🥀 🥀
આજ મારી આંખડીએ અજંપો
કે ઊગ્યો રાજચંપો
આજ મારી કીકીએ પાંપણપંખો,
કે ખીલ્યો રાજચંપો.
પાંચ પાંચ પાંખડીમાં વાસભરી હેલી,
વર્ષાકન્યાની જાણે ઊઘડી હથેલી;
હાં રે એનો ક્યાં રે ગયો દેવમાલી?
કે ઊગ્યો રાજચંપો…
હાં રે કોણ પૂરે ખાલી ફૂલડાલી?
કે ખીલ્યો રાજચંપો.…
અંગનાં અનંગ —ઘેન ચાંપલિયે નીતરે,
ચંપાનો દેવજ્યોતિ લોચનિયે ઊતરે
આજ મારી આંખડીએ અજંપો
કે ઊગ્યો રાજચંપો
આજ મારી કીકીએ પાંપણપંખો
કે ખીલ્યો રાજચંપો!
~ દેશળજી પરમાર (13.1.1894 – 12.2.1966)
જન્મ સોરઠના સરદારગઢમાં. ગોંડલમાં અવસાન. ‘ઉત્તરાયણ’ (૧૯૫૪) એમનાં પ્રતિનિધિ કાવ્યોનો સંચય છે. ગીત, સૉનેટ, દીર્ઘકાવ્ય, મુક્તકોમાં એમનું અર્પણ.
