કુણાલ શાહ ~કૈંક અપવાદો

🥀🥀

કૈંક અપવાદો નિયમ થઈ જાય છે,
સત્યનો ચહેરો સતત બદલાય છે.

દોડતા રસ્તાના પગ લથડ્યા હશે?
કે પછી કિસ્સો અહીં ફંટાય છે?

જે સમજની કૂખથી જન્મી હતી,
એ સમસ્યા પુખ્ત વયની થાય છે.

આપણા સંબંધ કહેવત પર ગયા,
તેર તૂટે એક જ્યાં સંધાય છે.

સ્પષ્ટતા કરવા ગયો ઘટના વિશે,
કારણો કારણ વિના અકળાય છે.

~ કુણાલ શાહ

મત્લાના શેર તરત સ્પર્શી જાય એવો. જુઓ, અહીં વાત સત્યના બદલાવાની નથી. સત્યનો ચહેરો જે પહેરીને ફરે છે વાત એની છે. કેમ કે આ ચહેરો બદલાતો રહે છે.

સમજ અને સમસ્યાને જે અનુબંધથી કવિએ જોડી છે એ ગમી જાય એવી વાત છે. સમજની કૂખથી સમસ્યા જન્મે ? હા, કેમ કે સમસ્યા જ્યાં બે વ્યક્તિ હોય ત્યાં થાય અને બંનેમાં સમજ આછીપાતળી થાય એવું બનતું રહે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *