🥀🥀
રહેવા દે સૌ સુઝાવ, અને ટૂંકમાં પતાવ
ચાકર, હુકમ બજાવ, અને ટૂંકમાં પતાવ
વીતકની લાંબી-ચોડી વિગતમાં ગયા વિના
ખાલી ગણાવ ઘાવ, અને ટૂંકમાં પતાવ
ખંખેર ખિસ્સા, ખાલી કરી દે બધું’ય સાવ
છેલ્લો લગાવ દાવ, અને ટૂંકમાં પતાવ
શું ચીરફાડ સત્યની, શાનું પૃથક્કરણ
બસ, આઈનો બતાવ, અને ટૂંકમાં પતાવ
તારો ઝુકાવ હોય જો અપરાધીની તરફ
હળવી સજા સુણાવ, અને ટૂંકમાં પતાવ
આ ભાવ-અભાવ એકવટી લાવ આંખમાં
એ સામટા વહાવ, અને ટૂંકમાં પતાવ
મોંઘી જણસનો ક્યાં સુધી પરવડશે રખરખાવ
હુંડી હવે વટાવ, અને ટૂંકમાં પતાવ
કાતિલ છે તારી વાંસળીના સૂરનો લગાવ
કેદારો સંભળાવ, અને ટૂંકમાં પતાવ
આ રોદણાં, લવારા, ઉપાલંભ, આ પ્રલાપ
ભઈ, બહુ થયું, પતાવ, અને ટૂંકમાં પતાવ
વહેલી તકે ફગાવ ‘સહજ’ પૂર્વગ્રહનો બોજ
અથવા ડુબાવ નાવ, અને ટૂંકમાં પતાવ
~ વિવેક કાણે ‘સહજ’