કવિ કાન્ત ~ કુમાર જૈમિની શાસ્ત્રી * Kant * Kumar Jaimini Shastri
![](https://i0.wp.com/www.kavyavishwa.com/wp-content/uploads/2022/11/કાન્ત.webp?resize=604%2C604)
કવિ-વિવેચક નિરંજન ભગતે નોંધ્યું છે : ‘બે કાન્ત છે, એક કવિ કલાકાર કાન્ત અને બીજા ખ્રિસ્તી સ્વીડનબોર્ગી કાન્ત.’ કવિ સુન્દરમ્ની જેમ કાન્તનું ચિત્ત પણ પ્રણય અને ધર્મ વચ્ચે દ્વિધા અનુભવે છે. ભૃગુરાય અંજારિયા 1897 પહેલાંના અને એ પછીના કાન્ત’ (એજન) એવા બે વિભાગ પાડે છે. જીવનના આ બંને તબક્કાઓમાં કાન્ત સત્યશોધક બની રહ્યા છે. 1897 પછીની કવિતામાં કાન્તે ઈશ્વર પ્રત્યે શરણાગતિનો ભાવ વ્યક્ત કર્યો છે. જ્યારે પૂર્વેની રચનાઓમાં ઈશ્વર પ્રત્યેની એમની આસ્થાની પૂંઠેથી આંશિક સંશય ડોકાય છે.
‘પૂર્વાલાપ’માં મુખ્યત્વે ભક્તિ, પ્રણય અને મિત્રપ્રેમનાં કાવ્યો મળે છે. એમાંથી પસંદ કરેલાં ૪૧ કાવ્યોનો સંચય શ્રી ડૉ. દિલાવરસિંહ જાડેજાએ ૧૯૮૫માં પ્રગટ કર્યો હતો, જેની એકાધિક આવૃત્તિઓ પ્રગટ થયેલી છે. અત્રે ‘કાન્તનાં કાવ્યો’ને આધારે એ કાવ્યોની વિષયચર્ચાનો ઉપક્રમ સ્વીકાર્યો છે. ‘કાન્તનાં કાવ્યો’માં ‘ઈશ્વરસ્તુતિ’, ‘પ્રભુપ્રાર્થના’, ‘અંતિમ પ્રાર્થના’, ‘હિંદ માતાને’ અને ‘વસંત પ્રાર્થના’ જેવાં ભક્તિકાવ્યો સંગ્રહીત છે. એમાંથી ‘હિંદ માતાને’ કાવ્ય માતૃભૂમિની વંદના માટેનું કાવ્ય છે અને ‘વસંત પ્રાર્થના’માં પ્રાર્થના ઓછી, પ્રકૃતિની પ્રશસ્તિ વધુ છે .
‘મારી કિસ્તી’ કવિની પ્રારંભકાળની રચના છે. એમાં નિરાશાનો ભાવ પ્રગટ થયો છે. કાન્તે એક સ્થળે લખ્યું છે કે, ‘કોઈ વખત આનંદના સાગરમાં મારી કિસ્તી ઊછળે છે ને કોઈ વખત દુઃખના વિચારમાં ડૂબી જાઉં છું.’ કાન્તના પ્રસ્તુત ઉદગારનો ‘મારી કિસ્તી’માં પડઘો પડ્યો છે. ‘આવા તોફાનમાં જરૂર ડૂબશે મારી કિસ્તી !’ એવી અહીં કવિએ દહેશત વ્યક્ત કરી છે. ‘પૂર્વાલાપ’ના અંતિમ કાવ્ય ‘અંતિમ પ્રાર્થના’માં અભિવ્યક્ત કરુણ ભાવની સાથે આ રચનાનું અનાયાસ જ અનુસંધાન મળે છે. એમાં સખત-લખત, અગર-નગર, ડરત-કરત, ચંદર-બંદર, ચરસ-સરસ, વગેરે જેવા ચુસ્ત અંત્યાનુપ્રાસ ખાસ ધ્યાન ખેંચે છે.
‘માનસસર’ જેવી ગીતરચનામાં કવિએ ગતિશીલતાનું ઈન્દ્રિયગ્રાહ્ય શબ્દચિત્ર આપ્યું છે, જે ભાવકને સંતર્પક નીવડી શકે. જેમ કે –
હાય ! વધે જલ, અલ્પ દીસે સ્થલ, છેવટ રે ! શું થાશે ?
નાજુક પાળ, પ્રચંડ ભરાવો : હા ! શી રીત સમાશે ? / જલ બલ ન ચળ્યું હો ! સહસા.
આવી કાવ્યપંક્તિઓમાં જલપ્રવાહનું ધ્વનિસામ્ય સહિત તાદૃશ ચિત્ર ઊભું થયું છે. કાવ્યની અંતિમ કડીમાં પાણીના વહેણનું સ્વભાવોક્તિપૂર્ણ વર્ણન મળે છે. દા.ત.,
ઉપર થઈ ઢોળાય બધેથી મસ્ત ધોધવા દોડે : / જંગ બરાબર થાતાં નિર્બલ પરિસીમાને તોડે :
‘પ્રભુપ્રાર્થના’માં પ્રભુ પ્રત્યેની સંપૂર્ણ શરણાગતિનો અવાજ પ્રગટ થયો છે. કવિએ અહીં શાંતિ અને સંતોષની લાગણી વ્યક્ત કરી છે, જે એવું સૂચવે છે કે તેમની આરંભકાલીન દ્વિધા કે સંશયની અવસ્થા પૂરી થઈ ચૂકી છે અને કવિ નિર્ણયાત્મક અવસ્થા પામ્યા છે. ખ્રિસ્તી ધર્મની અસર તળે કવિએ અહીં ‘પિતા’ શબ્દનો ઉલ્લેખ કર્યો છે. વિર કસોટીએ આ કાવ્ય સામાન્ય કક્ષાનું જણાય છે. પણ તેમાંની અમુક પંક્તિઓ ધ્યાન ખેંચે છે. જેમ કે –
દુનિયામાં ભલે કોઈને હું દીન ના ગમું : / તમને ગમું જો તાત ! તો ન કાંઈ તે સમું.
‘અંતિમ પ્રાર્થના’ કાવ્ય વાસ્તવમાં કવિકર્મનો અંતિમ ઉન્મેષ છે. એમાં કાન્તની જીવનયાત્રાના અંતિમ તબક્કાના ઉદ્ગારો પ્રગટ થયા છે. કાન્તે તેમના અવસાનના અઠવાડિયા પૂર્વે કાશ્મીરમાં મુકામ કર્યો હતો ત્યારે આ કાવ્ય રચ્યું હતું. ‘કાન્ત’ના પ્રથમ કાવ્ય ‘મારી કિસ્તી’ના હાર્દનું આ કાવ્યની સાથે આશ્ચર્યજનક અનુસંધાન સ્થપાય છે. ‘સખત ભવસમુદ્ર’માં પોતાની કિસ્તી સાથે ઝુકાવનાર કવિએ આ કાવ્યમાં હતાશાનો આર્ત્ત સ્વર વ્યક્ત કર્યો છે :
‘મારી હોડી ખરાબામાં તૂટી ગઈ.’
‘હિંદ માતાને સંબોધન’ એ ભાવાત્મક એકતા વિશેનું ભાવગીત છે. ગાંધીજીના અસહકાર આંદોલનના એક ભાગ રૂપે ભાવનગરની જાહેરસભામાં ગાવા માટે કવિએ આ પ્રાસંગિક ગીત રચ્યું હતું. ‘ચાહો બધાં પરસ્પર’ અને ‘સાહો બધાં પરસ્પર’ એવું ભાવાત્મક એકતાનું સૂત્ર આ ગીતમાં બખૂબી વણી લેવામાં આવ્યું છે.
