અનિલ જોશી ~ ખોળો વાળીને સીમ ફેંદી વળી

*ઘેટાં ખોવાઇ ગયાં*

ખોળો વાળીને સીમ ફેંદી વળી ને
હવે ફળિયે બેઠી છું મારી ધૂનમાં,
કે મારાં ઘેટાં ખોવાઈ ગયાં ઊનમાં.

રણની રેતીમાં જો મોતી ખોવાય તો
રણને હું આંક લઇ ચાળું

ઊનના ઢગલામાં કાનટોપી દેખાય, પણ
ઘેટાંને ક્યાંય નહીં ભાળું.

નેજવું કરીને આખો વગડો જોયો ને
હવે ડેલીએ બેઠી છું મારી ધૂનમાં,

કે મારાં ઘેટાં ખોવાઇ ગયાં ઊનમાં.

ઊનના દોરાની એક કેડી પકડીને
હું ઘેટાં ગૂંથવા બેઠી
ઘેટાંને બદલે હું હાથમોજું લૈયાવી
કેટલીયે ગૂંચ મેં તો વેઠી.

ઊનના દડાની હૂંફ આઘી હડસેલી
હવે તડકે બેઠી છું મારી ધૂનમાં,
કે મારાં ઘેટાં ખોવાઇ ગયાં ઊનમાં.

ઊનને મેં ઘેંટાની ચામડી માની, પણ
ઘેંટાને ઊન થકી છેટું
મારું કોઇ ઠેકાણું રહ્યું નથી ક્યાંય

મારા ધાબળાનું સરનામું ઘેટું
કાળો તે કામળો ઓઢીને શેરીએ ફરવા
નીકળી છું મારી ધૂનમાં,

કે મારાં ઘેટાં ખોવાઇ ગયાં ઊનમાં.

~ અનિલ જોશી

@@

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *