મનોહર ત્રિવેદી ~તમા રાખે વખતસરની

🥀 🥀

*નિરાંતે એ જ ઊંઘે છે*

તમા રાખે વખતસરની નિરાંતે એ જ ઊંઘે છે
રહે ના યાદ પણ ઘરની નિરાંતે એ જ ઊંઘે છે

અહીંથી ત્યાં, ઉતારો ક્યાં? નથી ચિન્તા થતી જેને
કરે પરવા ન બિસ્તરની નિરાંતે એ જ ઊંઘે છે

ક્ષણો જેવી મળી એને સહજભાવે જ સ્વીકારી
પ્રથમની હો કે આખરની નિરાંતે એ જ ઊંઘે છે

તમે ઈશ્વર વિશે ચર્ચા કરી જાગ્યા કરો, પંડિત!
ખબર રાખી ન ઈશ્વરની નિરાંતે એ જ ઊંઘે છે

કબીરે સાળ પર બેસી કહ્યું: મંદિર કે મસ્જિદને –
ગણે જે કેદ પથ્થરની નિરાંતે એ જ ઊંઘે છે

પ્રશંસા કે પ્રતિષ્ઠાના નથી ઉદ્ગાર બે માગ્યા
મજા લે એ જ અંદરની નિરાંતે એ જ ઊંઘે છે….

~ મનોહર ત્રિવેદી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *