🥀🥀
હોય એકસરખા જો સપનાંઓ કેમ કદી બેઉને એ ફળતા નથી ?
હાથમાં જ હોય એને મળવાની રેખા ને તોય અમે મળતા નથી .
અંધારા ઓરડામાં મુઠ્ઠીભર તેજ મળે
તોય એમ લાગે કે જીવીએ
તરફડતી માછલીની વેદનાનો ભાર લઇ
તૂટેલા સગપણ ને સીવીએ
હું જ હવે રસ્તો થઇ બેઠો ને તોય હજુ
પાછા એ વળતા નથી
હોય એક સરખા જો સપનાંઓ કેમ કદી
બેઉને એ ફળતા નથી ?
સરખા બે પાટા પણ સાથે ના હોય અમે
પાસે થી દૂર એમ રહીએ
કાંઠાની જેમ અમે વેઠીયે ઝુરાપો ને
આંસુની નદીઓમાં વહીએ
સૂરજની જેમ તમે સાંજ પડે મારામાં
કેમ કદી ઢળતા નથી ?
હોય એક સરખા જો સપનાંઓ કેમ કદી
બેઉને એ ફળતા નથી ?
~ તેજસ દવે
એકદમ પાયાનો અને વાસ્તવિક સવાલ લઈને કવિ આવ્યા છે પણ એનો જવાબ કોઈ કરતાં કોઈ પાસે નથી…