‘વસંતપ્રાર્થના’માં વનદેવતા વસંતને પ્રાર્થના કરવામાં આવી છે. વનમાં પ્રભાવ દાખવતી વસંત જનજીવનમાં પણ પ્રગટે અને વિમલ ધર્મ રૂપે વિલસી રહે એવી મહેચ્છા કવિએ પ્રગટ કરી છે.
વસંત વનદેવતા ! શુભ, સદૈવ સત્યંવદા,
કરે વિહગ વિશ્વનાં મધુર ગાન તારાં સદા.
આવી ઉદાત્ત પંક્તિઓથી થયેલો કાવ્યનો ઉપાડ પ્રભાવક છે. શેષ કાવ્યમાં ખાસ કશો નોંધપાત્ર ઉન્મેષ વરતાતો નથી. ‘કાન્તનાં કાવ્યો’ કે ‘પૂર્વાલાપ’માં જે કવનવિષયો-ભક્તિ-પ્રણય અને મૈત્રી જોવા મળે છે, એ કવિના જીવનની સાથે પણ ગાઢપણે સંકળાયેલાં છે. મિસિસ બ્રાઉનિંગના એક કાવ્યનો ‘પ્રણયની ખાતર જ પ્રણય’ એવા શીર્ષક સાથે અનુવાદ કર્યો છે. તેમાં એમણે ઉદાત્ત પ્રણયભાવના વ્યક્ત કરી છે :
ચલો વ્હાલા ! માટે પ્રણય જ તણી ખાતર મને ; / ગ્રહે કે જેથી એ નિરવધિ યુગોમાં અમરતા !
કાન્તના ‘અગતિગમન’ કાવ્ય વિશે ‘પૂર્વાલાપ’ના સંપાદક રા.વિ. પાઠકે એવી નોંધ કરી છે કે, ‘આ દુનિયાના ઘોર અંધારામાં ઓચિંતાં જ ઘડીભર ચિત્ત પ્રેમસમાધિ લઈ લે છે. પ્રેમમાં જ સ્વર્ગની ઝાંખી કરી લે છે, અને એ દર્શનથી પ્રકાશ અને બળ પામીને પાછું દુનિયાના અંધારાથી દૂર રહીને ચાલવા લાગે છે.
‘સૌંદર્યો પામતાં પહેલાં સૌંદર્ય બનવું પડે’ – એવી કલાપીની જાણીતી કાવ્યપંક્તિને અનુલક્ષીને શ્રી દિલાવરસિંહ જાડેજાએ નોંધ્યું છે કે ‘પ્રેમ કરવો અને પ્રેમને પાત્ર થવું એ કાન્તનો જીવનમંત્ર છે.’ કાન્તનો પ્રેમ મિત્રપ્રેમ, પ્રભુપ્રેમ અને વિજાતીય પ્રેમનો ત્રિવેણીસંગમ છે”
આથી કાન્તનાં ઘણાં કાવ્યોમાં પ્રેમ અને ભક્તિનો સમન્વય થયો છે. ‘આશાગીત’માં પ્રણયની આશા પ્રગટ કરતાં કવિ નોંધે છે :
નિહાળું હા ! ભવિષ્યે જો ઘડી પણ નેત્રરસ જૂનો, / સખીનો સૌમ્ય, હૈયું તો સુખે ભવમાં તરે આશા
અહીં પ્રેમ અને ભક્તિનો સમન્વય સધાય છે. ‘રજાની માગણી’ કાવ્યના માધ્યમથી કવિએ ધર્માન્તર કરવા માટે પ્રિય પત્નીની પરવાનગી માગી છે. એમાં પત્નીની લાગણી વિશે સચિંત કાન્તનું વિચારશીલ અને વિવેકી વ્યક્તિત્વ અનુભવી શકાય છે. કાન્તે એવી આશા પ્રગટ કરી છે કે મૃત્યુલોકમાં પોતાના અને પત્નીના રસ્તા ભલે જુદા પડતા હોય, પરંતુ સ્વર્ગમાં તો તેમનું શાશ્વત મિલન થવાનું જ છે.
કાન્તે ખ્રિસ્તી ધર્મમાં શ્રદ્ધા મૂકી તેથી પત્નીની મનોહર મૂર્તિ એમને ભગવાનની કૃપાપ્રસાદી જેવી લાગે છે : ‘મનોહર મૂર્તિ’માં એનું રસપ્રદ ચિત્ર અંકિત થયું છે :
દેવે દીધી દયા કરી કેવી મને, અહા ! મૂર્તિ મનોહર માશૂકની,
નવરંગ પ્રફુલ્લ, ગુલાબ સમી, મૃદુ, મૂર્તિ મનોહરા માશૂકની!
કાન્ત તેમની ચિરંતન સ્નેહભાવના વ્યક્ત કરતાં કહે છે કે ‘GOD is Love’ એ મારું ધર્મસૂત્ર છે.’ સંદર્ભે શ્રી જયંત કોઠારી કહે છે કે, ‘કાન્ત માટે પ્રેમ સ્વભાવ છે.’ પ્રેમવિહોણી પરિસ્થિતિ કાન્તને માટે અસહ્ય બની જાય છે. ‘પ્રેમથી અવશ છું’, ‘સ્નેહી, સ્નેહ તણો અનાદર કહે શી રીતથી સહું ?’ કે ‘…પ્રિયજન સમીપે શિશુ રહું !’ એવા એમના ઉદ્ગારોમાં કાન્તની પ્રેમવિવશ મુદ્રા જ પ્રતીત થાય છે. ‘અશ્ચુને આવાહન’માં પણ કવિએ પ્રણયતત્ત્વ વિશેની તીવ્ર ઝંખના પ્રગટ કરી છે. જેમ કે-
નથી પાસે કોઈ પ્રિય હૃદયને શાંત કરવા, / ધરી સાથે છાતી જવલિત મહિં પીયૂષ ભરવા;
વહો માટે હાવાં, વિવશ બનતાં હું કરગરું, / તમે ચાલો વ્હાલાં ! સ્ફુટિતઉર આવાહન કરું !
કાન્તનાં પ્રથમ પત્ની વિશેના કાવ્ય ‘ઉદગાર’માં તેમજ કવિનાં બીજી વખતનાં પત્નીને સંબોધીને કરેલી રચના ‘પ્રિયાને પ્રાર્થના’માં પ્રેમનું સરળ અને સાહજિક આલેખન થયું છે. ‘વત્સલનાં નયનો’માં કવિની આંસુભીની આપવીતી વ્યક્ત થઈ છે. સુન્દરમે એ કાવ્યને ‘દર્દમાંથી જન્મેલ આંસુનાં પાણીદાર મોતી’ જેવી કૃતિ’ કહીને ઓળખાવ્યું છે. ‘આપણી રાત’માં ‘સુંદર મોહક ભાવ’ને ઝીલતી આવેગમય ગતિ છે. કાન્તની બધી પ્રણયકવિતામાં મુખ્યત્વે એમના દાંપત્યજીવનની અનુભૂતિઓને શબ્દદેહ મળે છે. અનુભૂતિની સચ્ચાઈને કારણે આ કાવ્યો હૃદયસ્પર્શી નીવડે છે.
કાન્તનાં મિત્રપ્રેમનાં કાવ્યો પ્રાસંગિક હોવા છતાં સર્વકાલીન અને સર્વસ્પર્શી બન્યાં છે. સન્દર્ભે ‘ઉપહાર’, ‘સ્નેહશંકા’, ‘રાજહંસને સંબોધન’, ‘ઉપાલંભ’, ‘રતિને પ્રાર્થના’, ‘અગતિગમન’, ‘મિત્રને નિવેદન, ‘મહેમાનોને સંબોધન’ અને ‘કલાપીને સંબોધન’ નોંધપાત્ર છે. એમાં પણ ‘ઉપહાર’, ‘રાજહંસને સંબોધન’, ‘ઉપાલંભ’, ‘સ્નેહશંકા’ અને ‘મહેમાનોને સંબોધન’ જેવી રચનાઓ વિશેષ નોંધપાત્ર છે. આમાંથી મોટા ભાગનાં કાવ્યો કવિએ બ.ક. ઠાકોરને ઉદ્દેશીને લખ્યાં છે. ‘રતિને પ્રાર્થના’માં એમણે રતિને મિત્રતાની દેવીનો દરજ્જો આપ્યો છે. એમાં કવિએ પત્ની પ્રત્યેના પ્રેમ અને મિત્ર પ્રત્યેના પ્રેમને એકરૂપ ગણ્યા છે.
અભ્યાસકાળ દરમ્યાનના અંગત મિત્ર બ.ક.ઠા.ને ઉદ્દેશીને કાન્તે લખેલ સોનેટ ‘ઉપહાર’ તેની આકૃતિ અને અંતસ્તત્ત્વ, બંને દૃષ્ટિએ પ્રશિષ્ટ બની છે. પ્રહ્લાદ પારેખનાં ‘બારી બહાર’નાં કાવ્યોની જેમ આ કાવ્યમાં પ્રયોજાયેલાં સેન્દ્રિય કલ્પનો આપણું ધ્યાન ખેંચે છે. શ્રી ભોળાભાઈએ કવિના કૌશલ્યને બિરદાવતાં નોંધ્યું છે – ‘આ ઈન્દ્રિયસંવેઘ રચના અર્થચ્છાયાના અનેક સંકેતો રચી રહે છે.’ આ કાવ્ય કાન્તનું અને ગુજરાતી કવિતાનું એક ઉત્તમ ઊર્મિકાવ્ય પુરવાર થયું છે. કાવ્યનાયકે પોતાના મિત્ર સાથે વિતાવેલા ઉત્તમ દિવસો (સૌમ્ય વયના સ્હવારો)ની મધુર સ્મૃતિઓનું શબ્દશિલ્પ કવિએ અર્ધ્યરૂપે / ઉપહાર રૂપે મિત્ર બ.ક. ઠાકોરને અર્પણ કર્યું છે.
‘અને ત્હેને આજે તરલ ધરું ત્હારા ચરણમાં, / ગમે તો સ્વીકારે ગત સમય કેરા સ્મરણમાં !’
‘કાન્તનાં કાવ્યો’ની પ્રસ્તાવનામાં એના સંપાદક શ્રી દિલાવરસિંહ જાડેજાએ યથાર્થ રીતે નોંધ્યું છે કે, ‘મારી કિસ્તી’થી ‘ઉપહાર’ (1886થી1891) સુધીનો કાવ્યરચનાનો ગાળો કાન્ત માટે ઉત્તમ હતો એમ યોગ્ય રીતે જ નોંધાયું છે.’ નિરંજન ભગતના મત અનુસાર ‘કાન્તની કાવ્યસૃષ્ટિ અલબત્ત સીમિત છે, પણ સુશ્લિષ્ટ છે. એમનું રસાત્મક વિશ્વ અવશ્ય પરિમિત છે, પણ સુગ્રથિત છે. એમની કાવ્યસૃષ્ટિના રસવિશ્વના કેન્દ્રમાં એક દર્શન છે. જીવનના અંતર્ગત કારુણ્યનું આ દર્શન ગહન, ગંભીર છે, ઊર્મિની તીવ્રતાવાળું અને અભિવ્યક્તિમાં કલાના સંયમવાળું છે.’
‘તમારી પાસે તો કુસુમ સરખો કાન્ત ગણજો’ એવું નમણું શબ્દગુચ્છ કવિહૃદયના સ્થાયી ભાવ – ‘સ્નેહ’નું જ પરિચાયક બની રહે છે. કવિ કાન્તની ઓળખ પણ એથી સહેજ પણ જુદી નથી જ.
