રમતાં રમત અટકી પડી સારું થયું.
શરતો બધી અઘરી પડી સારું થયું.
શેવાળ વીંધીને નદી આગળ વધી,
એ છેવટે ફસકી પડી સારું થયું.
આ જિંદગીને ઝટ જવું‘તું સ્વર્ગમાં,
મોડી જરા અરજી પડી સારું થયું.
પંપાળવી ગમતી હતી પીડા બધી,
એ પણ પછી વસમી પડી સારું થયું.
જેને થવું‘તું. સંત જે-જે વાતમાં,
એ વાત સૌ ભટકી પડી સારું થયું.
~ વારિજ લુહાર
