હરિકૃષ્ણ પાઠક ~ પાંચ કાવ્યો

🥀🥀

ઘટના એવી કંઈ અણઘટી
કેમે ના પરખાય એવડી ઊંડી ને અટપટી,
ઘટના એવી કંઈ અણઘટી.

કિયે વાયરે ઊઠી એમાં કોણે પૂર્યા રંગ,
સાન કશી ના મળે છતાં સૌ સાંભળનારાં દંગ.
ઘડીક ઊજળે અંગ, ઘડીમાં મેલી માથાવટી
ઘટના એવી કંઈ અણઘટી.

મૂળ જડે નહિ મનમાં, તનમાં ફેલાવે કંઈ તાપ,
ગયું કોઈ પ્રગટાવી કે એ પ્રગટી આપોઆપ?
માથું ખાળવા ત્યાં તો ભાળું – જતી વેળને વટી
ઘટના એવી કંઈ અણઘટી.

અસમંજસના અણઘડ ઓટે અથરો અથરો બેસું;
પરોવાઈને વળતો પાછો, પાછો વળતો પેસું…
ખરેખરું કંઈ થયું ન’તું તો ગયું હવે શું મટી?
ઘટના એવી કંઈ અણઘટી.

~ હરિકૃષ્ણ પાઠક (5.8.1938 27.3.2025)  

આ ઘટના તો ઘટવાની જ હતી. ઘટવાની જ છે સૌની સાથે પણ મનમાં ચિરાડો પાડે જ.

કવિનો શબ્દ દેહ આપણી સાથે જ છે.

કવિના આત્માને વંદન.

🥀🥀

નેજવાંની છાંય તળે બેઠો બુઢાપો,
એનું ઝાડ જેમ ઝૂલ્યું છે મન,
કરચલીએ કરમાયાં કાયાનાં હીર
તો ય ફૂલ જેમ ખૂલ્યું છે મન.

આંગણામાં ઊગ્યો છે અવસરનો માંડવો
ને ફરફરતો તોરણનો ફાલ,
એવું લાગે ઘડી, ઊગી છે આજ ફરી
વીતેલી રંગભરી કાલ!

છોગાની શંકાએ માથે ફેરીને હાથ
ખોળે ખોવાયલું ગવન.
સમણાંને સાદ કરી , હુક્કો મંગાવ્યો જરી,
ઘૂંટ ભરી પીધું ગગન.

ઠમકાતી મંદ ચાલ ઘરમાં ને બારણે
ને છલકાતું એ જ નર્યું રૂપ.
કંકુનાં પગલામાં મ્હોરી ગૈ વાત
જેને રાખી’તી માંડ માંડ ચૂપ !

નેજવાંની છાંય તળે બેઠો બુઢાપો
એનું ઝાડ જેમ ઝૂલ્યું છે મન.

~ હરિકૃષ્ણ પાઠક (5.8.1938 27.3.2025)

🥀🥀

આ તો ભાઈ ઠીબનાં પાણી!
તરસી પાંખને કો’ક દી ઊંડી આરત લાવે તાણી,
આ તો ઠીબનાં પાણી.

ન્હોય નદીનાં નીર કે એમાં ઊમટે ઘમ્મરપૂર,
થીર ના કોઈ તળાવ કે એમાં ઊગવાં કમળફૂલ,
તરસ્યું કોઈ આવશે-ખોબો’ક રેડવા, એટલું જાણી;
આ તો ઠીબનાં પાણી.

કોઈ દી એને કાંઠડે નહીં વસવાં નગર-ગામ,
કૉળવાં નહીં વંન, કે લીલાં મંન કે ટગર ફૂલ-શાં ભીનાં નામ,
થાક ભરેલા પળનો પોરો પામતાં એ જ કમાણી;
આ તો ઠીબનાં પાણી.

કોતર-કાંઠા બેટ કે ભાઠા કોઈ નહીં અસબાબ,
ઢળતું માથે છાપરું, ઝૂકે ડાળખી અને ચાંગળું તરે આભ,
નેહની ભીની મટકીમાંથી ખેવના કેરી લ્હાણી,
આ તો ઠીબનાં પાણી!

~ હરિકૃષ્ણ પાઠક (5.8.1938 27.3.2025)  

🥀🥀

ઝીલો જળની ધારા;
આજ છલ્યો દરિયો આકાશી તોડી સઘળા આરા,
ઝીલો ઝળની ધારા.

જળની રેલમછેલ મચી છે, જળની ઝીંકાઝીંક;
જળનો સાંઢ ચડ્યો તોફાને જોજો, લાગે ઢીંક!
પડ્યો નગારે ઘાવ, કાળના દ્હાડા ગયા અકારા;
ઝીલો જળની ધારા.

પડી તિરાડો પળમાં દેતા જળના રેલા સાંઘી,
સચરાચર કોળ્યું, જે બેઠું જીવ પડીકે બાંધી!
જળહળતું નભ જળથી, નીચે જળના ભર્યા ઝગારા!
ઝીલો જળની ધારા.

~ હરિકૃષ્ણ પાઠક (5.8.1938 27.3.2025)  

🥀🥀

આખાયે ઢોળાવ પર હતાં
નાનાંમોટાં ઝાડવાં,
વાંકાં-ચૂકાં થડ-ડાળખાં,
ઝીણાં મોટાં પાંદ, આછી-ઘેરી છાંય.
મથાળાની દેરીએ લોક આવતું-જતું
ચડતું-ઊતરતું.
મળી રહેતો છાંયો, મળી જતો પોરો;
ઝાઝો નહીં તો થોડો.
ક્યાંક વીંટાતા દોરા-ધાગા,
ક્યાંક ચડાવાતી ચૂંદડી લાલ-પીળી;
ક્યાંક વળી પથ્થરો ગોઠવીને દેગ ચડાવતું લોક.
હવે બધુંયે ઉજ્જડ.
નહીં એકે ઝાડ કે પાંદડું,
નહીં ઘાસચારાનું તણખલું.
બકરાં-કૂતરાંએ ટ્રૂકતાં નથી હવે.
કાળીબંજર ભોંયની વચ્ચે ઊભી છું
ક્યારેક કો’ક આવીને ખોદી ખાય તેની રાહમાં…..

~ હરિકૃષ્ણ પાઠક (5.8.1938 27.3.2025)  

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *