ઓચ્છવ
પતંગ….
મારે માટે ઊર્ધ્વગતિનો ઓચ્છવ
મારું સૂર્ય તરફનું પ્રયાણ..
પતંગ….
મારો ભવભવનો વૈભવ
મારી જ દોર મારા હાથમાં
પૃથ્વી પર આ પગ
ને આકાશમાં કોઇ વિહંગ હોય એવો
મારો પતંગ….
અનેક પતંગોની વચ્ચે પણ
મારો પતંગ અટવાતો નથી
કોઇ વૃક્ષની ડાળીઓમાં
ક્યાંય ભેરવાતો નથી.
પતંગ –
– જાણે કે મારો ગાયત્રી મંત્ર.
શ્રીમંત હોય, ધીમંત હોય કે રંક હોય –
બધાને જ ‘કટી પતંગ’
ભેગા કરવાનો આનંદ.
આ આનંદ પણ નોખો-અનોખો
કપાયેલા પતંગ પાસે
આકાશનો અનુભવ છે.
હવાની દિશાની ગતિનું જ્ઞાન છે.
પોતે એકવાર ઊંચે ગયો ને ત્યાં થોડુંક રહ્યો
અને પ્રત્યક્ષ પ્રમાણ છે.
પતંગ….
મારું સૂર્ય તરફનું પ્રયાણ.
પતંગનો જીવ દોરમાં
પતંગનો શિવ વ્યોમમાં
પતંગનો દોર મારા હાથ
મારો દોર શિવજીના હાથ
પતંગ કાજે પવનવાટ
શિવજી બેઠા હિમઘાટ
પતંગનાં સપનાં માનવથી ઊંચા અદકાં
પતંગ ઊડે શિવજીને ખોળે
માનવ ભોંય બેઠો ગૂંચ ઉકેલે.
~ નરેન્દ્ર મોદી