જયંત ડાંગોદરા ~ પટોળામાં ભરેલી

🥀🥀

પટોળામાં ભરેલી ભાત જેવી રાત હાજર છે,
ત્વચામાં કંઈક ગમતા સ્પર્શનો વૃત્તાંત હાજર છે.

તમારી હાજરી વિના સતત એવું થયા કરતું,
બધાની હાજરી વચ્ચે સતત એકાંત હાજર છે.

નયનમાં ઘેન છે ઘેઘૂર ગળતી રાતના જેવું,
અને સામે લચેલું એક પારિજાત હાજર છે.

પછી આરાધના સઘળીય મેં પડતી મૂકી દીધી,
તમોને જોઈ લાગ્યું કે ખુદાની જાત હાજર છે.

જરા શી આંખ મીંચું ત્યાં જ વચ્ચેથી હટે પડદો,
પછી એવું સતત લાગ્યા કરે, સાક્ષાત્ હાજર છે.

~ જયંત ડાંગોદરા

નયનમાં ઘેન છે ઘેઘૂર ગળતી રાતના જેવું / અને સામે લચેલું એક પારિજાત હાજર છે. – કમાલનો શેર !

વાત શૃંગારની છે, સ્પર્શની છે, મિલનની છે એટલે કે વિષય જૂનો અને જાણીતો પણ રજૂઆત કેટલી હટકે ! વાહ કવિ !

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *