🥀🥀
ધોળે દિવસે ખ્યાલો સાથે, રાતે સુંદર સપના સાથે,
જામી જાશે દોસ્તી મારી, ધીરે-ધીરે ભ્રમણા સાથે.
દોસ્ત, મને ફાવે છે એનો અર્થ નથી કે સૌને ફાવે,
કાઠું છે જીવનભર રહેવું દાધારંગી ધખના સાથે.
સૂરજ સાથે ઘર્ષણ જેવું થોડુંઝાઝું થાય ખરું પણ,
સંબંધો સારા છે મારે આજ સુધી તો તડકા સાથે.
વાયુ થોડો રંગીલો છે, દુનિયા આખી જાણે છે કે-
એને કૂણા સંબંધો છે છેલછબીલી અફવા સાથે.
મારું માનો, દફનાવી દો, ગમ્મે તેમ કરીને આજે,
બેઠો થાશે નહિતર દા’ડો કાલ નઠારી ઘટના સાથે.
~ કિશોર જિકાદરા
જીવન સરલાભાસી છે. ક્યારેક સુંવાળું દેખાય પણ બીજી પળ? ભ્રમણા એના સાચા સ્વરૂપે પ્રગટ થાય. જીવનના કેટલા રંગ ? પળે પળે બદલાય પણ બધા રંગોની છાયા રૂપાળી નહીં જ. દાધારંગી ધખના, નઠારી ઘટના કે ભ્રમણાના ઓછાયા સાથ ન છોડે…. પણ તોયે રંગીલા વાયુ અને છેલછબીલા સપનાં કેડો નહીં જ મૂકવાના….
આખીયે ગઝલ આમ રૂપાળા શબ્દોની પાછળ સચ્ચાઈ પ્રગટાવતી જાય છે. નહીં કહીને ઘણું કહી દેવાની આ ઘટના….
વાહ વાહ, કવિ
અકાળે કુમકુમ કદી ના ખરશો ..Top.Class
સરળ ભાષામાં સરસ ગઝલો