ્યવિશ્વ’ને આપ સૌએ ખૂબ વધાવ્યું છે, કવિઓ અને ભાવકોનો અઢળક સ્નેહ મળ્યો છે અને આપ સૌના પ્રેમ અને સહકારથી એ ભર્યું ભર્યું છે. આમ જ આપ સૌ ‘કાવ્યવિશ્વ’ સાથે રહેશો એવી અપેક્ષા છે.

નવું વર્ષ, વિક્રમ સંવત 2077 શરૂ થઈ ચૂક્યું. નવા વર્ષનો ઉત્સાહ દર વર્ષ જેવો તો ક્યાંથી હોય ? આપણી જ આસપાસ કેટલાય આ નવું વર્ષ જોવા નથી પામ્યા, એનો વિષાદ જાય એમ નથી જ પણ સમય કહે છે કે જે થયું છે, જે છે; એમાં સમતા રાખવી. સ્વીકાર કરવો સૌ પરિસ્થિતિનો.

તહેવારો આવીને ગયા. ક્યારેક આસપાસ ફેલાયેલી પીડા પણ કારણ બનતી હોય છે, જે મળ્યું છે એને વધાવવાની. હા, આપણે હજી સલામત છીએ તો એનો સંતોષ લઈએ. કદાચ ઈશ્વરે તક આપી છે, ખુશ રહેવાની અને બીજા સુધી ખુશી પહોંચાડવાની. ચારેબાજુ ફેલાયેલી નિરાશા અને હતાશાને હટાવવા માટે આ વખતે દિવાળીના પર્વની થોડી ઉજવણી થઈ. પહેલાં ફરજિયાત લોકડાઉન અને પછી સ્વૈચ્છિક ઘરવાસ, ખાસ કરીને સિનિયર સીટીઝન્સ અને બાળકો માટે બહુ કપરાં બની રહ્યાં. બે-પાંચ દિવસો થોડી ઉજવણી કરી, એની નવી ઉર્જા મેળવીને ફરી આપણે રોજિંદા જીવન તરફ વળ્યાં છીએ ત્યારે આસપાસની પરિસ્થિતિ બદલાયેલી હોઈ શકે. મહામારીએ વળી પોતાનો ફેલાવો વધાર્યો હોય એવું ઘણી જગાએ બની શકે.

વીતેલા સમયે સૌને બતાવ્યું છે કે કપરા કાળમાં માણસે પોતાની માનવતા છોડી નથી. અનેક જગ્યાએ અનેક દીવાઓ ઝળહળી ઉઠ્યા છે. ડોકટરોએ તો જાણે ધૂણી ધખાવી છે, એ સિવાય પણ અસંખ્ય લોકોએ પોતાનાથી બનતું બધું કર્યું છે અને આપણે એનાથી વિદિત છીએ. સરવાળે સંતોષ થાય કે માનવીમાં શ્રદ્ધા સચવાઈ રહે એવું ઘણું છે. કાળી બાજુ ભલે રહી પણ ઊજળી બાજુ નાની નથી.  

છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલા આ કોરોનાના કહેર દરમિયાન અનેક નવાં કાર્યો પણ થયાં છે. કાર્યો કરવાની નવી પદ્ધતિઓ અમલમાં આવી છે. ઘણા સર્જકોએ આ સમયનો ભરપૂર ઉપયોગ કર્યો છે. નેટવિશ્વ કોરોના સર્જનથી ભર્યું ભર્યું છે. અનેક ઈસંપાદનો થયાં છે, ઈસામયિકો ખાસ આ મહામારીને અનુલક્ષીને તૈયાર થયાં છે. આ ‘કાવ્યવિશ્વ’ પણ વર્ષોથી મનમાં ઘોળાતા વિચારનું લોકડાઉન સમયમાં થયેલું અમલીકરણ છે ! અને હવે આ વિચારનું અનુસંધાન એ ‘કાવ્યવિશ્વ’માં હાલ આ વિષયને લગતા કાવ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું. બની શકે તો આવતા મહિનાથી આવાં કાવ્યોને પ્રાથમિકતા આપવી. 

મહામારીને લઈને નવું સાહિત્ય સર્જાયું છે અને સર્જાતું રહેશે. યુગપરિવર્તનમાં મોટી ભૂમિકા ભજવનાર સાહિત્યકારો, કવિઓને આપણે જાણીએ છીએ. સર્જકના શબ્દની તાકાતથી આપણે સૌ પૂરા પરિચિત છીએ.

સમય એનું કામ કરે છે પણ એકબાજુ પીડા છે તો એની સામે પારકાને પોતીકા કરવાનો પરમાર્થ પણ છે. હતાશા છે તો સામે હામ વધારે એવા હોંકારાઓ પણ છે. ઘણું ખોટું થયું છે તો ઘણું સાચું ઊગી નીકળ્યું છે. ટૂંકમાં માનવતા સદાયે જીવતી જ હોય છે અને  આવી મહામારીમાં, આપદામાં એ નવું તેજ લઈને પ્રકાશી રહે છે. વેદનાના સાગરમાં પણ ટટ્ટાર ઊભા રહીને મહામારી સામે ટક્કર લેતી માનવતાને સર્જકે વધાવવાની છે. પીડિતોની પીડાને જનસમુહ સુધી પહોંચાડીને કોઈક રીતે એને સહાયભૂત થવાનું છે. એ સર્જકની સમય સામે ટક્કર છે. ‘કાવ્યવિશ્વ’માં આવતા મહિનાથી આ પ્રકારની રચનાઓને પ્રકાશિત કરવાનો અગ્રતાક્રમ રહેશે. 

આપના અને આપના પરિવાર માટે તથા પૂરા સમાજ માટે નવા વર્ષમાં સ્વાસ્થ્યની સુકામનાઓ સાથે

આપ સૌને વંદન.

લતા હિરાણી

OP 19.11.2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: