

🥀🥀
*હેલ્લારો*
આઝાદ થયાં, આઝાદ થયાં, આઝાદ થયાં; આ સાચું છે આઝાદ થયાં?
ના, એક લડાઈ ખુદની અંદર લડવાની, તું જાગ હવે રે હેલ્લારો….
કોને કહીશું આ સ્વરાજ છે! કોને કહીશું અજવાળું છે આઝાદીનું!
એ શબ્દો છે છેતરનારા, છોડી દે તું એ ફાગ હવે રે હેલ્લારો….
ના બોલ્યાં ને રાખ્યાં ‘તા બધીર કાન, ભૂલ્યાં ભાન, રહ્યાં ભરનીંદરમાં
તેથી ફેલાણી હાણ, કર્યા કંગાળ, તું એને તાગ હવે રે હેલ્લારો….
આઝાદ થયાં દસકા વીત્યાં પણ વીતી ના એ રાત વતનનાં માથેથી
પણ ઊગશે રે પરભાત, સૂરજનો હાથ જરી તું ઝાલ હવે રે હેલ્લારો….
ગાંધી, સુભાષ, સરદાર, શ્યામ, ટાગોર, ટિળક; એ મહામાનવોને સલામ
ઇતિહાસ ફરી લખવાનો છે, હૈયામાં ભર તું હામ હવે રે હેલ્લારો….
હો મહેનત તારી શાન, લગનથી જાન, છલોછલ ઝોળી ભર ભારતમાની
છે એક દેશ ને દેશ અમારી શાન, તું એ પહેચાન હવે રે હેલ્લારો….
સઘળાં આકાશો નવા, નવા મુકામ, નવી પહેચાન, બને આ રાષ્ટ્ર નવું
નવ મંત્રગાન, નવ સૂર-તાન, નવ દિશ પગલાં તું પાડ હવે રે હેલ્લારો….
અમૃત ઉત્સવને આ ટાણે, ભર સ્વપ્ન સ્વમાની ભારતનું તું આંખોમાં
સ્વનિર્ભર ભારત, પ્રલંબ સૂરે છેડ ગગનમાં નાદ હવે રે હેલ્લારો…
આભે અડતું મસ્તક એનું ને પાતાળે છે પાય, ખડા હો કર જોડી
ઓ હિન્દ દેશના વીર, લઈ મશાલ અને તું ચાલ હવે રે હેલ્લારો…
~ લતા હિરાણી
આવકાર
ઊગ્યું રે અજવાળું * લતા હિરાણી * ગુર્જર 2024 * P.20
પ્રકાશિત : શબ્દ સૃષ્ટિ @ નવેમ્બર 2021 – આઝાદી અમૃત મહોત્સવ – દીપોત્સવી વિશેષાંક
@@
મારી વાર્તા આપ નીચેની લિન્ક પર વાંચી શકો છો. આભાર.
કોને કહીશું આ અજવાળું છે આઝાદી નું …… વાહ વાહ સરસ