શાસ્ત્રી શંકરલાલ માહેશ્વરને ત્યાં જ્ઞાતિજનોનો કવિતાવિલાસ ચાલતો, તેમાં વ્રજભાષાની શબ્દચમત્કૃતિભરી કાવ્યશૈલીમાં રચનાઓ થતી તેમ જ સંસ્કૃતમાં પણ વૈવિધ્યભર્યા અને અનવદ્ય છંદોવિધાનવાળી રચનાઓ થતી. કાન્તના શબ્દછંદપ્રભુત્વમાં આ કવિતાવિલાસનો ફાળો હોવાનો સંભવ છે. લૉજિક અને મૉરલ ફિલોસોફીના વિષયો સાથે બી.એ. પાશ્ચાત્ય બુદ્ધિવાદે એમને અજ્ઞેયવાદી બનાવ્યા, નીતિશાસ્ત્રના અભ્યાસે જીવનની ચરિતાર્થતાના ગહનગંભીર પ્રશ્નો એમની સમક્ષ ઊભા કર્યા અને અંગ્રેજી કવિતાએ એમના પર અજબ કામણ કરી એમની કાવ્યરુચિને નૂતન રીતે ઘડી. ૧૮૮૯માં થોડો વખત સુરતમાં શિક્ષક તરીકે કામ કર્યા પછી ૧૮૯૦ થી ૧૮૯૮ સુધી વડોદરાના કલાભવનમાં સાહિત્યશાસ્ત્રના અધ્યાપક, વાઇસ પ્રિન્સિપાલ અને એની અંગભૂત ટ્રેનિંગ કૉલેજના આચાર્ય તરીકે રહ્યા. ૧૮૯૮ થી ૧૯૨૩ સુધી એમણે ખ્રિસ્તી ધર્મ-સ્વીકારને કારણે થયેલા થોડા વિક્ષેપ સાથે ભાવનગર રાજ્યમાં બહુધા શિક્ષણ અધિકારી તરીકે અને પછીથી દીવાન ઑફિસમાં કામગીરી બજાવી.
કવિશ્રી મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’ ૧૬મી જૂન, ૧૯૨૩ના રોજ રાવલપિંડીથી લાહોરની ટ્રેનમાં મુસાફરી દરમ્યાન અવસાન પામ્યા. ચાર દાયકા સુધીની કાવ્યસર્જન પ્રવૃત્તિના પરિણામ સ્વરૂપે એમનો એકમાત્ર કાવ્યસંગ્રહ ‘પૂર્વાલાપ’ એમના અવસાનના દિવસે જ, અમદાવાદથી પ્રગટ થયો.
સંદર્ભો : 1. કાન્તનાં કાવ્યો સં દિલાવરસિંહ જાડેજા, 1997 2. એજન
કુમાર જૈમિની શાસ્ત્રી
*****
વિકિપીડિયામાંથી
મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’
સાહિત્યક્ષેત્ર : કવિ, નિબંધકાર, નાટ્યલેખક
કાવ્યની કવિપ્રતિભાનો વિશિષ્ટ ઉન્મેષ, પછીથી ‘ખંડકાવ્ય’ એ સંજ્ઞાથી ઓળખાયેલાં એમનાં વૃત્તાંતકાવ્યો છે.
સિદ્ધાન્તસારનું અવલોકન (૧૯૨૦) કાન્તની એક વિશિષ્ટ ને વિરલ કૃતિ છે.
પૂર્વાલાપ (૧૯૨૬) ગુજરાતી સાહિત્યમાં આજ સુધી અપૂર્વ કહી શકાય એવો મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’નો કાવ્યસંગ્રહ
*****
જન્મ : 20 નવેમ્બર 1867 ચાવંડ જિ અમરેલી
જીવનસાથી : નર્મદાબહેન
સંતાનો
અવસાન : 16 જૂન 1923
*****
OP 20.11.22
ખૂબ સરસ, કવિની પ્રતિભા ને જાણવા, માણવા મળી.
ખુબ સરસ પરિચયાત્મક લેખ ખૂબ જાણવા મળ્યુ
ખૂબ સરસ…
કવિ કાન્ત વિશે જૈમિની શાસ્ત્રીએ ખૂબ સરસ આલેખન કર્યું છે.
ખૂબ જ સુંદર આલેખન👍👍🌹🌹
કવિ ને સ્મૃતિ વંદન. સરસ લેખ.