અનિલ જોશી ~ ઝીણા ઝીણા * સ્વર : કૌમુદી મુનશી, વિભા દેસાઈ

]

🥀🥀

*ઝીણા ઝીણા રે આંકેથી*

ઝીણા ઝીણા રે આંકેથી અમને ચાળિયા
કાયા લોટ થઈને ઊડી, માયા તોય હજી ના છૂટી
ડંખે સૂની મેડી ને સૂનાં જાળિયા
ઝીણા ઝીણા રે આંકેથી અમને ચાળિયા

સૂની ડેલીને જોઈ પૂછશો ન કોઈ કે
અવસરિયા કેમ નથી આવતાં?
પાંદડું તૂટે તો લોહી નીકળશે ડાળને

એટલે તોરણ નથી રે બાંધતાં!
ઝીણા ઝીણા રે આંકેથી અમને ચાળિયા

છાપરે ચડીને મારું જીવતર બોલે તો ઈને
કાગડો જાણીને ના ઉડાડજો!
કાયાની પુણીમાંથી નીકળે જે તાર ઈને

ખાંપણ લગી રે કોઈ પુગાડજો!
ઝીણા ઝીણા રે આંકેથી અમને ચાળિયા

એકલી સળીને કોયલ માળો માનીને
જીવતર જીવી ગઈ હવે થાય શું?
ઈ રે માળામાં કોઈ ઈંડુ ના મૂકજો

મૂકશો તો હાલરડાં ગાઈ શું!
ઝીણા ઝીણા રે આંકેથી અમને ચાળિયા 

~ અનિલ જોશી

કવિ : અનિલ જોશી * સ્વર : કૌમુદી મુનશી – વિભા દેસાઈ * સ્વરાંકન : ક્ષેમુ દિવેટીઆ

6 thoughts on “અનિલ જોશી ~ ઝીણા ઝીણા * સ્વર : કૌમુદી મુનશી, વિભા દેસાઈ”

  1. ગીતો ને ગા બંને સરસ છે. કવિને ને ગાનાર બહેનોને અભિનંદન.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *