કિશોર બારોટ ~ ઘોર અંધારું

🥀 🥀

ઘોર અંધારું ટળ્યું છે, એટલું કાફી નથી?
આભ ઉજમાળું થયું છે, એટલું કાફી નથી?

કંઠમાં રૂંધાઈને ડૂમા થીજેલા છે છતાં
ગીત ગાતાં આવડ્યું છે, એટલું કાફી નથી?

ભાર જીરવાશે નહીં, નક્કી હૃદય ફાટી જશે,
એ ક્ષણે આંસુ સર્યું છે, એટલું કાફી નથી?

તન અને મન સાવ ચકનાચૂર થાતાં થાકથી,
ઊંઘનું ઝોકું ફળ્યું છે, એટલું કાફી નથી?

દુઃખ આવ્યું થઈ ત્સુનામી ને ડૂબાડ્યાં સ્વપ્ન સૌ
આશનું તરણું મળ્યું છે, એટલું કાફી નથી?

~ કિશોર બારોટ

જીવનમાં કેટલું પૂરતું છે ને કેટલાની ખોટી માયા છે એટલું સમજાઈ જાય એણે સાધુ થવાની જરૂર નથી. સંસારમાં રહેવા છતાં એ સાધુથી શ્રેષ્ઠ છે.
આ કક્ષા તો ઘણી ઊંચી થઈ પણ નાનાં નાનાં સુખ જોતાં આવડે તોય સમય ઉજળો ન થઈ જાય
? આપણી આસપાસ, અરે આપણી અંદર પણ એ વેરાયેલાં છે…. અગત્યનું છે, એને જોતાં શીખવું.  અહીં કેટલા સરસ મજાનાં ઉદાહરણો દ્વારા આ વાત ઉઘડી છે ! દુખની નદી વહે છે પણ ગાતાં આવડે છે ? ગાઈ શકો છો ? ઊંઘી શકો છો ? અને આવું તો કેટલુંય શોધી શકાય.
‘એટલું કાફી નથી ?’ રદ્દીફ લઈને આવેલી આ કાવ્યતત્ત્વથી ભરી ભરી આ ગઝલ કળણમાં ડૂબેલાને જરૂર મદદનો હાથ આપી શકે !  

11 thoughts on “કિશોર બારોટ ~ ઘોર અંધારું”

  1. હરીશ દાસાણી.મુંબઈ

    નાવીન્ય તથા સચોટ અભિવ્યકિતથી સુંદર રચનાઓ

  2. હેતલ રાવ

    કંઠમાં રૂંધાઈને ડૂમા થીજેલા છે છતાં
    ગીત ગાતાં આવડ્યું છે, એટલું કાફી નથી?👌👏👏👏

    થાક, મૂંઝારો, ચિંતા, પીડા સપનાંનો ભંગાર,
    કુણા અસ્તરમાં સંતાડયાં એણે ભરચક ભાર,
    આંસુને પાંપણમાં પુરી સૌની સાથ હસેલો.
    ઘરનો સઘળો ભાર ઉપાડે, એક અજાયબ થેલો.👌👌👌

    હ્રદયસ્પર્શી ચિત્રણ

  3. રાજેશ વ્યાસ

    ખૂબ ખૂબ અભિનંદન કિશોરભાઈ… ગઝલોમાં ખરેખર પ્રાણ પૂર્યાં છે…અજાયબ થેલો ખૂબ સ્પર્શી ગયો ને તેનું સ્વરાંકન પણ થયું…

  4. જશવંત મહેતા

    ખૂબ ખૂબ સરસ રચનાઓ,ગમી જાય એવી,ગમી,રાજીપો વ્યક્ત કરું છું.

  5. બધી ગઝલોમાં નવીનતા લીધે તાજગી લાગે છે.અભિનંદન.

  6. કિશોર બારોટ

    લતાજી, કાવ્ય વિશ્વના ભાવકોના ભાણામાં મારી પણ પાંચ વાનગીઓ પીરસી તે બહુ ગમ્યું.
    ખૂબ ખૂબ આભાર. 🙏

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *